Editorial

વિકિલીક્સના જુલીયન અસાંજેનો વર્ષોનો સંઘર્ષ કોઇ મોટુ઼ં નક્કર પરિણામ લાવી શક્યો નથી

આજથી એક દાયકા કરતા વધુ સમય પહેલા વિકિલીક્સ નામની વેબસાઇટે જગતની મહાસત્તા અમેરિકાને ધ્રુજાવી દીધી હતી. આ વિકિલીક્સ પર અમેરિકાએ યુદ્ધોમાં આચરેલા કૃત્યોનો ભાંડાફોડ થવા માંડ્યો હતો અને વિશ્વમાં ખળભળાટ મચી ગયો હતો. અમેરિકાના ઘણા કૃત્યો છતાં થઇ જશે એવો ભય લાગતા જ અમેરિકાએ વિકીલીક્સના સ્થાપક જુલીયન અસાંજે પર સકંજો કસવા માંડયો. અસાંજે યુરોપમાં હતા ત્યારે તેમના પર દેખીતી રીતે અમેરિકાના ઇશારે જાતીય હુમલાના આરોપો મૂકવામાં આવ્યા. અસાંજેએ ભાગીને આશરો શોધવા માંડ્યો.

લંડન ખાતેના ઇકવેડોરના દૂતાવાસમાં અસાંજેને ઇકવેડોર સરકારે આશરો આપ્યો. નિયમ પ્રમાણે હવે અસાંજેની ધરપકડ થઇ શકે તેમ ન હતી પરંતુ વર્ષો સુધી દૂતાવાસમાં બંધ રહીને અસાંજેની માનસિક હાલત કથડી અને ઇકવેડોર સરકારે કંટાળીને અસાંજેનો આશ્રય રદ કર્યો અને અસાંજેની ધરપકડ લંડન પોલીસે કરી. લંડનની જેલમાં પાંચ વર્ષ કરતા વધુ સમય રહ્યા બાદ અસાંજેને એક ડીલ હેઠળ અમેરિકા મોકલાયા.અસાંજેના વતન ઓસ્ટ્રેલિયાની સરકાર સાથે થયેલા કરાર મુજબ અમેરિકાની સરકારે અસાજેને ગુનાની કબૂલાત બાદ અત્યાર સુધીના જેલવાસને જોતા અસાંજેને મુકત કર્યા અને વિકિલીક્સના સ્થાપક જુલિયન અસાંજે વર્ષોની કાનૂની લડાઈ બાદ બુધવારે ઓસ્ટ્રેલિયા પરત ફર્યા હતા. 

તેમની પત્ની, પિતા અને તેમના ચાહકો દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.. એક વિડિયોમાં અસાંજે કેનબેરા એરપોર્ટ પર પ્રાઈવેટ જેટમાંથી ઉતરતા, તેની પત્ની સ્ટેલાને જુસ્સાપૂર્વક ભેટતા અને તેને જમીન પરથી ઉઠાવતા પહેલા મીડિયા સમક્ષ હાથ હલાવતા દર્શાવવામાં આવ્યા હતા.  ત્યારબાદ  તેમની કાનૂની ટીમ સાથે ટર્મિનલ બિલ્ડિંગમાં પ્રવેશતા પહેલા તેમના પિતા જોન શિપ્ટનને ભેટી પડ્યા. અગાઉના દિવસે, અસાંજેએ અમેરિકાના જાસૂસી કાયદાના ઉલ્લંઘનના ગુના માટે દોષિત હોવાનું કબૂલ્યા પછી  અમેરિકી ડિસ્ટ્રિક્ટ કોર્ટમાંથી મુક્ત વ્યક્તિ તરીકે બહાર નીકળી શક્યા હતા. હવે ડીલના ભાગરૂપે, અસાંજેએ વિકિલીક્સને આપવામાં આવેલી માહિતીનો નાશ કરવાની જરૂર પડશે.

