Columns

કેનેડામાં રહેતા ભારતીય મૂળનાં ૨૮ લાખ નાગરિકોની હકાલપટ્ટી કરવામાં આવશે?

ખાલિસ્તાની આતંકવાદી હરદીપસિંહ નિજ્જરની હત્યાને લઈને કેનેડા અને ભારત વચ્ચે ગંભીર વિવાદ ચાલી રહ્યો છે. કેનેડાએ નિજ્જર હત્યાની તપાસમાં ભારતીય રાજદૂત અને અન્ય રાજદ્વારીઓનો ઉલ્લેખ હિત ધરાવનાર વ્યક્તિઓ તરીકે કર્યો ત્યારથી આ નવો વિવાદ શરૂ થયો છે. કેનેડાના કહેવા મુજબ ભારતના સરકારી અમલદારો ઉપરાંત રાજકીય નેતાઓ પણ આ હત્યાના કાવતરાંમાં સામેલ છે. ભારતે આ વાહિયાત આરોપોને સદંતર ફગાવી દીધા હતા. આ સાથે જ ભારતે કેનેડાથી પોતાના હાઈ કમિશનરને પરત બોલાવવાનો નિર્ણય કર્યો છે.

આ સિવાય ભારતે કેનેડાના છ રાજદ્વારીઓને હાંકી કાઢવાનો પણ નિર્ણય લીધો હતો. આ વિવાદ વચ્ચે ઘણા નેતાઓએ કેનેડામાં રહેતાં ભારતીયો ખાસ કરીને વિદ્યાર્થીઓની સુરક્ષાનો મુદ્દો ઉઠાવ્યો છે. કેનેડા સૌથી વધુ ભારતીય ડાયસ્પોરા ધરાવે છે. કોંગ્રેસના સાંસદ ચરણજીતસિંહ ચન્નીએ કહ્યું છે કે ભારત અને કેનેડાના સંબંધો ખૂબ સારા છે. પંજાબનાં લોકો મોટી સંખ્યામાં કેનેડામાં રહે છે, માટે ભારત સરકારે દ્વિપક્ષીય સંબંધો સુધારવા માટે પગલાં લેવાં જોઈએ. કેનેડામાં અંદાજે ૧૮ લાખ ભારતીયો અને ૧૦ લાખ એનઆરઆઈ છે. કેનેડામાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યામાં પણ તાજેતરનાં વર્ષોમાં ધરખમ વધારો થયો છે. જે ભારતીયોને અમેરિકાના વીસા મળતા નથી તેઓ કેનેડા પહોંચી જાય છે. કેનેડામાં જોબ વીસા ન મળે તો તેઓ વિદ્યાર્થી બનીને જાય છે.

આ સમગ્ર વિવાદનું મૂળ ખાલિસ્તાની આતંકવાદી હરદીપસિંહ નિજ્જરની હત્યા છે. નિજ્જરની કેનેડામાં ૧૮ જૂન ૨૦૨૩ના રોજ ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. નિજ્જર ખાલિસ્તાન ટાઈગર ફોર્સનો ચીફ હતો અને તેને ભારતમાં આતંકી જાહેર કરવામાં આવ્યો હતો. ૧૮ સપ્ટેમ્બર, ૨૦૨૩ના રોજ કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ નિજ્જરની હત્યા માટે ભારત પર આરોપ લગાવ્યો હતો. ટ્રુડોએ કહ્યું કે કેનેડિયન સુરક્ષા એજન્સીઓ એ માનવા માટે કારણ ધરાવે છે કે ભારત સરકારના એજન્ટોએ નિજ્જરની હત્યા કરી છે. જસ્ટિન ટ્રુડોએ કહ્યું હતું કે કેનેડાની ધરતી પર કેનેડિયન નાગરિકની હત્યામાં કોઈ પણ સંડોવણી અસ્વીકાર્ય છે.

ભારતના વિદેશ મંત્રાલયે ૧૯ સપ્ટેમ્બર, ૨૦૨૩ના રોજ પ્રથમ વખત કેનેડાના આરોપોનો જવાબ આપ્યો હતો. વિદેશ મંત્રાલયે જસ્ટિન ટ્રુડોના દાવાઓને વાહિયાત અને પક્ષપાતી ગણાવીને સદંતર નકારી કાઢ્યા હતા. આ સાથે જ જવાબી કાર્યવાહીમાં ભારતે કેનેડાના કેટલાક રાજદ્વારીઓને પણ હાંકી કાઢ્યા હતા. આ વિવાદ વચ્ચે ૨૧ સપ્ટેમ્બર, ૨૦૨૩ ના રોજ ભારતે તાત્કાલિક અસરથી કેનેડામાં ભારતીય વિઝા સેવાઓ સ્થગિત કરી દીધી હતી. ઓક્ટોબર ૨૦૨૩માં ભારતે વિઝા પ્રક્રિયા પુનઃ શરૂ કર્યા બાદ બંને દેશો વચ્ચેના ઠંડા સંબંધોમાં થોડો પલટો આવ્યો હતો, પરંતુ કેનેડાના નવા આક્રમણે ફરીથી બંને દેશોને સામસામે લાવી દીધા છે.

