ડિવોર્સના એક કેસમાં સુપ્રીમ કોર્ટની કોમેન્ટે સૌ કોઈનું ધ્યાન ખેંચ્યું છે. કોર્ટે કહ્યું કે, પત્નીએ પોતાના પતિને આંગળી પર નચાવવો જોઈએ નહીં. કોર્ટે કહ્યું, દંપતીના આંતરિક ઝઘડામાં સૌથી વધુ નુકસાન બાળકોને થાય છે. તેથી પતિ-પત્નીએ પોતાના અહંકારને કોરાણે મુકી બાળકોના ભવિષ્યને પ્રાથમિકતા આપવી જોઈએ.
આ કોમેન્ટ જસ્ટિસ બીવી નાગરત્ના અને જસ્ટિસ આ. મહાદેવનની બેન્ચે કરી છે. તેમની બેન્ચ સમક્ષ એક સરકારી કર્મચારી દંપતીનો ડિવોર્સનો કેસ આવ્યો હતો. પતિ દિલ્હીમાં રેલવે વિભાગનો કર્મચારી છે, જ્યારે પત્ની પટનામાં રિઝર્વ બેન્કમાં નોકરી કરે છે અને પોતાના પિયરમાં માતા-પિતા સાથે રહે છે.
આ દંપતીના લગ્ન વર્ષ 2018માં થયા હતા. તેમને બે સંતાન છે. પાંચ વર્ષની દીકરી અને ત્રણ વર્ષનો દીકરો છે. આ દંપતી 2023થી અલગ રહે છે. પતિ કહે છે કે તે સાસરામાં ઘરજમાઈ બનીને રહેવા માંગતો નથી. જ્યારે પત્ની અને તેના પરિવારે પતિ વિરુદ્ધ કેસ દાખલ કરી દીધો છે.
પતિ-પત્ની વચ્ચે વધતા વિવાદને લીધે હવે તેમના બાળકો પણ માનસિક તણાવ અનુભવી રહ્યા છે. આ કેસ સુપ્રીમ કોર્ટ સમક્ષ આવ્યો ત્યારે કોર્ટે બંને પક્ષને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો.