યુક્રેન યુદ્ધના અંત માટે અલાસ્કામાં રશિયન પ્રમુખ વ્લાદીમીર પુટિન સાથે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની શુક્રવારે મંત્રણા યોજાયા બાદ અને યુક્રેન યુદ્ધના અંત માટે ત્રિપક્ષી મંત્રણા યોજાય તે પહેલા સોમવારે અમેરિકી પ્રમુખના સત્તાવાર નિવાસસ્થાન વ્હાઇટ હાઉસ ખાતે યુક્રેનના પ્રમુખ વોલોદીમીર ઝેલેન્સ્કીની પ્રમુખ ટ્રમ્પ સાથે મંત્રણા યોજાઇ હતી. આ મંત્રણામાં ઝેલેન્સ્કીના દેખીતા ટેકામાં યુરોપના અનેક ટોચના નેતાઓ પણ જોડાયા હતા અને આ પ્રસંગ એક રીતે ઝેલેન્સ્કીના શક્તિ પ્રદર્શનનો પ્રસંગ પણ બની રહ્યો હતો. નાટોના મહામંત્રી માર્ક રુટ, યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયન, બ્રિટિશ વડા પ્રધાન કીર સ્ટારમર, ફ્રેન્ચ પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોન, જર્મન ચાન્સેલર ફ્રેડરિક મેર્ઝ, ઇટાલીના વડા પ્રધાન જ્યોર્જિયા મેલોની, ફિનિશ પ્રમુખ એલેક્ઝાન્ડર આ અનોખી મંત્રણામાં હાજર હતા. દેખીતી રીતે યુરોપિયન એકતાનું પણ પ્રદર્શન થઇ ગયું હતું.
આ વખતે ઝેલેન્સ્કીનો દબદબો પણ ભારે હતો. વ્હાઇટ હાઉસમાં ખૂબ મોટી મીડિયા હાજરી ઝેલેન્સકીની રાહ જોઈ રહી હતી. યુક્રેનિયન નેતાના નિર્ધારિત બપોરે 1 વાગ્યાના અમેરિકી ઇસ્ટ ટાઇમના આગમનના એક કલાક પહેલાં, ઘણા બધા અમેરિકી અને આંતરરાષ્ટ્રીય પત્રકારોએ વેસ્ટ વિંગ પ્રવેશદ્વાર તરફ જગ્યાઓ બનાવી દીધી હતી. છેવટે ઝેલેન્સ્કી આવી પહોંચતા ખુદ ટ્રમ્પે તેમનું સ્વાગત કર્યું હતું. ટ્રમ્પ સામે યુરોપિય એકતાનું પ્રદર્શન કરવા અને ઝેલેન્સ્કીની અગાઉની બેઠકનો થયો હતો તેવો ધબડકો નહીં થઇ જાય તે માટે પણ યુરોપિયન નેતાઓ વ્હાઇટ હાઉસ આવ્યા હોવાનું માનવામાં આવે છે.
બધાને યાદ હશે કે આ પહેલા ઝેલેન્સ્કીની પ્રમુખ ટ્રમ્પ સાથે વ્હાઇટ હાઉસમાં યોજાયેલી મંત્રણાનો કડવાશભર્યો અંત આવ્યો હતો. લશ્કરી મદદ માટે અમેરિકાનો આભાર નહીં માનવા બદલ ઝેલેન્સ્કીને અમેરિકી પ્રમુખ ટ્રમ્પ અને ઉપપ્રમુખ વાન્સે ધમકાવ્યા હતા. ટ્રમ્પ સાથેની આ પહેલાની વ્હાઇટ હાઉસમાં મુલાકાત વખતે ઝેલેન્સ્કી સૂટ-ટાઇ પહેર્યા વિના આવવા બદલ પણ તેમની ટીકાઓ થઇ હતી! જો કે આ વખતે પણ ઝેલેન્સ્કી સૂટ-ટાઇ પહેર્યા વિના આવ્યા હતા પરંતુ વસ્ત્રો થોડા ભપકાદાર હતા. ટ્રમ્પે આ વખતે તેમના વસ્ત્રોની ઇશારાથી પ્રશંસા કરી હતી.
