નવી દિલ્હીઃ સુહાગનો પતિના લાંબા આયુષ્ય માટે કરવા ચોથનું વ્રત રાખે છે. આ વર્ષે પણ કરવા ચોથના દિવસે દેશભરમાં સુહાગનોએ પોતાના પતિના લાંબા આયુષ્ય માટે વ્રત રાખ્યો હતો. રાત્રે ચંદ્ર અને પતિના દર્શન કર્યા બાદ વ્રત તોડ્યો હતો. ત્યારે દેશમાં એક એવી પત્ની પણ હતી જેને જે પતિના લાંબા આયુષ્ય માટે કરવા ચોથનો વ્રત રાખ્યો તે જ પતિને ઝેર આપી મારી નાંખ્યો.
ઉત્તર પ્રદેશના કૌશામ્બીમાં સંબંધોને શરમાવે તેવી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં પત્નીએ કરવા ચોથના દિવસે ઝેર આપી પતિની હત્યા કરી નાંખી છે. આ વાતનો ખુલાસો પતિના અંતિમ વિડિયોથી થયો છે. મરતા પહેલાં પતિએ એક વીડિયો જાહેર કરી કહ્યું કે, તેની પત્નીએ તેને ઝેર આપ્યું છે. ઘટનાની માહિતી મળતાની સાથે જ પોલીસે ઘટના સ્થળે પહોંચી લાશનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.
આ ઘટના કડા ધામ પોલીસ સ્ટેશન વિસ્તારના સ્માઇલપુર ગામમાં બની હતી. અહીં 32 વર્ષીય શૈલેષ કુમાર રવિવારે સવારથી જ કરવા ચોથની તૈયારીઓમાં વ્યસ્ત હતા. તેમની પત્ની સવિતાએ પણ પતિ શૈલેષ કુમારના લાંબા આયુષ્ય માટે ઉપવાસ રાખ્યો હતો. પરંતુ સાંજે જ્યારે મહિલાઓ પતિનો ચહેરો જોઈને ઉપવાસ તોડે છે ત્યારે કંઈક એવું બન્યું કે શૈલેષ અને સવિતા વચ્ચે ઝઘડો થયો.
જો કે, થોડા સમય પછી બધું સામાન્ય થઈ ગયું હતું. પરંતુ પત્નીનો ગુસ્સો શાંત થયો નહોતો. પત્નીએ રાતે જમવામાં મેક્રોની બનાવી હતી. જેમાં ઝેર ભેળવી દીધું હતું. ત્યાર બાદ પતિને મેક્રોની પીરસીને પત્ની પાડોશીના ઘરે જવાનું કહીને ભાગી ગઈ હતી. મેક્રોની ખાધાના થોડા સમય પછી તેના પતિ શૈલેષની હાલત ખરાબ થવા લાગી હતી. તેની તબિયત બગડતી જોઈને પરિવારજનોએ તેને હોસ્પિટલમાં દાખલ કર્યો, જ્યાં તેનું મૃત્યુ થયું હતું.
મૃત્યુ પહેલા પતિએ વીડિયો બનાવ્યો અને નિવેદન આપ્યું
શૈલેષના મોતથી પરિવારજનોમાં ચકચાર મચી ગઈ હતી. મૃતકના ભાઈની ફરિયાદના આધારે પોલીસે આરોપી પત્ની વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. તેમજ કડા ધામ પોલીસે આરોપી પત્નીની ધરપકડ કરી તેની પૂછપરછ કરી રહી છે. તે જ સમયે મૃતકે મૃત્યુ પહેલા એક વીડિયો બનાવીને પોતાનું નિવેદન આપ્યું છે. જેમાં તે પોતાની પત્નીને ભોજનમાં ઝેર ભેળવી દેવાની વાત કરી રહ્યો છે.
આરોપી પત્નીની ધરપકડ
એસપી બ્રિજેશ કુમાર શ્રીવાસ્તવે જણાવ્યું કે કડા ધામ પોલીસ સ્ટેશન વિસ્તારના ઈસ્માઈલ ગામમાં રવિવારે રાત્રે પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો હતો. આરોપ છે કે પત્નીએ પતિના ભોજનમાં ઝેર ભેળવી દીધું હતું જેના કારણે તેની તબિયત લથડી હતી અને હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. આ મામલે કેસ નોંધવામાં આવ્યો છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે. તેમજ મહિલાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.