અમીર અત્યારે પોતાને ખાલી અનુભવી રહ્યો છે. હંમેશ એક જ ફિલ્મ પર કામ કરવાની તેની રીત અત્યારે ભારે પડી રહી છે. વધારે સમય આપવાથી કોઇ ફિલ્મ મહાન નથી બની જતી તેનો અનુભવ તેને લાગલગાટ થઇ રહ્યો છે અને આવા સમયમાં ફિલ્મનિર્માણનુ઼ં ય સાહસ કરવા તે તૈયાર નથી. અત્યાર સુધી મર્યાદિત નિર્માતા અને દિગ્દર્શકો તેને ફિલ્મો આપે એવું ય નહીં. આમીર હોય તો કશુંક સ્પેશ્યલ હોવું જોઇએ અને અત્યારે સ્પેશ્યલ માટે કોઇ તૈયાર નથી. અમીર હોય તો બે-ત્રણ વર્ષ આપવાં પડે અને આજે એટલા વર્ષનું જોખમ લઇ શકાય તેમ નથી.
આમીર આમ તો સિક્વલ ફિલ્મો બહુ વિચારતો નથી. પણ અત્યારે ગજીની અને સરફરોશની સિક્વલ તેના મનમાં છે. ગજીનીનો દિગ્દર્શક મુરુગાદોષ જોકે કહે છે કે ફિલ્મમાં અસીનનું પાત્ર તો મૃત્યુ પામ્યું છે અને આમીરને ટૂંકી યાદશક્તિ ધરાવતું પાત્ર કરતો હતો એટલે સિક્વલ કઇ રીતે આગળ વધારવી તે ખબર નથી. આમીર પણ આ વિચારે તે જરૂરી છે. સરફરોશનો વિષય આજે પણ ચાલે એવો છે પણ જ્હોન મેથ્યુ તે વિચારે તો શક્ય છે. સની દેઓલ ઘણા વર્ષ પણ ગદરની સિક્વલ કરી શકે છે કારણ કે દિગ્દર્શક અનિલ શર્મા તેમની ફેમિલીનો હોય એટલો નજીક છે.
આમીરને બીજી સમસ્યા એ થઇ રહી છે કે તે આ બંને સિક્વલ માટે નિર્માતા શોધી રહ્યો છે. પણ કોઇ તૈયાર નથી. તેણે આદિત્ય ચોપરાને ફોન કરી જોયો તે તેણે ય ઉપાડ્યો નથી. આદિત્ય અત્યારે આમીરના જ દીકરા જૂનેદ ખાન સાથે મહારાજ બનાવી રહ્યો છે તો પણ તૈયાર નથી. આ સંજોગોમાં લાલસીંગ ચઢ્ઢાની નિષ્ફળતા તેને ભારે પડી રહી છે. ફિલ્મજગત એવું છે કે નિષ્ફળતામાં સપોર્ટ નથી કરતું. અમિતાભ જેવાને પણ તકલીફ ઊભી થયેલી તો આમીર વળી કોણ? અલબત્ત આમીર ઊભા થવાની તાકાત ધરાવે છે અને અત્યારે જુનિયર NTR સાથે એક ફિલ્મ કરી રહ્યો છે પણ તેને એવી ફિલ્મની તલાશ છે જે બનીને રજૂ થાય અને સફળ પણ નીવડે. આ જરા અઘરું છે પણ આમીરે રસ્તો કરવો પડશે. તેના મનમાં મહાભારત પણ છે પરંતુ તે એટલી મોટી ફિલ્મ છે કે તેના વિશે તરત કશું ન કહી શકાય. ગુલશન કુમારના જીવન પરથી મોગલ બનાવાતી હતી તે તો બહુ પાછળ ધકેલાઇ ગઇ છે. તો હવે શું. પર્ફેક્ટનિસ્ટ તરીકેની ઓળખ ચાલી ત્યાં સુધી ચાલી હવે ચાલતી નથી. આમીર ફરી કઈ ફિલ્મથી પ્રેક્ષક સામે આવશે? અત્યારે આ રહસ્ય છે અને સ્વયં આમીર તેનો જવાબ આપી શકે તેમ નથી.