Business

આલિયા ‘ગંગુબાઇ’ પછી ‘ઇશા’ તરીકે લોકપ્રિયતા મેળવશે?

આલિયા ભટ્ટની ‘ગંગુબાઇ કાઠિયાવાડી’ ની લોકપ્રિયતાને કારણે તેનો ‘બ્રહ્માસ્ત્ર’નો લુક જલદી જાહેર કરી દેવામાં આવ્યો છે? આવો પ્રશ્ન થાય એ સ્વાભાવિક છે. ‘બ્રહ્માસ્ત્ર’ ના પહેલા ભાગ ‘શિવા’ ના ખાસ ટીઝરમાં માત્ર આલિયાના જુદાં જુદાં રૂપ બતાવવામાં આવ્યાં છે. એ પરથી અંદાજ આવશે કે આલિયાએ દરેક રૂપમાં સારો અભિનય કર્યો હશે. આલિયા આધુનિક વેશમાં ‘ઇશા’ તરીકેની ભૂમિકામાં જોવા મળવાની છે. છેલ્લાં ઘણાં વર્ષોથી બની રહેલી ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ના પહેલા ભાગનો રણબીર કપૂરનો ‘શિવા’ તરીકેનો લુક ત્રણ મહિના પહેલાં જાહેર થયો હતો. તેના લુક સાથે અભિનયના વખાણ થયા હતા. બંને પહેલી વખત એકસાથે આવી રહ્યાં હોવાથી તેમની કેમેસ્ટ્રી જોવા દર્શકો ઉત્સુક છે. આલિયા જ્યારે ૧૧ વર્ષની હતી ત્યારે તેની પહેલી મુલાકાત રણબીર કપૂર સાથે થઇ હતી. રણબીર ત્યારે સંજય લીલા ભણશાલીના સહાયક નિર્દેશક તરીકે કામ કરતો હતો અને આલિયા ‘બ્લેક’ માં રાની મુખર્જીના બાળપણના રોલ માટે ઓડિશન આપવા ગઇ હતી.

આલિયાની ત્યારે પસંદગી થઇ ન હતી અને એ ભૂમિકા આયેશા કપૂરને મળી હતી. બંને ભવિષ્યમાં અભિનય કરતા હશે અને એકબીજાના પ્રેમમાં પડશે એવી કોઇને કલ્પના ન હતી. રણબીર સાથે છેલ્લા એક વર્ષથી પ્રેમમાં પડેલી આલિયાની ‘બ્રહ્માસ્ત્ર’ ની રજૂઆત તેના લગ્નની જેમ સતત લંબાઇ રહી હતી. આલિયાના ૨૯ મા જન્મદિને નિર્દેશક અયાન મુખર્જીએ ફિલ્મને હિન્દી ઉપરાંત તમિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડ ભાષામાં ૯ મી સપ્ટેમ્બરે રજૂ કરવાની જાહેરાત કરી છે. ‘બ્રહ્માસ્ત્ર’ માં આલિયા સાડીમાં દેખાય છે પણ તેણે પોતાના જન્મદિનની ઉજવણી સમુદ્ર કિનારે બિકિનીમાં કરી હોવાનો વીડિયો શેર કર્યો હતો. આલિયાની બીજી મહત્ત્વની ફિલ્મ નિર્દેશક એસ.એસ.રાજામૌલીની ૨૫ મી માર્ચે રજૂ થનારી ‘RRR’ છે. ‘બાહુબલી ૨’ પછી એસ.એસ. રાજામૌલીની આ બીજી ફિલ્મ છે. ‘બ્રહ્માસ્ત્ર’ પહેલાં ‘RRR’ માં આલિયાના ‘સીતા’ તરીકેના અભિનયની પરીક્ષા થવાની છે. ફિલ્મનું જુનિયર એનટીઆર અને રામચરણ સાથે આલિયાનું ‘શોલે’ ગીત રજૂ થતાંની સાથે જ ધૂમ મચાવી રહ્યું છે. આ ગીતમાં સ્વતંત્ર સેનાનીઓને શ્રધ્ધાંજલિ આપવામાં આવી છે. આલિયાની ‘ગંગુબાઇ કાઠિયાવાડી’ હજુ થિયેટરોમાં ચાલી રહી છે ત્યારે ‘RRR’ પણ આવશે. તેમ છતાં આલિયાની લોકપ્રિયતાનો ‘RRR’ ને લાભ મળી શકે છે.

