Comments

‘આપ’ પંજાબ પણ ખોશે?

દિલ્હીમાં આપે હાર કેમ મેળવી એનું પોસ્ટમોર્ટમ થઇ ગયું છે. પણ એનાથી વાત આગળ વધી છે અને વધવાની છે. દિલ્હીમાં આપની હારનાં કારણો સ્પષ્ટ છે પણ હવે શું? એ પ્રશ્ન મહત્ત્વનો છે. ભાજપ માત્ર વિજય મેળવીને બેસી રહેવાનો નથી અને પંજાબમાં કોઈ નવાજુની થઇ શકે એમ છે. આ બે શક્યતાઓ કેટલી સાચી પડે છે એના પર આપનું ભવિષ્ય નક્કી થવાનું છે. આપે દિલ્હી ખોઈ તો નથી જ. કારણ કે ભાજપ અને એને મળેલા મતો વચ્ચે અંતર એટલું બધું નથી. ચારેક ટકા જેવું છે અને આપે ૪૩ ટકા મત મેળવ્યા છે. પણ બેઠકો ઘણી બધી ઘટી ગઈ છે અને હજુય ઘટી શકે છે.

ચૂંટણી પહેલાં જ કેટલાક ધારાસભ્યો કે જેમને ટિકિટ નહોતી મળી એમાંનાં કેટલાંક પક્ષ છોડી ગયા છે અને હવે આપ પાસે સત્તા નથી એટલે કેટલાંક વધુ લોકો પક્ષ છોડી જઈ શકે છે. ભાજપ આવાં ઓપરેશન માટે જાણીતો છે અને એમાં ફાવટ આવી ગઈ છે અને એમાં એમને સરકારી એજન્સીઓ હાથવગી છે. બીજું કે, શરાબ નીતિના કેસ હજુય ઊભા છે એમાં ગતિ કેટલી ઝડપી બને છે એય જોવાનું છે અને એની અસર પક્ષ પર પડી હતી એમ હવે પછી પણ પડી શકે એમ છે. સામ, દામ, દંડ, ભેદની નીતિ ભલભલાને ઢીલાં પાડી દે છે.

આ ઉપરાંત હવે આપને પંજાબની ચિંતા થાય એ સ્વાભાવિક છે. ત્યાં સત્તા તો છે પણ આંતરિક ગરબડો પણ ઓછી નથી. શાસન અને એની પદ્ધતિ સામે સવાલો પણ છે. ભગવત માન એટલા સક્ષમ નથી અને કોંગ્રેસ તો દાવો કર્યા જ કરે છે કે, આપના કેટલાક સભ્યો એમના સંપર્કમાં છે. એ આંકડો દાવા મુજબ ૩૦ સુધી પહોંચ્યો છે અને ૨૦૨૭માં ચૂંટણી થવાની છે ત્યાં સુધી આપે એમનો ગઢ સાચવી રાખવાનો છે  અને એની ચિંતા અત્યારથી શરૂ થઇ ગઈ છે. અરવિંદ કેજરીવાલે આપના ધારાસભ્યોની એક બેઠક દિલ્હીમાં બોલાવી  અને એ બેઠક ટૂંક સમયમાં પૂરી કરી દેવાઈ એનાથી કેટલીક અટકળો પેદા થઇ છે. જો કે, આપે એવો ખુલાસો કર્યો કે, દિલ્હીની ચૂંટણીમાં પંજાબના નેતાઓએ ઘણું બધું કામ કરેલું એનો આભાર માનવા કેજરીવાલે આ બેઠક બોલાવી હતી. આ વાત ગળે ઊતરે એવી તો નથી.

આપે એ પણ નક્કી કરવાનું છે કે, માત્ર ફ્રી બીનાં આધારે સત્તા નહિ મેળવી શકાય. એનાથી વધુ કૈંક કરવું પડશે અને એમાં વિપક્ષો સાથે સારા સંબંધો પણ રાખવા પડશે. જેમ કે, હરિયાણામાં કોંગ્રેસે આપને કોઠું ના દીધું અને ભાજપ એમાં ફાવી ગયો. એ જ દિલ્હીમાં આપે કોંગ્રેસ સાથે સમજુતી ના કરી અને એનું પરિણામ ભોગવ્યું. કોંગ્રેસને એકેય બેઠક ભલે ના મળી પણ એના મતોમાં તો વધારો થયો એ નુકસાન સીધું આપને થયું. નહિ તો કદાચ ભાજપ માટે સત્તા છેટી રહી જાત. અરવિંદ કેજરીવાલે નવેસરથી પક્ષની વ્યૂહનીતિ વિચારવી પડશે. કારણ કે, એક વૈકલ્પિક રાજનીતિનું સર્જન થયું પણ એનું દસ વર્ષમાં બાળમરણ થાય એ ભારતના રાજકારણ માટે સારી નિશાની નથી.

