Columns

દિશા સાલિયાનની હત્યાના આરોપમાં આદિત્ય ઠાકરેને જેલમાં જવું પડશે?

યુવાની, ધનદોલત અને સત્તા ભેગા થાય અને તેમાં અવિવેક ભળે ત્યારે મોટાં અનર્થો પેદા થતાં હોય છે. આજકાલના શ્રીમંત નબીરાઓ ધન અને સત્તાના નશામાં અનેક પાપો કરતા હોય છે, જે તેમની સત્તાના કારણે ઢંકાઈ જતા હોય છે, પણ પાપ ગમે ત્યારે છાપરે ચડીને પોકાર્યા વગર રહેતું નથી. આજથી લગભગ પાંચ વર્ષ પહેલાં અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની મેનેજર દિશા સાલિયાનનું શંકાસ્પદ સંયોગોમાં મરણ થયું હતું. તેના બરાબર છ દિવસ પછી સુશાંત સિંહ રાજપૂત મુંબઈના બાંદરા સ્થિત તેના ફ્લેટમાં લટકતો મળી આવ્યો હતો.

હવે સુશાંત સિંહ રાજપૂતે આત્મહત્યા કરી હોવાનું બહાર આવ્યું છે, પણ દિશા સાલિયાન ઉપર ગેન્ગરેપ કરીને તેની હત્યા કરવામાં આવી હોવાનું બહાર આવ્યું છે. આ કાવતરાંમાં મહારાષ્ટ્રના ભૂતપૂર્વ પ્રધાન અને શિવસેનાના નેતા આદિત્ય ઠાકરે પણ સામેલ હોવાનો ચોંકાવનારો આક્ષેપ દિશા સાલિયાનના વકીલ નીલેશ ઓઝા દ્વારા કરવામાં આવ્યો છે. હાલમાં આદિત્ય ઠાકરે અને તેમનો પક્ષ સત્તાથી બહાર હોવાથી મહારાષ્ટ્રની પોલીસ તેમની સામે ફરિયાદ દાખલ કરે એવી સંભાવના છે. નીલેશ ઓઝાએ જણાવ્યું હતું કે તેઓ મુંબઈ પોલીસના જોઈન્ટ પોલીસ કમિશનર લક્ષ્મી ગૌતમને મળ્યા હતા અને આદિત્ય ઠાકરે સામે FIR નોંધવાની માંગણી કરી હતી, જેને સ્વીકારવામાં આવી છે.

પત્રકારો સાથે વાત કરતાં વકીલ નીલેશ ઓઝાએ જણાવ્યું હતું કે બોમ્બે હાઈકોર્ટની માર્ગદર્શિકા મુજબ લેખિત ફરિયાદને FIR તરીકે ગણવી જોઈએ અને તેના આધારે તેમણે આદિત્ય ઠાકરે, અભિનેતા સૂરજ પંચોલી અને ડીનો મોરિયા અને આદિત્ય ઠાકરેના બોડીગાર્ડ સામે ગેંગરેપ અને હત્યાની FIR દાખલ કરી છે. આ કેસમાં આદિત્ય ઠાકરે મુખ્ય આરોપી છે. તદુપરાંત તત્કાલીન મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરે, મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહ અને સસ્પેન્ડ કરાયેલા પોલીસ અધિકારી સચિન વાઝે પર કેસ દબાવવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. ઉદ્ધવ ઠાકરેએ આ મામલાને દબાવવા માટે સત્તાનો દુરુપયોગ કર્યો હતો. એડવોકેટ નીલેશ ઓઝાએ દાવો કર્યો હતો કે આદિત્ય ઠાકરે અને ડીનો મોરિયાનો ડ્રગ્સના વેપાર સાથે સીધો સંબંધ છે. NCB ની તપાસમાં જાણવા મળ્યું છે કે આ લોકો ડ્રગ્સના વ્યવસાયમાં પણ સામેલ છે.

૮મી જૂનની રાત ખૂબ જ સુંદર હતી. દરિયા કિનારાની માયાનગરીમાં ભારે ગરમી હતી. મલાડમાં એક ઇમારતના ૧૪મા માળે ખૂબ જ ધમાલ હતી, કારણ કે ત્યાં પાર્ટી ચાલી રહી હતી. આ ધમાકેદાર પાર્ટી વચ્ચે રાત્રે એક વાગ્યે અચાનક શાંતિ છવાઈ જાય છે. દિશા સાલિયાને ૧૪મા માળેથી છલાંગ લગાવી છે કે તેને નીચે ફેંકી દેવામાં આવી છે. બધા નીચે દોડે છે. નજીક જતાં ખબર પડે છે કે દિશા સાલિયાન હવે આ દુનિયામાં નથી. દિશા સાલિયાન સ્વર્ગસ્થ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની ભૂતપૂર્વ મેનેજર હતી. તેનું મૃત્યુ હજુ પણ એક રહસ્ય છે.