ટાઇગર શ્રોફ પાસે ઇમોશનની અપેક્ષા રાખવા જેવી નથી?
શું ટાઇગર શ્રોફને અભિનય કરતાં એકશન અને ડાન્સમાં જ વધારે રસ છે? એવો પ્રશ્ન તેની ‘હીરોપંતી ૨’ ના ટ્રેલર પછી પૂછવામાં આવી રહ્યો છે. ‘હીરોપંતી ૨’ ના પોણા ચાર મિનિટ લાંબા ટ્રેલરમાં ટાઇગરના ઇમોશન સાથેનાં દ્રશ્યો કરતાં એક્શન અને ડાન્સને જ વધારે મહત્ત્વ આપવામાં આવ્યું છે. ટાઇગરને એક્શન દ્રશ્યોમાં કાર સાથે હવામાં પણ ઊડતો બતાવવામાં આવ્યો છે. ટાઇગરની ખરી પ્રતિભા એમાં હોવાનું કોરિયોગ્રાફર રહેલા નિર્દેશક એહમદ ખાન માની રહ્યા છે કેમ કે તેના ચાહકો એ રૂપમાં જ ખુશ થાય છે. ટાઇગરે મોટા ભાગનાં એકશન દ્રશ્યો હવામાં ઊછળીને કર્યા છે. એમાં VFXનો કમાલ વધારે લાગે છે અને હોલિવૂડની ફિલ્મની નકલ તરીકે ‘હીરોપંતી ૨’ ની સોશ્યલ મીડિયામાં મજાક ઉડાવવામાં આવી રહી છે. એક્ટિંગ આતી નહીં ઔર ઓવરએકટિંગ જાતી નહીં.’ જો ટ્રેલર જ આટલું ઢંગધડા વગરનું છે તો ફિલ્મ કેવી હશે એવો સવાલ થઇ રહ્યો છે. ટ્રેલરમાં ટાઇગર અને નવાઝુદ્દીન સિદ્દીકીનાં દ્રશ્યો આડેધડ મૂકી દેવામાં આવ્યા છે. ફિલ્મની વાર્તામાં બંને વચ્ચેની જંગ સિવાય કંઇ દેખાતું નથી.

જો કે એમાં ‘બબલૂ રાણાવત’ બનતા ટાઇગર કરતાં ‘લૈલા’ ના રૂપમાં નવાઝુદ્દીન વધારે પ્રશંસા મેળવી ગયો છે. ફિલ્મની વાર્તામાં એક સાઇબર ક્રાઇમવાળા સામે લડવા એક્શન હીરોની કેમ જરૂર પડી એ સમજાતું નથી. ટ્રેલરની શરૂઆત નવાઝુદ્દીનની સાઇબર ક્રાઇમના માસ્ટરમાઇન્ડ ‘લૈલા’ તરીકે થાય છે. તે છેલ્લે સુધી પોતાના અંદાજથી છવાયેલો રહે છે. અલગ પ્રકારની નકારાત્મક ભૂમિકાથી નવાઝુદ્દીને ફરી સાબિત કર્યું છે કે તે કોઇ પણ પાત્રને ન્યાય આપી શકે છે. આ વર્ષે તે પાંચ ફિલ્મોમાં અલગ-અલગ ઝોનરમાં જોવા મળવાનો છે. તે પોતાને કોઇ ભૂમિકામાં દોહરાવવા માગતો નથી. નવાઝુદ્દીનને કારણે જ ફિલ્મમાં કંઇક અલગ જોવા મળવાની આશા છે પણ આ એક બોલિવૂડ મસાલા ફિલ્મ છે અને એમાં તારા સુતરિયાને ગ્લેમરસ ભૂમિકામાં જ રજૂ કરવામાં આવી છે. તેણે એક-બે સંવાદ બોલ્યા છે એ વાહિયાત હોવાની ટીકા થઇ રહી છે. ફિલ્મની વાર્તાને પહેલી ‘હીરોપંતી’ સાથે કોઇ લેવાદેવા નથી.  છતાં એને સીક્વલ તરીકે ઓળખાવવાની સાથે ટાઇગરનું નામ ‘બબલૂ’ જ રાખ્યું હોવાથી અગાઉની સફળતાને વટાવવા જ બનાવવામાં આવી હોવાનું માની શકાય એમ છે. ફિલ્મમાં એ.આર.રહેમાનનું સંગીત હોવાથી ગીત-સંગીત સારું હોય શકે છે.

Most Popular

To Top