 તેમની લાંબી કાનૂની લડાઈમાં, અસાંજેએ બ્રિટિશ ઉચ્ચ-સુરક્ષાવાળી જેલમાં પાંચ વર્ષથી વધુ સમય પસાર કર્યો અને લંડન ખાતેના ઇક્વાડોરના દૂતાવાસમાં આશ્રયમાં સાત વર્ષ જાતીય હુમલાના આરોપો પર સ્વીડન અને યુએસમાં પ્રત્યાર્પણ સામે લડ્યા, જ્યાં તેમણે 18 ફોજદારી આરોપોનો સામનો કર્યો. અફઘાનિસ્તાન અને ઇરાકમાં વોશિંગ્ટનના યુદ્ધો પરના સેંકડો હજારો વર્ગીકૃત યુએસ લશ્કરી દસ્તાવેજોમાંથી 2010 માં વિકિલીક્સ દ્વારા બહાર પાડવામાં આવેલી વિગતો ખળભળાટ મચાવનારી હતી.

સાઇપનના દુર્ગમ અમેરિકી પેસેફિક પ્રદેશમાં અગાઉ યોજાયેલી ત્રણ કલાકની સુનાવણી દરમિયાન, અસાંજેએ વર્ગીકૃત રાષ્ટ્રીય સંરક્ષણ દસ્તાવેજો મેળવવા અને જાહેર કરવાનું કાવતરું ઘડવાના એક ગુના માટે દોષી કબૂલ્યું હતું, પરંતુ કહ્યું હતું કે તે યુએસ બંધારણના પ્રથમ સુધારાને માને છે, જે વાણી સ્વાતંત્ર્યનું રક્ષણ કરે છે, તેના રક્ષણને સુરક્ષિત કરે છે. અસાંજેની ઓસ્ટ્રેલિયન વકીલ જેનિફર રોબિન્સને અસાંજેની મુક્તિને સુનિશ્ચિત કરવા માટે ઓસ્ટ્રેલિયન સરકારનો આભાર માન્યો હતો. ઓસ્ટ્રેલિયન વડાપ્રધાન એન્થની આલ્બાનીઝે કહ્યું કે કાળજીપૂર્વકના પ્રયાસને કારણે આ શક્ય બન્યું છે. જુલીયન અસાંજે મુક્ત થઇને વતન પહોંચી ગયા તેથી વિશ્વભરના અધિકારવાદીઓ અને અખબારી સ્વાતંત્ર્યના  તથા વાણી સ્વાતંત્રયના હિમાયતીઓમાં ખુશાલી વ્યાપી ગઇ છે.

જુલીયન અસાંજે મુક્ત થયા તેથી ભલે વિશ્વભરના માનવ અધિકારવાદીઓ, અભિવ્યક્તિ સ્વતંત્રતા પ્રેમીઓમાં આનંદ વ્યાપી ગયો હોય પરંતુ પ્રશ્ન એ ઉઠે છે કે અસાંજેની તથા તેમના સાથીદારોની જહેમત તથા વર્ષો સુધી અસાંજેએ વેઠેલી યાતનાઓનું શું પરિણામ આવ્યું છે? અમેરિકા કંઇક ઉઘાડૂં પડ્યું તે સિવાય તેનું કશું બગાડી શકાયું નથી. અને ઓસ્ટ્રેલિયન સરકારની દરમ્યાનગીરીથી અમેરિકા સાથે થયેલ કરાર મુજબ અસાંજેએ છેવટે તો કંઇક નમતુ તો જોખવું જ પડ્યું છે.

એક અગ્રણી બ્રિટિશ પત્રકારે કહ્યૂં કે ‘અસાંજેના ઘટનાક્રમથી વિશ્વભરના પત્રકારોએ બોધપાઠ લેવાનો છે…તેમણે ઝઝુમવું પડશે.’ આ તો અમેરિકા હતું તે આટલું પણ થયું. નહીંતર અન્ય ઘણા દેશો એવા છે કે જેઓ તો આ રીતે અવાજ ઉઠાવનાર પત્રકારને મારી જ નાખે. પનામા પેપર લીક્સ જેવા મોટા પાયા પરના સામૂહિક પત્રકારત્વ સાહસો જ કંઇક નક્કર પરિણામો લાવી શકે છે. વિકિલીક્સ જેવા એકલ દોકલ છૂટાછવાયા સાહસોથી કોઇ મોટું નિશાન પાર પાડી શકાતું નથી તે અસાંજેના પ્રકરણ પરથી સાબિત થઇ ગયું છે.

Most Popular

To Top