જેમ નારિયેળ ઉપરથી સખત અને અંદરથી નરમ હોય છે તેમ જ બહારથી સખત દેખાતી આપણી સુરત પોલીસનું એક રુજું પાસું પણ હોય એવી કલ્પના કરી શકો છો? આમ તો પોલીસની ધાક જ એવી હોય છે કે લોકો તેમને માત્ર એક જ રીતે ઓળખે છે કે આ પોલીસ છે એટલે કડક જ હશે. એને કારણે આ પોલીસના જીવનનું અલગ પાસું જે એમની ઇમેજ કરતા સાવ વિપરીત હોય તે લોકો સામે આવતું જ નથી. કાનૂન વ્યવસ્થા અને શાંતિ બનાવી રાખવા માટે સતત દોડતી પોલીસને જોઈને ક્યારેક આપણા મનમાં પ્રશ્ન ઉદ્દભવતો હોય છે કે આ પોલીસ ક્યારેક આરામ પણ કરતી હશે ખરી કે માનસિક રીતે હળવી પણ થતી હશે ખરી! તેઓ પણ સતત વ્યસ્તતાને કારણે માનસિક તાણ અનુભવતા હોય ત્યારે તેઓ રિલેક્સ કઈ રીતે થતા હશે? તેઓના કોઈ શોખ કે કોઈ હોબી પણ હશે કે બસ તેઓ પોલીસ તરીકેના તેમના કર્તવ્યને નિભાવવામાં જ રચ્યાપચ્યા રહેતા હશે. તેઓને પણ માનસિક તાણમાંથી હળવાફૂલ થવું હોય તો તેઓ શું કરે છે? તે જાણવાની સુરતના લોકોની ઈચ્છા તો હશે જ તો ચાલો અમે તમને આ લેખના માધ્યમથી સુરત શહેરના પોલીસ ખાતાના કેટલાંક ‘ટોપ કોપ્સ’એ (ટોચના અધિકારીઓએ) સ્ટ્રેસ બસ્ટર તરીકે કેવી કેવી હૉબીઓ કે પ્રવૃત્તિઓ અપનાવી છે તેના વિશે જણાવીએ…
સવારે 5 વાગે નાઈટ ડ્યુટી પુરી કરીને સીધો એક-દોઢ કલાક લૉન ટેનિસ રમવા જાઉં: પ્રકાશ પટેલ (ACP, B ડિવીઝન)

આસિસ્ટન્ટ પોલીસ કમિશનર પ્રકાશ પટેલનો લૉન ટેનિસ માટેનો પ્રેમ ખરેખર જાણવા જેવો છે. સવારે 5 વાગે નાઈટ ડ્યુટી પુરી કરીને તેઓ સીધા લૉન ટેનિસ રમવા જાય. એક દોઢ કલાક રમ્યા બાદ ઘરે જઈને આરામ કરે. રવિવારની રજામાં લોકો આરામ ફરમાવાનું પસંદ કરે ત્યારે તેઓ ટેનિસ રમવા માટે વધારે સમય ફાળવે. તેમણે જણાવ્યું કેહું કોલેજમાં હતો ત્યારે મારા કલાસમેટ યુનિવર્સિટી લેવલ પર ટેનિસ રમતા એ વખતે જ મેં આ ગેમ શીખી એમાં અચિવમેન્ટ મેળવવાનો નીર્ધાર કર્યો. હું સમય મળે ત્યારે અઠવાડિયમાં 5 વખત સવારના સમયે એક કલાકની પ્રેક્ટિસ માટે સમય કાઢી લઉં છું. ખેલમહાકુંભમાં બે વર્ષથી આખા સુરતમાં ચેમ્પિયન છું. ગયા વર્ષે ઓલ ઇન્ડિયા પોલિસ લૉન ટેનિસ ચેમ્પિયનશિપ ટૂર્નામેન્ટ બેંગ્લોરમાં આયોજિત થઈ હતી જેમાં આખા ઇન્ડિયા લેવલના ACP અને તેનાથી ઉપરના રેન્કના ઓફિસરની ટૂર્નામેન્ટમાં હોય તેમાં ગુજરાત પોલીસના મારા સહિતના 5 પ્લેયરની ટિમ અમે રનર અપ રહ્યાં હતાં. હું 2019-20માં જ્યારે સુરેન્દ્રનગરમાં હતો ત્યારે ત્યાં ટેનિસ કોર્ટ નહીં હતું તો એ સમયના SP અને મેં બંનેએ ભેગા થઈ પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં US Open લેવલનું સિન્થેટિક ટેનિસ કોર્ટ અને બેડમિન્ટન કોર્ટ બનાવ્યું હતું.