મણીપુરમાં રાષ્ટ્રપતિ શાસન  
મણીપુરમાં અંદેશો હતો એવું જ બન્યું છે. મુખ્યમંત્રી એન. બીરેનસિંહનું રાજીનામું લેવાયું અને ચાર દિવસ બાદ જ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદી દેવાયું છે. રાજ્યપાલે કેન્દ્રને જે અહેવાલ મોકલ્યો એમાં એમ લખ્યું છે કે, વર્તમાન સરકારી પદ્ધતિએ શાસન ચાલી શકે એમ નથી એટલે રાષ્ટ્રપતિ શાસન લાદવું જરૂરી છે. એનો મતલબ એમ પણ થયો કે, રાજ્યમાં ભાજપની સરકાર નિષ્ફળ રહી.

ભાજપે બીરેનસિંહને બચાવવાની ઘણી બધી કોશિશ કરી પણ વિપક્ષ દ્વારા અવિશ્વાસ પ્રસ્તાવની દરખાસ્ત થઇ અને પક્ષમાં ફૂટ પડશે એવો અંદેશો આવી ગયો એટલે બીરેનસિંહનું રાજીનામું માગી લેવાયું અને નવા મુખ્યમંત્રી મળી શકે એમ ના હોવાથી, સત્તા જવાનો ડર પણ કેટલાક અંશે લાગ્યો હોવાથી રાષ્ટ્રપતિ શાસન લાદી દેવાયું છે.  પણ હવે શું? એનો જવાબ ભાજપ કે કેન્દ્ર સરકાર આપી શક્યાં નથી. કુકી અને મૈતેઈ સમાજ વચ્ચેનો સંઘર્ષ હજુ ખતમ થયો નથી. હિંસા છેલ્લા દોઢ વરસથી અટકી નથી અને આજેય હજારો લોકો રાહત છાવણીમાં રહે છે. અહીં ભારત બહારનાં તત્ત્વોની દખલગીરી પણ છે. આ સંજોગોમાં ભાજપ કઈ રીતે આગળ વધે છે એ બહુ મહત્ત્વ ધરાવે છે.

બીરેનસિંહ સામે આકરો રોષ હતો. વિપક્ષમાં તો હોય પણ ભાજપમાં પણ હતો અને લાંબા સમયથી હતો પણ કોણ જાણે કેમ બીરેનસિંહને હટાવાતા નહોતા અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી મણીપુરનો ‘મ’ ઉચ્ચારતા  નહોતા. ત્યાં જવાની વાત તો બહુ દૂરની છે. કોંગ્રેસ દ્વારા અવિશ્વાસની દરખાસ્ત લવાશે એ નક્કી થયું હતું અને એમાં ભાજપના અસંતુષ્ટો પણ જોડાય એવી ગંધ આવી એટલે બીરેનસિંહનું રાજીનામું લઇ લેવાયું. પણ એ પછીય વાત પૂરી થઇ નથી. નવા મુખ્યમંત્રી માટે કોઈ નામ નક્કી થઇ શકે એમ નહોતું  એટલે વિધાનસભાનું સત્ર પણ ટાળી દેવામાં આવ્યું છે. કારણ કે, પક્ષમાં ભંગાણ પડવાની ભીતિ હતી. રાષ્ટ્રપતિ શાસન લાદી  આજનું સંકટ કાલ પર ઠેલી દેવાયું છે.

આવા મુદા્ઓ મિડિયામાં ખાસ કરીને ટી.વી. ચેનલ પર ચર્ચાતા નથી એ કમનસીબી છે. ઇશાન ભારતમાં ભાજપનો દબદબો જરૂર વધ્યો છે પણ ત્યાં સત્તા ટકાવી રાખવી ભાજપ સામે એક પડકાર પણ બનવા લાગ્યો છે. તોડફોડથી સત્તા કેટલો સમય ટકાવી રખાય? આ સવાલનો જવાબ ભાજપે જલ્દીથી મેળવી લેવો પડશે નહિ તો મુશ્કેલીઓ વધવાની છે. ઇશાન ભારતનાં રાજ્યો સંવેદનશીલ ગણાય છે કારણ કે મ્યાનમારથી માંડી ચીન અને બાંગલા દેશની સરહદો આ રાજ્યો સાથે જોડાયેલી છે અને ઇશાન ભારતનાં કેટલાંક રાજ્યોમાં કેન્દ્ર સરકારની નીતિઓ સામે રોષ છે. આ રોષ ઝડપથી દૂર થાય એ જોવાની જવાબદારી કેન્દ્રની છે. હવે રાષ્ટ્રપતિ શાસનનો ક્યારે અંત આવશે, નવી ચૂંટણી થશે કે શું? આ પ્રશ્નોના જવાબ ઝડપથી મળી જવા જરૂરી છે.
કૌશિક મહેતા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top