વ્હાઇટ હાઉસની ઓવલ ઓફિસમાં વાતચીતની શરૂઆત ઝેલેન્સ્કીએ અમેરિકાના પ્રથમ સન્નારી મેલાનિયા ટ્રમ્પનો આભાર માનવાની સાથે કરી હતી. શુક્રવારે જ્યારે અલાસ્કામાં ટ્રમ્પ-પુટિનની મંત્રણા યોજાઇ હતી ત્યારે મેલાનિયાએ પોતાના પતિ પ્રમુખ ટ્રમ્પ સાથે પુટિનને માટે એક પત્ર મોકલ્યો હતો જેમાં યુક્રેનમાં નિર્દોષ બાળકોના મોત અટકાવવા યુદ્ધ બંધ કરવાની વિનંતી કરવામાં આવી હતી. ઝેલેન્સ્કીએ આ પત્ર પુટિનને લખવા બદલ મેલાનિયાનો આભાર માન્યો હતો અને પોતાના પત્ની અને યુક્રેનના પ્રથમ સન્નારી ઓલેના ઝેલેન્સ્કી તરફથી મેલાનિયા માટે મોકલાયેલો પત્ર ટ્રમ્પને આપ્યો હતો.
પ્રમુખ વોલોડીમીર ઝેલેન્સ્કી અને પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આશા વ્યક્ત કરી કે સોમવારની વ્હાઇટ હાઉસ ખાતેની યુક્રેનિયન અને યુરોપિયન નેતાઓ સાથેની મહત્વપૂર્ણ વાતચીત રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન સાથે ત્રિપક્ષીય વાટાઘાટો તરફ દોરી શકે છે જેથી યુક્રેન પર રશિયાના યુદ્ધનો અંત લાવી શકાય. સોમવારે ઉતાવળે યોજાયેલી આ બેઠક શુક્રવારે ટ્રમ્પે રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન સાથે મુલાકાત કર્યા પછી આવી હતી.
ટ્રમ્પે ઝેલેન્સ્કી, પુતિન અને ટ્રમ્પ વચ્ચે સંભવિત ત્રિપક્ષીય વાટાઘાટો યોજાય તેવી આશા વ્યક્ત કરી હતી. અમે રશિયા સાથે કામ કરીશું, અમે યુક્રેન સાથે કામ કરીશું એમ ટ્રમ્પે કહ્યું હતું. ટ્રમ્પનો ડોળો નોબેલ પીસ પ્રાઇઝ પર છે અને તેથી તેઓ બધાની સાથે કામ કરવા તૈયારી બતાવી રહ્યા છે! ઝેલેન્સકીએ કહ્યું કે ત્રિપક્ષીય વાટાઘાટો વિશે આ એક સારો સંકેત છે. મને લાગે છે કે આ ખૂબ જ સારું છે. આ મંત્રણા પછી પુટિન સાથે ત્રિપક્ષીય મંત્રણા યોજાય અને બધા પક્ષોને સ્વીકાર્ય હોય તેવા ઉકેલ સાથે યુક્રેન યુદ્ધનો અંત આવે એની દુનિયા આતુરતાથી રાહ જોઇ રહી છે. ટ્રમ્પ, ઝેલેન્સકી અને અન્ય યુરોપિયન નેતાઓ વચ્ચે વ્હાઇટ હાઉસમાં પૂર્ણ થયેલી વિસ્તૃત બેઠકમાં સુરક્ષા ગેરંટી અને શાંતિ વાટાઘાટો ગોઠવવાના ટ્રમ્પના પ્રયાસોની વિગતો હજુ પણ પુરેપુરી બહાર આવી ન હતી.