હાઈ જમ્પ, લોન્ગ જમ્પની પ્રેક્ટિસ માટે જવા રોજ 60 કી. મી. સાયકલ ચલાવી:
પન્ના મોમાયા (DCP-ટ્રાફિક)

સુરત સિટીમાં વાહન ટ્રાફિક ઘણું શિસ્તબધ્ધ બન્યું છે. ટ્રાફિક વ્યવસ્થાને સ્મૂથ બનાવવાની જાબદારી ડેપ્યુટી પોલીસ કમિશનર ઓફ પોલીસ (ટ્રાફિક વિભાગ) પન્ના મોમાયા બખૂબી નિભાવી રહ્યા છે. તેઓ પોલીસ હોવાની સાથે તેમનું બીજું એક પાસું એટલે તેઓ બેસ્ટ એથલીટ છે. 5માં ધોરણમાં સ્કાઉટ્સ એન્ડ ગાઈડમાં હતાં એ વખતે રાષ્ટ્રપતિ અને ગવર્નર એવોર્ડ મેળવ્યા છે. તેઓ હાલમાં 23મી એશિયન માસ્ટર્સ એથ્લેટીક્સ ચેમ્પિયનશિપમાં ગુજરાતની ટીમમાંથી ભાગ લેવા ચેન્નાઇ ગયા છે. પન્ના મોમાયાએ જણાવ્યું કે, ગુજરાત યુનિવર્સીટીમાં હાઈ જમ્પમાં મારો રેકોર્ડ છે જે આજ સુધી કોઈએ તોડ્યો નથી. એમાં લાગલગાટ 5 વર્ષ સુધી બેસ્ટ ઍથલીટ રહી તે ટ્રોફી પણ મારી પાસે છે. હું હાઈ જમ્પ, લોન્ગ જમ્પ, જેવલિન થ્રોની પ્રેક્ટિસ સવાર સાંજ કરવા કુલ 60 કી. મી. સાયકલ ચલાવીને જતી. મને જોબ પણ આવી જ ફિલ્ડની જોઈતી હતી એટલે મેં GPSCની પરીક્ષા ક્રેક કરી હતી. મને ત્રણ વખત ઇન્જરી થઈ છે પણ આ સ્પોર્ટ્સ પ્રત્યેનો મારો પ્રેમ ઓછો નથી થયો. હવે હું સ્ટેટ અને નેશનલ લેવલની સ્પોર્ટ્સ રમું છું. દર વર્ષે હાઈ અને લોન્ગ જમ્પમાં મારો ગોલ્ડ મેડલ હોય જ. હું મારા પેશન માટે ટાઈમ મેનેજમેન્ટ કરી લઉં છું અને સ્ટ્રેસ ફ્રી રહું છું.
