દમણ: સંઘપ્રદેશ દમણમાં એક નિષ્ઠુર જનેતાએ પોતાના 2 નાના બાળકોને ચોથા માળની ગેલેરીમાંથી નીચે ફેંકી દેતા બન્ને બાળકોના કરૂણ મોત નીપજ્યા છે. છેલ્લા ઘણાં સમયથી પતિ પત્ની વચ્ચે ચાલતા ઘર કંકાસને કારણે ગુસ્સાના આવેગમાં માતાએ બંને બાળકને મોતના મુખમાં ધકેલી દીધા હતાં. આખરે માતાને પણ જેલના સળિયા પાછળ ધકેલી દેવાઈ છે.
- પતિ સાથેના ઘરકંકાસમાં જનેતાએ મમતા ગુમાવી ને બંને વ્હાલસોયાને મોતના મુખમાં ધકેલી દીધાં
- બાળકોને ફેંક્યા બાદ પોતે પણ ગેલેરીમાંથી કૂદવાનો પ્રયાસ કર્યો પરંતુ પતિએ બચાવી લીધી
પોલીસ પાસેથી મળેલી માહિતી પ્રમાણે સોમવારે મોડી રાત્રે સવા બાર કલાકની આસપાસ મોટી દમણ સી.એચ.સી. હોસ્પિટલ ખાતેથી કડૈયા પોલીસ મથકને કોલ મળ્યો હતો કે, 2 બાળકોના બિલ્ડીંગની ગેલેરીમાંથી પડી જતા મોત નીપજ્યા છે.
આ પ્રમાણેની માહિતી પોલીસને મળતા પોલીસની એક ટીમે મોટી દમણ સી.એચ.સી. ખાતે જઈ જરૂરી કાર્યવાહી કરી તપાસ હાથ ધરી હતી. જ્યાં પોલીસને જાણવા મળ્યું કે, બન્ને મૃતક બાળકો કડૈયા પોલીસ હદ વિસ્તારના દલવાડા ખાતે કોસ્ટગાર્ડ તટ રક્ષક વિહાર (ટી.આર.વી.) કોલોનીના રહેવાસી હતા.
આ પ્રમાણેની જાણકારી પોલીસને મળતા પોલીસની ટીમ મોડી રાત્રે તટ રક્ષક વિહાર કોલોની ખાતે પહોંચી હતી. જ્યાં પોલીસે તપાસ કરતાં પોલીસ પણ હકીકત જાણી ચોંકી ઉઠી હતી. બાળકોના ગેલેરીમાંથી પડી જતાં મોત નીપજ્યા ન હતા, પરંતુ છેલ્લા ઘણાં સમયથી મૃતક બાળકોની માતા અને તેમના પિતા વચ્ચે ઘર કંકાસ ચાલી રહ્યો હતો.
સોમવારના રોજ પણ પતિ પત્ની વચ્ચે ઝઘડો થતાં નિષ્ઠુર માતાએ ગુસ્સામાં તેના એક દોઢ વર્ષના અને એક 3 વર્ષના બાળકોને એક પછી એક ચોથા માળની ઘરની ગેલેરીમાંથી ફેંકી મોતને હવાલે કરી દીધા હતા. જ્યારે માતા પણ બાળકોને ફેંક્યા બાદ ગેલેરીમાંથી કુદી આત્મહત્યાનો પ્રયાસ કરવા જતી હતી, પરંતુ એ દરમ્યાન જ પતિએ જોતાં જ તેણે પત્નીને પાછળથી પકડી લેતા તેનો બચાવ થયો હતો.
પોલીસે બાળકોની માતાને જેલભેગી કરી
આ ઘટનામાં પોલીસે બન્ને બાળકોની હત્યાના ગુનામાં માતા સીમા યાદવની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જો કે, ઘટના દમણ તટ રક્ષક વિહાર કોલોનીમાં ઘટી હોવાથી, એટલે કે મૃતક બન્ને બાળકોના પિતા અને હત્યારી માતાના પતિ કોસ્ટ ગાર્ડમાં જ ફરજ બજાવતા હોવા છતાં પોલીસે પિતાનું નામ જાહેર ન કરતા પોલીસની કાર્યશૈલી સામે અનેક શંકા કુશંકા સેવાઈ રહી છે.