પરંતુ જેમ તેઓ તેમની વાટાઘાટોમાંથી બહાર આવ્યા, નેતાઓએ સાવચેતીપૂર્વક આશાવાદ વ્યક્ત કર્યો કે ટ્રમ્પ યુદ્ધને સમાપ્ત કરવાના તેમના પ્રચાર વચનને પૂર્ણ કરવાના તેમના પ્રયાસમાં ગતિ મેળવી શકે છે. બેઠકનું સૌથી મહત્વપૂર્ણ પરિણામ સુરક્ષા ગેરંટી પૂરી પાડવા માટે અમારી સાથે કામ કરવાની અમેરિકાની પ્રતિબદ્ધતા હતું એમ ફ્રેન્ચ પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોને પત્રકારોને જણાવ્યું હતું. ટ્રમ્પે કહ્યું કે તેઓ ઝેલેન્સકી અને પુતિન વચ્ચે મુલાકાતની વ્યવસ્થાની બાબતમાં આગળ વધશે. સોમવારે ઝેલેન્સ્કી અને બ્રિટન, ફિનલેન્ડ, ફ્રાન્સ, જર્મની અને ઇટાલીના નેતાઓ તેમજ યુરોપિયન કમિશનના પ્રમુખ અને નાટોના વડા સાથેની વાતચીત દરમિયાન તેમણે પુતિન સાથે ફોન પર વાત કરી હતી.
મેં પ્રમુખ પુતિનને ફોન કર્યો અને પ્રમુખ પુતિન અને પ્રમુખ ઝેલેન્સકી વચ્ચે નક્કી કરવા માટે એક બેઠકની વ્યવસ્થા શરૂ કરી,” ટ્રમ્પે સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું. “તે બેઠક થયા પછી, અમારી ત્રિપક્ષીય બેઠક હશે, જેમાં બંને પ્રમુખઓ અને હું બંને સામેલ હોઈશ. ફરીથી, લગભગ ચાર વર્ષથી ચાલી રહેલા યુદ્ધ માટે આ એક ખૂબ જ સારું, પ્રારંભિક પગલું હતું.” એમ ટ્રમ્પે કહ્યું હતું. દરમ્યાન એવી માહિતી મળે છે કે પુટિને ઝેલેન્સ્કી સાથેની બેઠક મોસ્કોમાં યોજવાની દરખાસ્ત ચાલુ બેઠકમાં ટ્રમ્પ સાથેના ફોન કોલ પર મૂકી હતી પરંતુ ઝેલેન્સ્કીએ મોસ્કોમાં આ બેઠક યોજવાનો ઇન્કાર કર્યો હતો. યુરોપિયન નેતાઓએ પણ મોસ્કોમાં બેઠક યોજવાનો ખયાલ યોગ્ય હશે નહીં એમ ટ્રમ્પને કહ્યું હોવાનું જાણવા મળે છે.
યુક્રેનમાં યુદ્ધનો વર્તમાન તબક્કો તેના ચોથા વર્ષમાં પણ અવિરતપણે ચાલુ છે, જેમાં નાગરિક માળખાગત સુવિધાઓ પર હુમલાઓ અને ગુનાઓ વધુને વધુ સામાન્ય બની રહ્યા છે. યુક્રેન માટે, 2022 થી તે કદાચ સૌથી વધુ સંવેદનશીલ રહ્યું છે. આ ઘટના વિકાસથી વિશ્વના નેતાઓમાં સંઘર્ષનો અંત લાવવા માટે હાકલ થઈ છે. સપાટી પર અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની યુક્રેનિયન અને રશિયન બંને નેતાઓ સાથેની બેઠકો સંતુલિત અભિગમ સૂચવે છે. જો કે, વાસ્તવમાં, ટ્રમ્પના પગલાં મુખ્યત્વે રશિયાને ફાયદો પહોંચાડે છે. ટ્રમ્પ યુક્રેનને કેટલોક પ્રદેશ છોડી દેવાની સલાહ આપી રહ્યા છે અને અત્યાર સુધી તો યુક્રેનિયન પ્રમુખ આ માટે તૈયાર થયા નથી. હવે શું થાય છે તે જોવાનું રહે છે.