SURAT

સુરત: પતિની હત્યા બાદ પ્રેમીની લાશ રિક્ષામાં નાંખી લઈ જતી હત્યારી પત્ની CCTVમાં કેદ

સુરત(Surat) : બે દિવસ પહેલાં તા. 17મી ડિસેમ્બરને શનિવારની વહેલી સવારે ડીંડોલીના પ્રમુખપાર્ક ઓવર બ્રિજની નીચે ઉધના-મુંબઈ અપ રેલવે લાઈન પર ઉપર મળી આવેલી ડેડબોડીના કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. આ અજાણી લાશની ઓળખ કરી સુરતની ડીંડોલી પોલીસે ગણતરીના કલાકમાં હત્યારાઓને પકડી પાડ્યા છે. આ કેસમાં સૌથી હેરાન કરનારી બાબત એ છે કે જે યુવકની લાશ મળી હતી તેની હત્યા તેની જ પત્નીએ (Wife Murder Husband In Surat) કરી હતી.

રેલવે ટ્રેક પર ડેડબોડી મળી ત્યારે જ ડીંડોલી પોલીસ સમજી ગઈ હતી કે અકસ્માત કે આપઘાતમાં ખપાવવા માટે હત્યા કરી યુવકની લાશ ટ્રેક પર ફેંકવામાં આવી છે. આ કેસમાં પોલીસ માટે રાહતની વાત એ હતી કે મૃતકનો ચહેરો હેમખેમ હતો. તેથી પોલીસે તેના ફોટા પાડી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા હતા તેમજ પ્રમુખ પાર્ક તથા તેની આસપાસના વિસ્તારમાં તે ફોટો લઈ મૃતકની ઓળખ મેળવવાના પ્રયાસ શરૂ કર્યા હતા. પોલીસની આ ટ્રીક કામ કરી ગઈ હતી. થોડા જ કલાકોમાં પોલીસે મૃતકની ઓળખ કરી લીધી હતી. મૃતકનું નામ વિનોદ રવિન્દ્ર બેલદાર (ઉં.વ. 27, રહે. 73, દ્વારકેશ નગર, નવાગામ, ડીંડોલી, સુરત) હતું. વિનોદ મૂળ મહારાષ્ટ્રના નંદુરબારનો વતની અને 6 મહિના પહેલાં જ પત્ની પૂનમ સાથે સુરત ભાડાના મકાનમાં રહેવા આવ્યો હતો. પત્ની પૂનમનું નવાગામ ડીંડોલીમાં પિયર આવેલું હોય તેઓ અહીં રહેતા હતા.

મૃતક પત્ની પર શંકા કરી મારઝૂડ કરતો
વિનોદ બેરોજગાર હતો. તે દારૂ પી પડી રહેતો હતો. વળી વિનોદ અને તેની પત્ની પૂનમ વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા. વિનોદ પત્ની પૂનમના ચારિત્ર્ય બાબતે શંકા કરતો હતો. પત્ની પૂનમને રિક્ષાચાલક યુવક રાહુલ શંકર કોળી સાથે અનૈતિક સંબંધ બાબતે ઝઘડા થતા હતા.

પ્રેમી સાથે મળી પત્નીએ ઠંડા કલેજે ઘરમાં જ હત્યા કરી
દરમિયાન ગઈ તા. 16મી ડિસેમ્બરના રોજ પત્ની પૂનમે પ્રેમી રાહુલ અને પ્રેમીના માસિયાઈ ભાઈ સાગર કોળીને જમવા બોલાવ્યા હતા. જમી પરવારીને બધા મોડી રાત સુધી જાગતા હતા ત્યારે પતિ વિનોદ બેલદારે પત્ની પૂનમને ગંદી ગાળો આપી મારઝૂદ કરી હતી. ત્યારે પૂનમના પ્રેમી રાહુલે પોતાના ભાઈ સાગરની મદદથી પ્રેમિકા પૂનમનો દુપટ્ટો લઈ વિનોદના ગળે ટૂંપો દઈ હત્યા કરી હતી.

રિક્ષામાં લાશ લઈ જતા સીસીટીવીમાં કેદ થયા
વિનોદ બેલદારની હત્યા કર્યા બાદ પૂનમ, પ્રેમી રાહુલ અને સાગર ત્રણે જણાએ ભેગા મળી મધરાત્રે 2.20ના અરસામાં પ્રેમી રાહુલની રિક્ષામાં લાશ મુકી હતી. નજીકના મકાનના સીસીટીવી કેમેરામાં આ ત્રણેય જણા લાશ રિક્ષામાં મુકતા અને ત્યાંથી લઈ જતા કેદ થઈ ગયા હતા. આ પુરાવો ડીંડોલી પોલીસ માટે મહત્ત્વનો બન્યો હતો, તેના આધારે પોલીસે ત્રણેયને અટકાયતમાં લઈ કડક પૂછપરછ કરતા તેઓએ ગુનો કબૂલી લીધો હતો.

વીડિયો જોવા માટે અહીં ક્લીક કરો

પત્નીએ પતિની હત્યા કર્યાની કબૂલાત કરી
પોલીસે કડક પૂછપરછ કરતા વિનોદની પત્ની પૂનમને હત્યાનો ગુનો કબૂલી લીધો હતો. પ્રેમી રાહુલ અને તેના ભાઈ સાગર સાથે પોતાના જ દુપટ્ટાથી પતિ વિનોદને ગળે ટૂંપો દઈ મારી નાંખ્યા બાદ મધરાત્રે રાહુલની રિક્ષામાં લાશનો નિકાલ કરવા લઈ ગયા હતા. રિક્ષામાં ડેડબોડી મુક્યા બાદ ડીંડોલી સાઈ પોઇન્ટ ચાર રસ્તા થઈ સી.આર. પાટીલ રોડ ઉપર આવેલા પાંડેસરા તરફ જતા પ્રમુખપાર્ક ઓવર બ્રિજની ઉપર રિક્ષા ઉભી રાખી રાહુલે વિનોદની ડેડબોડી રિક્ષામાંથી બહાર કાઢી ખભે ઊંચકી રેલવે ઓવર બ્રિજની ઉપરથી નીચે આવેલા ઉધના-મુંબઈ અપ રેલવે લાઈન ઉપર ફેંકી દીધી હતી અને પછી ઘરે પરત ફર્યા હતા. પોલીસે પૂનમ બેલદાર, રાહુલ કોળી તથા સાગર કોળીની અટકાયત કરી છે.

Most Popular

To Top