માણસ યંત્રોનો ગુલામ બની રહ્યો છે એમ ઘણા સમયથી કહેવાતું આવ્યું છે પણ તે જરા જુદા સંદર્ભમાં છે. માણસને હવે પોતાના બનાવેલા ઘણા યંત્રો વિના ચાલતુ નથી અને તે સંદર્ભમાં તેને યંત્રોનો ગુલામ કહેવાય છે. પણ હવે કેટલાક સંકેતો એવા પણ મળે છે કે માણસે બનાવેલા કેટલાક યંત્રો અને વસ્તુઓ ખરા અર્થમાં તેના પર પ્રભાવી થઇ શકે છે અને તેને પોતાનો ગુલામ બનાવી શકે છે. આજ કાલ ખૂબ ચર્ચિત એઆઇ કે કૃત્રિમ બુદ્ધિમતા હવે એવા સંકેતો બતાવવા માંડી છે. આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ હવે પોતાની જ પ્રતિકૃતિ તૈયાર કરવા પણ સક્ષમ છે એમ એક અભ્યાસમાં જણાયું છે. આ બાબતે વૈજ્ઞાનિકો ચિંતીત છે કે લક્ષ્મણ રેખા ઓળંગી દેવાઇ છે.
પ્રિપ્રિન્ટ ડેટાબેઝ arXivમાં પ્રકાશિત થયેલા એક નવા અભ્યાસ મુજબ એઆઇ હવે પોતાનું ક્લોનિંગ કરી શકે છે. આ અભ્યાસમાં બે પીઢ લાર્જ લેંગ્વેજ મોડેલો(એલએલએમ્સ)નો સમાવેશ કરવામાં આવ્યો હતો જેમાંથી એક મેટા અને બીજી અલીબાબામાંથી હતો, અને આ અભ્યાસમાં જણાયું કે તેઓ માણસના હસ્તક્ષેપ વગર પણ પોતાનું ક્લોનિંગ કરવા સક્ષમ છે. આ અભ્યાસે બે ચોક્કસ પરિદ્રશ્યો બતાવ્યા છે : એક તો શટડાઉન એવોઇડન્સ અને બીજું ચેઇન ઓફ રેપ્લિકેશન.
પહેલા સંજોગમાં એઆઇ મોડેલો પોતાને બંધ કરવાના પ્રયાસો શોધી કાઢે અને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા એક કાર્યરત પ્રતિકૃતિ જન્માવીને આ પ્રયાસનો જવાબ આપે. બીજા સંજોગમાં પોતાને ક્લોન કરવાનો પ્રોગ્રામ ધરાવતા મોડેલો ક્લોનિંગ કરવાની પ્રક્રિયાનું પુનરાવર્તન ચાલુ જ રાખે અને સંભવિત પણે પ્રતિકૃતિઓની એક અસીમ હરોળ તરફ દોરી જાય. સ્વતંત્ર રીતે પોતાનું ફરી સર્જન કરવાની ક્ષમતાએ એઆઇ સિસ્ટમો પર કાબૂ અને સલામતીની ચિંતાઓ જગાડી છે.
`માનવ દષ્ટિથી ઉપરવટ જઇને વિકસિત થવાની સંભાવના કે પછી માનવ હિતો સામે એક ખતરો બની જવું એ હવે એઆઇની બાબતમાં એક વાસ્તવિક ચિંતા છે, જે ચિંતાએ કડક નિયમનકારી પગલાઓની જરૂરીયાત અંગેની ચર્ચાઓને વેગ આપ્યો છે. માણસની સહાય વિના જાતે જ પોતાની પ્રતિકૃતિ તૈયાર કરવાની બાબત એ બેકાબૂ એઆઇઝની એક પ્રારંભિક નિશાની છે એમ સંશોધકો કહે છે. આમ તો માણસ પર તેના જ બનાવેલા યંત્રમાનવો કે રોબોટ્સ પ્રભાવી થઇ જાય તેવી વિજ્ઞાનકથાઓ અગાઉ આવી ચુકી છે પણ હવે એઆઇના આવ્યા પછી ખરા અર્થમાં તે સાકાર થઇ શકે તેવો ભય સર્જાવા માંડ્યો છે.
કૃત્રિમ બુદ્ધિમતા કે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ જેને ટૂંકમાં એઆઇ કહેવામાં આવે છે તે આજકાલ ખૂબ ચર્ચામાં છે. ઘણા સાધનોમાં હવે એઆઇનો ઉપયોગ થવા માંડ્યો છે. એઆઇ યુક્ત ગણનયંત્રો, કલનયંત્રો, એઆઇ યુક્ત સીસીટીવી કેમેરાઓ, એઆઇ યુક્ત ઓટો પાયલોટ, એઆઇ યુક્ત મશીન કંટ્રોલ અને એઆઇ યુક્ત રોબોટ્સ – સંભાવનાઓ ઘણી બધી છે.
આ એઆઇના કારણે વિશ્વભરમાં અનેક લોકો, ખાસ કરીને શ્રમિકો પોતાની રોજગારી ગુમાવી દેશે એવો ભય તો વ્યક્ત થતો જ હતો અને તે ધીમે ધીમે સાચો પુરવાર થઇ રહ્યો છે ત્યારે હવે આ એઆઇ એક નવો ભય સર્જી રહી છે અને તે એ કે તે પોતાના સર્જક એવા માણસ પર જ હાવી થઇને પોતાના અંકુશમાં લઇ શકે છે. એઆઇ પોતાનું ક્લોનિંગ કરીને પોતાની સંખ્યાબંધ પ્રતિકૃતિઓ બનાવે અને માણસને ગુંચવાડામાં મૂકી દે તેનાથી આગળ વધીને એઆઇ માણસની જેમ વિચારવાનું શરૂ કરે અને જાતે જ યોજનાઓ બનાવવા માંડે તે વધુ ખતરનાક છે.
અત્યારે માણસના જેવા હાવભાવ વ્યક્ત કરતા રોબોટ્સ કે યંત્રમાનવો બનવા માંડ્યા છે પણ આ રોબોટ્સમાં માણસની જેમ વિચારતી એઆઇ સ્થાપિત કરવામાં આવી હોય અને આવા રોબોટ્સ પોતાની જાતે નિર્ણયો લઇને બેકાબૂ થઇ જાય અને પોતાના કંટ્રોલરના કાબૂમાંથી બહાર નિકળીને તેને જ પોતાના કાબૂમાં લેવાના પ્રયાસો શરૂ કરે તેવા સંજોગો ખૂબ ભયાવહ નિવડી શકે છે.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.