45 વર્ષની ઉંમરે બેડમિન્ટન રમવાનું સ્ટાર્ટ કર્યું, 2023માં ત્રણ બ્રોન્ઝ મેડલ મેળવ્યા: મીની જોસેફ (ACP, મહિલા સેલ)

45 વર્ષની ઉંમરે બેડમિન્ટન રમવાનું સ્ટાર્ટ કરીને મેડલ મેળવવા કોઈ નાનીસૂની સિદ્ધિ નથી. આ કરી બતાવ્યું છે આપણા ACP મીની જોસેફે. તેઓ બેડમિન્ટન રમવા કઇ રીતે પ્રેરિત થયા તેની જર્ની વિશે જણાવતા મીની જોસેફે જણાવ્યું કે, વજન વધી રહ્યું હતું અને મને સ્ત્રી તરીકે એવો અહેસાસ થયો હતો કે હવે થોડું આપણી પર્સનલ કેયર અને ફિટનેસ રાખવાની જરૂર છે, હેવી ગેમ રમવા કરતા બાળપણમાં ક્યાંક આપણી શેરી-ગલીમાં ફૂલ રેકેટ રમ્યા હતા એટલે તેની પર પસંદગી ઉતારી બેડમિન્ટન રમવાનું શરૂ કર્યું. શરૂઆતમાં ઘૂંટણમાં પેઇન થતું હતું અને મુવમેન્ટના ઇશ્યુ રહ્યા. હેકટીક શિડયુલને કારણે રોજ પ્રેક્ટિસ નથી થતી પણ મહિનામાં ચાર-પાંચ દિવસ વહેલી સવારના પ્રેક્ટિસ કરીએ. વિમેન્સમાં 45 વર્ષની એજમાં બેડમિન્ટન રમનારની સંખ્યા ઓછી હોવાથી કોમ્પિટિશનનો ડર નહીં હોય એટલો કોન્ફિડન્સ રહે કે જીતી શકાશે. હું આ નવેમ્બર મહિનામાં DG કપ રમવા વડોદરા જવાની છું.2023માં ચંદીગઢમાં ઓલ ઇન્ડિયા પોલીસ મીટમાં ત્રણ બ્રોન્ઝ મેડલ સિંગલ્સ, ડબલ્સ અને મિક્સ ડબલ્સમાં મેળવ્યા હતાં. કોચીમાં મિક્સ ડબલ્સમાં સિલ્વર મેડલ મેળવ્યું. છેલ્લાં બે વર્ષથી DG કપમાં સુરતની વિમેન ટિમ રનર અપ રહે છે. જ્યારે બેડમિન્ટનની પ્રેક્ટિસમાં રિલેક્સ થવાય છે. હું ક્રિકેટ પણ રમું છું અને તેની કોમ્પિટિશન માટે 15-20 દિવસ પહેલા પ્રેક્ટિસ શરૂ કરું છું.
હંગેરી, પોલેન્ડ, નેધરલેન્ડમાં કથકના 30થી વધુ શૉ કર્યા છે: બીજુર ભટ્ટ (PI)

અેક મહિલા પોલીસ અધિકારી કથક ડાન્સ પણ હોય શકે એવું માનવામાં આવે? સિટીના મહિલા પોલીસ ઇન્સ્પેકટર બીજુર ભટ્ટ ઘણા સ્ટ્રોંગ નેચરના હોવા સાથે એક અચ્છા કથક ડાન્સર પણ છે. તેમણે પોલીસની નોકરી સ્વીકારી તે પહેલા હંગેરી, પોલેન્ડ નેધરલેન્ડમાં 30થી વધુ કથકના શો કર્યા છે. બિજુર મેડમે જણાવ્યું કે હું ચોથા ધોરણમાં હતી ત્યારથી પિતાની ઇચ્છાને માન આપી કથક શીખવાની શરૂઆત કરી હતી. મેં વિશારદ કહેવાય અને શિક્ષા વિશારદ પણ કર્યું છે. મારા પાર્ટનર સાથે મેં કથકના કલાસ પણ શરૂ કર્યા હતા. કથક મારી હોબી હતી અને સોર્સ ઓફ ઇન્કમ માટે જોબ જરૂરી હોય છે. B.Com. કર્યા પછી B.Ed.માં મેં યુનિવર્સિટીમાં ત્રીજો નમ્બર મેળવ્યો હતો. મને GPSC ક્રેક કરવી હતી એ રીતે હું પોલીસ ખાતા સાથે સંકળાઇ. હજી પણ હું મારા વ્યસ્ત શિડ્યુલમાંથી કથક માટે સમય ચોરી લઈ અઠવાડિયામાં બે થી ત્રણ દિવસ કથક કરી લઉં છું. મેં બાર વર્ષ તો કથક માટે દિવસના ત્રણ-ત્રણ ચાર-ચાર કલાક આપ્યા હતાં. કથક માઇન્ડને બેલેન્સ કરે છે. હું પણ પોતાને કથકથી જ રિફ્રેશ કરું છું. કથક મારી હોબી છે જેમાં હું ક્યારેક હજી પણ પર્ફોમન્સ આપું છું અને પોલીસ ખાતામાં સેવા તે મારું પેશન છે. હોબી અને પેશનમાં હંમેશા પેશનની જીત થાય છે એવું મારું માનવું છે.