કેનેડામાં સ્થળાંતર કરનારા ભારતીયોની સંખ્યા ૨૦૧૩ થી ચાર ગણી વધી ગઈ છે. એપ્રિલ ૨૦૨૪ માં નેશનલ ફાઉન્ડેશન ફોર અમેરિકન પોલિસી (NFAP) ના અહેવાલમાં સૂચવવામાં આવ્યું હતું કે ઘણાં ભારતીય વિદ્યાર્થીઓએ અમેરિકન યુનિવર્સિટીઓને બદલે કેનેડિયન યુનિવર્સિટીઓમાં ભણવાનું નક્કી કર્યું છે, કારણ કે કેનેડાની ઇમિગ્રેશન નીતિઓ પ્રતિભાને આકર્ષવા અને જાળવી રાખવા માટે વધુ સારી છે. NFAPના રિપોર્ટ અનુસાર, ૨૦૧૩માં કેનેડામાં સ્થળાંતર કરનારા ભારતીયોની સંખ્યા માત્ર ૩૨,૮૨૮ હતી. ૨૦૨૩માં આ સંખ્યા ૩૨૬ ટકા વધીને ૧,૩૯,૭૧૫ થઈ હતી. છેલ્લા બે દાયકામાં કેનેડાની યુનિવર્સિટીઓમાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યામાં ૫,૮૦૦% થી વધુનો વધારો થયો છે. ૨૦૦૦માં આ સંખ્યા ૨,૧૮૧ હતી, જે ૨૦૨૧માં વધીને ૧,૨૮,૯૨૮ થઈ ગઈ હતી. જો ભારતના કેનેડા સાથેના સંબંધોમાં વધુ કડવાશ આવે તો કેનેડામાંથી ભારતીયોની હકાલપટ્ટી પણ થઈ શકે છે.

કેનેડા અને ભારત વચ્ચે વધી રહેલી કટોકટીનો અંત ક્યાં આવશે તેની આગાહી કરવી બહુ સરળ નથી. આવતા વર્ષે ઑક્ટોબરમાં કૅનેડામાં ચૂંટણી છે અને જો જસ્ટિન ટ્રુડો ફરી જીતશે તો ભારત પ્રત્યે તેમનું વલણ બદલાય તેવી શક્યતા નથી. મંગળવારે કેનેડાનાં વિદેશ પ્રધાન મેલાની જોલીએ કહ્યું હતું કે કેનેડા પાસે ભારત સામે પ્રતિબંધોનો વિકલ્પ પણ છે અને આ તમામ વિકલ્પો ખુલ્લા છે. કેનેડાના મહત્ત્વના શીખ નેતાઓ પણ ભારત વિરુદ્ધ પ્રતિબંધોની માંગણી કરી રહ્યા છે.

તેમાં મુખ્યત્વે ન્યૂ ડેમોક્રેટિક પાર્ટીના નેતા જગમીતસિંહ છે, જેમના ભરોસે જસ્ટિન ટ્રુડોની સરકાર લગભગ ચાર વર્ષથી ચાલી રહી હતી. જગમીતસિંહે સપ્ટેમ્બરમાં ટ્રુડો પાસેથી સમર્થન પાછું ખેંચી લીધું હતું. જો કે ભારત સાથે તણાવ વધ્યા બાદ તે ફરી એક વાર જસ્ટિન ટ્રુડો સાથે જોવા મળી રહ્યો છે. કેનેડાનાં શીખો ખાલિસ્તાન માગી રહ્યાં હોવાથી તેઓ ભારતની વિરુદ્ધમાં છે. ભારતમાં ચાલતા ખાલિસ્તાની આંદોલનને સૌથી વધુ આર્થિક ભંડોળ પણ કેનેડામાંથી જ મળી રહ્યું છે.