કેટલાંક તેને આત્મહત્યા માને છે તો ઘણા તેને હત્યા માને છે. દિશા સાલિયાનના પિતા સતીશ સાલિયાને બુધવારે બોમ્બે હાઈકોર્ટનો સંપર્ક કર્યો અને જૂન ૨૦૨૦માં રહસ્યમય સંજોગોમાં થયેલી તેમની પુત્રીના મૃત્યુની નવેસરથી તપાસની માંગણી કરી છે. અરજીમાં હાઇકોર્ટને ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરે વિરુદ્ધ FIR નોંધવા અને કેસની તપાસ સીબીઆઈને સોંપવાનો નિર્દેશ આપવા વિનંતી કરવામાં આવી છે. ઉદ્ધવ ઠાકરેની શિવસેનાના પ્રવક્તાએ આશ્ચર્ય વ્યક્ત કર્યું કે ચાર વર્ષ પછી આ મુદ્દો અચાનક હેડલાઇન્સમાં કેમ આવ્યો. તેને આમાં કાવતરું હોવાની શંકા છે. આ મુદ્દો એવા સમયે સપાટી પર આવ્યો છે જ્યારે મહારાષ્ટ્ર વિધાનસભાનું બજેટ સત્ર હાલમાં ચાલી રહ્યું છે.

દિશા સાલિયાન તેના મંગેતર રોહન રાયના એપાર્ટમેન્ટના ૧૪મા માળેથી પડી ગઈ હોવાનું કહેવાય છે. પોલીસે શરૂઆતમાં તેને આત્મહત્યા ગણાવી હતી અને આકસ્મિક મૃત્યુ રિપોર્ટ (ADR) દાખલ કર્યો હતો. જો કે, આ ઘટના બાદ ઘણા પ્રશ્નો અને શંકાઓ ઉભા થયા હતા, જેના કારણે તે એક જટિલ અને રાજકીય રીતે સંવેદનશીલ મુદ્દો બન્યો હતો. હકીકતમાં દિશા સાલિયાનના પિતા દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં આદિત્ય ઠાકરેનું નામ લેવામાં આવ્યું છે. અરજીમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે દિશા સાલિયાન પર સામૂહિક બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો અને તેની હત્યા કરવામાં આવી હતી અને બાદમાં કેટલાંક પ્રભાવશાળી વ્યક્તિઓને બચાવવા માટે રાજકીય કાવતરું ઘડવામાં આવ્યું હતું. દિશાના પિતા સતીશ સાલિયાને મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મંત્રી અને યુબીટી શિવસેનાના ધારાસભ્ય આદિત્ય ઠાકરે, મુંબઈનાં ભૂતપૂર્વ મેયર કિશોરી પેડનેકર અને અન્ય લોકો પર ગંભીર આરોપો લગાવ્યા છે. 

સતીશ સાલિયાને હાઈ કોર્ટ પાસે માંગણી કરી છે કે, આદિત્ય ઠાકરે અને અન્ય લોકો સામે IPCની કલમ ૩૭૬ (D), ૩૦૨, ૨૦૧, ૨૧૮, ૪૦૯, ૧૬૬, ૧૦૭, ૧૦૯, ૧૨૦ (B) અને ૩૪ હેઠળ કેસ નોંધવામાં આવે. આ સાથે તેમણે કેસની તપાસ સીબીઆઈને સોંપવાની પણ માંગણી કરી છે. બોમ્બે હાઈકોર્ટે દિશા સાલિયાનના પિતા દ્વારા મૃત્યુ કેસમાં દાખલ કરાયેલી રિટ અરજીને સૂચિબદ્ધ કરી છે અને 2 એપ્રિલે આ મામલાની સુનાવણી કરશે. દિશા સાલિયાનના વકીલ નીલેશ ઓઝા દ્વારા પ્રેસ કોન્ફરન્સ બોલાવીને દાવો કરવામાં આવ્યો હતો કે ૮ જૂનની પાર્ટીમાં કેટલીક સગીર કન્યાઓને લાવવામાં આવી હતી અને તેમની પર પણ ગેન્ગરેપ કરવામાં આવ્યો હતો. આ સગીર કન્યાઓને મુંબઈની જાણીતી બિનસરકારી સંસ્થા દ્વારા લાવવામાં આવી હતી.