ગોલ્ફ અને ફોટોગ્રાફીએ મને એકાગ્રતા અને ધૈર્ય જેવા ગુણો શીખવાડ્યા છે : અનુપમ સિંહ ગેહલૌત (પોલીસ કમિશ્નર, સુરત)

આપણા પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલૌતના સૌમ્ય અને ફ્રેન્ડલી નેચરના હોવાની સાથે બહુ સારા ગોલ્ફ પ્લેયર અને વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફર છે. પોલીસ હોવા સિવાયના તેમના આ અલગ જ પાસા વિશે તેમણે દિલ ખોલીને વાતો કરતા જણાવ્યું કે, ગોલ્ફ ગેમના માધ્યમથી 7થી 8 કિલોમીટર વોકિંગ થઈ જાય છે. એકાગ્રતા વધારનારી આ ગેમ હું ગાંધીનગરમાં BSFના કેમ્પમાં સ્થિત ગોલ્ફ કોર્સમાં રમતો હતો. વડોદરામાં હું આ ગેમ વહેલી સવારે બે-અઢી કલાક રમતો. પોલીસની 29 વર્ષથી થતી ગોલ્ફની ઓલ ઇન્ડિયા ટૂર્નામેન્ટમાં મને ગુજરાતને રિપ્રેઝન્ટ કરવાનો મોકો મળ્યો છે. આ વખતે અમદાવાદમાં આ ટુર્નામેન્ટ દરમિયાન ગોલ્ફમાં અમે રનર અપ રહ્યાા હતાં. ઓલ ઇન્ડિયા ટૂર્નામેન્ટમાં દરેક રાજ્યના પોલીસ હોય એટલે આ માધ્યમથી થયેલા કોન્ટેકટ્સ પ્રોફેશનલ નેટવર્કિંગમાં ખૂબ મદદ આપે છે. સુરતમાં ગોલ્ફ કોર્સ નથી તો બેડમિન્ટન રમી લઉં છું. અમે ઓલ ઇન્ડિયા પોલીસ ટૂર્નામેન્ટમાં બે વખત રમવા ગયા હતાં. અમે 30-35 ટૂર્નામેન્ટ રમ્યા છીએ અને 7થો 8 જીત્યા છીએ. હું ઈંડિવિજ્યુઅલી અને ટિમ સાથે રમ્યો છું. બાળપણથી વાઈલ્ડ લાઈફના પુસ્તકો વાંચવા ગમતા હતા એટલે રૂરકીમાં IITમાં ઇન્જીનીયરિંગ કરતી વખતે જંગલમાં ટ્રેકિંગ કરતા ત્યારે વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફીનો શોખ જાગ્યો. જિમ કોર્બેટ, રણથંભોર અને તાંઝાનીયા વગેરે જગ્યા પર તથા ભાવનગરમાં SP તરીકે કાર્યરત હતો ત્યારે સાસણ ગીરમાં 100થી દોઢસો વખત વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફી કરવા જંગલમાં ગયો હતો. વાઈલ્ડ લાઈફ સેલની રચના થઈ હતી તે સમયે ઘણી મિટિંગો થતી એટલે જંગલની નજદીક વધારે જવાયું હતું. મેં લાયન, ટાઇગર, લેપર્ડ, નેચરની ફોટોગ્રાફી કરી છે. વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફી તમને એકાગ્રતા તથા ધૈર્ય શીખવે છે. જંગલમાં પ્રાણીઓ એકબીજા સાથે કેવી રીતે કોલ આપે છે તે જાણવા મળે અને તેનાથી કોઓર્ડિનેશન કઈ રીતે થઈ શકે તે શીખવા મળે છે.