અભિનેત્રી કેન્દ્રી ફિલ્મોથી અભિનેત્રીઓ સ્ટાર – અભિનેતા માટે મોટો પડકાર ઊભો કરી શકી છે તેની ચર્ચા કયારેક કરીશું. અત્યારે એ ચર્ચા જરૂર થવી જોઇએ કે આવી ફિલ્મો નાના કહેવાતા અભિનેતા માટે મોટો ચાન્સ બની જાય છે. હમણાં ‘ડાર્લિંગ્સ’ રજૂ થવાની છે. થિયેટરો નહીં નેટફલિકસના પ્લેટફોર્મ પર. આલિયા ભટ્ટ અને શેફાલી શેટ્ટી તેમાં મુખ્ય પાત્રો ભજવે છે. આ ફિલ્મ શાહરૂખખાન અને આલિયા ભટ્ટે પ્રોડયુસ કરી છે એટલે શાહરૂખ સ્વયં આ ફિલ્મનો હિસ્સો બન્યો હોત તો ફિલ્મની કમર્શીઅલ વેલ્યુ પણ વધી હોત પણ તેણે એવું નથી કર્યું એટલે રોશન મેથ્યુનો ચાન્સ લાગી ગયો છે.
રોશન મલયાલમ ફિલ્મોમાં જાણીતો છે અને ‘પૂથીયા નિયમાન’માં તેની ભૂમિકા પ્રથમવાર ચર્ચામાં આવેલી અને પછી ‘આનંદમ’, ‘કુડે’, ‘મુથોન’ અને પછી ‘કપ્પેલા’, ‘સી યુ સૂન’ સુધીની ફિલ્મોએ તેને મશહુર કર્યો છે. હિન્દીમાં તે પહેલીવાર બે વર્ષ પહેલાં ‘ચોક્ડ’ માં આવેલો. તેમાં તેણે સાઉથ ઇન્ડિયનનું જ પાત્ર ભજવવાનું હતું. અત્યારે તેની ‘કોબ્રા’ આવી રહી છે જે તમિલ, તેલુગુ સાથે હિન્દીમાં રજૂ થવાની છે. પણ તે પહેલાં ‘ડાર્લિંગ્સ’ આવી રહી છે જે તેને આલિયા-શેફાલી વચ્ચે ખાસ બનાવી દેશે. શાહરૂખ – આલિયા આ ફિલ્મનાં નિર્માણ સાથે જોડાયેલા છે એટલે ય મેથ્યુ આ ફિલ્મને ખાસ માને છે. બાકી અત્યારે કુલ દશેક ફિલ્મમાં તે રોકાયેલો છે. આ વર્ષ સાઉથના અનેક સ્ટાર્સને હિન્દીમાં લાવનારુ વર્ષ છે. તો તેમાં એક રોશન પણ છે. •