Entertainment

પરદેશી જૅનિફર દેશી ફિલ્મોમાં ચાલશે?

પરદેશી હોવું હવે મર્યાદા નથી, વિશેષતા છે. હિન્દી ફિલ્મોમાં તેને સ્પેશીયલ રીતે ટ્રીટ કરવામાં આવે છે. મૂળ બ્રાઝિલની અને યુકેમાં ઉછરેલી જેનિફર પિક્કિનાતો. તે ઇન્ડિયા આવી હતી. એડવર્ટાઇઝિંગ શૂટસ માટે પણ ઓવર નાઇટ સ્ટાર થઇ ગઇ ને પાછી જ ન વળી શકી. તે કેટલીક બ્રાન્ડ એડવર્ટાઇઝમેન્ટસ, ફેશન કેમ્પેનનો હિસ્સો બની અને પછી મ્યુઝિક વિડીયોવાળા તેનાથી આકર્ષાયા. પછી ત્યાં નહીં અટકયું ને તેને તેલુગુ અને હિન્દી ભાષાની વેબ સિરીઝ મળી. ઝી ફાઇવ પર ‘એકસ્પાયરી ડેટ’માં તેણે મોનિકાનું પાત્ર ભજવ્યું ને ઘણાની ડાર્લિંગ થઇ ગઇ. હવે તે આગળ વધીને બે ફિલ્મોમાં આવી રહી છે. એક છે ‘રામ સેતુ’ અને બીજી છે કાર્તિક આર્યન સાથેની ‘ફ્રેડી’. હિન્દી ફિલ્મોમાં તે કેટલી સકસેસ જશે તે ખબર નથી પણ શ્રીલંકાની જેકલીન જઇ શકે યા કેટરીના કૈફ જઇ શકે તો જેનિફર પણ જઇ શકે એવું ધારી શકાય. તેને રાઇઝીંગ ઇન્ડિયન એકટ્રેસીસમાં એક ગણવામાં આવે છે. કારણ કે તે સારી એકટ્રેસ પણ છે. ‘દિલ તો બ્લેક’ અને ‘ઓ માહિયા’ જેવા મ્યુઝિક વિડીયોમાં તે ઇમ્પેકટ દેખાડી ચુકી છે. ટી. સિરીઝના આ બંને વિડીયો ઘણા ફેમસ પણ થયા છે. તમે તેને સનસીલ્ડ વેડિંગ એડ, રેલેકસો એડમાં પણ જોઇ હશે.

જેનિફર વિચારશીલ મિજાજની છે. જીવન વિશે તે લખે છે. પ્રવાસ તેને ખૂબ ગમે છે અને નવા નવા લોકોને મળતી રહે છે. એટલે કે તેનો મિજાજ કોઇ એક દેશનો નથી. સ્કૂલમાં હતી ત્યારે ઘણા નાટકોમાં તે અભિનય કરી ચુકી છે. આ બધા કારણે જ કેમેરા સામે તે સહજ બની શકે છે તેને કલાસિકલ સંગીત પણ બહુ ગમે છે અને એટલે સરવા કાને તે ભાષાને પણ શીખી શકે છે. 2018માં તે ‘બજાર’ ફિલ્મમાં આવી અને હવે તે મહત્વની ભૂમિકા મેળવવા માંડી છે. આવતા મહિનાને 19મી તારીખે 25 વર્ષની થનારી જેનિફર હિન્દી ફિલ્મોમાં ગ્લેમર ઉમેરી શકે છે. પાંચ ફૂટ સાત ઇંચની જેનિફર સ્ક્રિન પર ઊભી હોય તો આંખોને દોરવી શકે છે. તેની આંખના અને માથાના વાળ કાળા છે એટલે પણ તે ભારતીય પ્રેક્ષકોને પોતાની લાગી શકે છે. બ્યુટીફુલ તો છે પણ મોડલીંગમાંથી આવી હોવાના કારણે પોતાના લુક બાબતે ખૂબ સભાન છે. ઇન્સ્ટાગ્રામ પર તેના 77.6 કે ફોલોઅર્સ છે.

જેનિફર ન્યુયોર્કમાં એકટિંગ શીખીને આવી છે. ‘બઝાર’માં તેણે સૈફ અલી ખાન સાથે કામ કરેલું એ તો ખરું પણ તેણે મુંબઇના ‘ઓડ કપલ’, ‘થ્રી સિસ્ટર્સ’ જેવા નાટકોમાં પણ કામ કર્યું છે. ‘રામ સેતુ’ કે જેમાં અક્ષયકુમાર છે તેમાં તે ગેબ્રિયેલેનું પાત્ર ભજવી રહી છે તો ‘ફ્રેડી’માં આવા ઉનવાલા નામની પારસી યુવતી બની છે. તેના પાત્ર નામનું ભારતીયકરણ થવા માંડયું છે. ‘ફ્રેડી’માં પ્રેમ અને ઓબ્સેશન વચ્ચેના પુરુષની વાત છે જે આગળ જતા ફિલ્મને રોમેન્ટિક થ્રીલરમાં ફેરવે છે. શશાંક ઘોષ કે જે અગાઉ ‘વીર દી વેડિંગ’, ‘હાઉસ અટેસ્ટ’નું દિગ્દર્શન કરી ચુકયો છે તેની આ ફિલ્મ છે.

‘રામ સેતુ’માં તે જેકલીન ફર્નાન્ડિસ,નુસરત ભરુચા વચ્ચે દેખાશે. પણ તેને આ વાતની ચિંતા નથી તે માને છે કે લોકો આપણને જએ છે ને આપણા કામને જુએ છે. લોકો ફ્રેશ ટેલેન્ટ પર વધારે નજર રાખતા હોય છે ને તે સારું કામ કરે તે વખાણે છે, અપનાવે છે. જેનિફરે અત્યારે એટલું જ નક્કી કર્યું છે કે ઇન્ડિયા જ તેનું ઘર છે. મુંબઇમાં તે સહજ બની ગઇ છે. તેલુગુની ‘નીના’ નામની વેબ સિરીઝમાં તેણે રોમેન્ટિક ભૂમિકા ભજવી હતી અને તેનું પાત્ર જ તેમાં મુખ્ય હતું. પણ તે સાઉથથી વધુ હિન્દી ફિલ્મોમાં કામ કરવા ઉત્સુક છે. બે ફિલ્મો રજૂ થાય પછી તે જો કે તેના આગળના પ્લાન કરશે. અત્યારે તો કામ જ પ્લાન. •

Most Popular

To Top