કેનેડામાં શીખોની સંખ્યા ૨૦૨૧માં ૨.૧ ટકા હતી. ૨૦૦૧ થી ૨૦૨૧ સુધીમાં તેમની વસ્તીમાં ૦.૯ ટકાનો વધારો થયો છે. ટોરોન્ટો અને વાનકુવરમાં અડધાથી વધુ શીખ વસ્તી રહે છે. આ વિસ્તારોમાં શીખ વોટ બેંક મહત્ત્વની છે. ભારતનું કહેવું છે કે ટ્રુડો તેમના રાજકીય એજન્ડાના ભાગરૂપે કેનેડામાં ખાલિસ્તાન સમર્થકોને પ્રોત્સાહન આપી રહ્યા છે. બંને દેશોના સંબંધો પર ઝીણવટભરી નજર રાખનારાં ઘણાં લોકો કહી રહ્યાં છે કે કેનેડા સાથેના ભારતના સંબંધો પાકિસ્તાન કરતાં પણ ખરાબ થઈ ગયા છે. અમેરિકન થિંક ટેન્ક ધ વિલ્સન સેન્ટરના સાઉથ એશિયા ઈન્સ્ટિટ્યૂટના ડાયરેક્ટર માઈકલ કુગેલમેનનું માનવું છે કે કેનેડા સાથે ભારતના સંબંધો જે સ્તરે પહોંચ્યા છે તે પાકિસ્તાન સાથેના ભારતના સંબંધો કરતાં પણ ખરાબ છે. જો કેનેડા ભારત પર પ્રતિબંધ લાદશે તો બંને દેશો વચ્ચેના ગાઢ થતા આર્થિક સંબંધોને ફટકો પડી શકે છે.

કેનેડાના પેન્શન ફંડનું ભારતમાં અબજો ડોલરનું રોકાણ છે. કેનેડિયન પેન્શન પ્લાન ઈન્વેસ્ટમેન્ટ બોર્ડ અને અન્ય કેનેડિયન પેન્શન ફંડોએ અત્યાર સુધીમાં ભારતમાં ૭૫ અબજ ડોલરનું રોકાણ કર્યું છે. ભારત એક ઊભરતી અર્થવ્યવસ્થા છે અને એવું માનવામાં આવે છે કે કેનેડિયન પેન્શન ફંડ ભારતમાં રોકાણ કરવાનું બંધ નહીં કરે. ૬૦૦ થી વધુ કેનેડિયન કંપનીઓ ભારતમાં હાજરી ધરાવે છે અને ૧,૦૦૦ થી વધુ કંપનીઓ સક્રિયપણે ભારત સાથે વેપાર કરી રહી છે. બીજી તરફ ભારતીય કંપનીઓ પણ કેનેડામાં IT, સોફ્ટવેર, સ્ટીલ, નેચરલ રિસોર્સિસ અને બેન્કિંગ સેક્ટરમાં સક્રિય રીતે કામ કરી રહી છે.

ભારત જેમ્સ, જ્વેલરી, કિંમતી પથ્થરો, દવાઓ, તૈયાર વસ્ત્રો, ઓર્ગેનિક રસાયણો અને હળવા એન્જિનિયરિંગ માલની કેનેડામાં નિકાસ કરે છે. બીજી તરફ, ભારત કેનેડામાંથી કઠોળ, ન્યૂઝપ્રિન્ટ, લાકડાનો પલ્પ, એસ્બેસ્ટોસ, પોટાશ, લોઢાનો ભંગાર, તાંબુ, ખનિજો અને રસાયણોની આયાત કરે છે. ભારત સરકારના વાણિજ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર ગયા નાણાંકીય વર્ષમાં ૩૧ માર્ચ સુધીમાં કેનેડા અને ભારત વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર ૮.૪ અબજ ડોલર જેટલો હતો, જે પાછલાં નાણાંકીય વર્ષ કરતાં થોડો વધારે હતો.

ભારતનો આરોપ છે કે કેનેડાએ અભિવ્યક્તિની સ્વતંત્રતા અને કાનૂની પ્રક્રિયાને ટાંકીને ખાલિસ્તાની સમર્થકો સામે પગલાં લેવાનું ટાળ્યું છે. ભારતનો દાવો છે કે તેણે કેનેડાને આ આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા અપરાધોના પૂરતા પુરાવા આપ્યા છે, પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. ભારતમાં ૨૦૦૩માં છેતરપિંડીનો આરોપી ગુરચરણસિંહ, ૨૦૧૬થી વોન્ટેડ ઓમકારમલ અગ્રવાલ અને ૨૦૨૨માં સામુહિક બળાત્કારના આરોપી જસવિંદર પાલ સિંહ વાલિયા જેવા કેસોમાં કેનેડાની સરકાર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.
–  આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top