દિશા સાલિયાન મૃત્યુ કેસમાં શનિવારે ભાજપના સાંસદ નારાયણ રાણેએ મોટો દાવો કર્યો છે કે, ઉદ્ધવ ઠાકરેએ તેમને બે વાર ફોન કરીને વિનંતી કરી હતી કે તેઓ તેમના પુત્ર આદિત્ય ઠાકરેને દિશા સાલિયાન મૃત્યુ કેસમાં ન ઘસડે. એક પત્રકાર પરિષદ દરમિયાન નારાયણ રાણેએ માંગણી કરી હતી કે પોલીસ FIR નોંધે અને ભૂતપૂર્વ મંત્રી આદિત્ય ઠાકરેની ધરપકડ કરે. તેમણે દાવો કર્યો હતો કે જ્યારે ઉદ્ધવ ઠાકરે મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે કોવિડ રોગચાળા દરમિયાન મને બે વાર ફોન કર્યો હતો અને દિશા સાલિયાન કેસમાં તેમના પુત્રનું નામ ન લેવા વિનંતી કરી હતી.

સતીશ સાલિયનનું પ્રતિનિધિત્ત્વ કરતાં વકીલે NCBના તત્કાલીન ડિરેક્ટર સમીર વાનખેડેને રિટ પિટિશનની નકલ પણ આપી છે. સમીર વાનખેડેના વકીલ ફૈઝાન મર્ચન્ટે કહ્યું છે કે તેમના અસીલ હાઈકોર્ટમાં એક વિગતવાર સોગંદનામું દાખલ કરવા જઈ રહ્યા છે, જેમાં તેમના તમામ મુદ્દાઓના જવાબ આપવામાં આવશે. કાનૂની કાર્યવાહીના ભાગ રૂપે સમીર વાનખેડે કેસની સત્તાવાર તપાસ દરમિયાન એકત્રિત કરવામાં આવેલા પુરાવા રજૂ કરે તેવી અપેક્ષા છે.  ૧૪ જૂન ૨૦૨૦ના અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના અપમૃત્યુએ દિશા સાલિયાન કેસ ફરીથી ચર્ચામાં લાવ્યો, જેનાથી બંને કેસોને જોડતી અટકળોને વેગ મળ્યો હતો.

જાણકારો કહે છે કે દિશા પર કરવામાં આવેલા કથિત ગેન્ગરેપ અને તેની કથિત હત્યાથી સુશાંત સિંહ રાજપૂત અત્યંત વિચલિત થઈ ગયો હતો. તેને આ મામલામાં ચૂપ રહેવા માટે ધમકીભર્યા ફોન આવતા રહ્યા હતા, જેનાથી ત્રાસીને તેણે આત્મહત્યા કરી હતી અથવા તેની પણ હત્યા કરવામાં આવી હતી. લાંબા આરોપ અને પ્રતિઆક્ષેપ પછી માર્ચ ૨૦૨૧ માં મુંબઈ પોલીસે અંતિમ અહેવાલમાં દિશાના મૃત્યુને આત્મહત્યા જાહેર કરી હતી. પોલીસને કોઈ પુરાવા મળ્યા નહોતા, પરંતુ ગયા વર્ષે જૂન ૨૦૨૪ માં ભાજપના નેતા નીતેશ રાણેએ દાવો કર્યો હતો કે દિશાની હત્યા કરવામાં આવી હતી અને પુરાવાનો નાશ કરવામાં આવ્યો હતો.

તેમણે આદિત્ય ઠાકરે પર ગંભીર આરોપો લગાવ્યા હતા. પાંચ વર્ષ જૂના દિશા સાલિયાન કેસ અંગે ભાજપે ઉદ્ધવ ઠાકરે અને આદિત્ય ઠાકરે પર ગંભીર આરોપો લગાવ્યા છે, પરંતુ આ મુદ્દે મહાયુતિમાં ભાગલા પડ્યા છે. દિશા સાલિયાનના પિતાએ તેમની પુત્રીના મૃત્યુની તપાસની માંગણી કરી છે. ભાજપ વતી દેવેન્દ્ર ફડણવીસ સરકારમાં મંત્રી નીતેશ રાણે આ મુદ્દા પર ખૂબ આક્રમક છે. તેમનું કહેવું છે કે જો આદિત્ય ઠાકરે નિર્દોષ છે તો ડરવાનું શું છે? બીજી તરફ આદિત્ય ઠાકરે પછી હવે તેમના પિતા ઉદ્ધવ ઠાકરેનું પણ નિવેદન આવ્યું છે કે તેમના પરિવારનો આ મામલા સાથે કોઈ સંબંધ નથી. જે કોઈ દિશા સાલિયાનના મૃત્યુમાં તેમના પરિવારનો હાથ હોવાનો આરોપ લગાવે છે, તેમણે પુરાવા સાથે આગળ આવવું જોઈએ.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top