સુરત: કાળ કેટલો નિર્દયી હોય છે તેનો પુરાવો આપતી ઘટના સુરત શહેરના ઉધના દરવાજા વિસ્તારમાં બની છે. બે મહિના પહેલાં લવમેરેજ કરનાર દંપતિની ખુશી કાળને પસંદ નહીં હોય તે હંમેશ માટે વિખુટું પાડી દીધું છે. આ દંપતી લગ્ન બાદનો પહેલો વેલેન્ટાઈન ડે પણ સેલિબ્રેટ કરી શક્યા નથી. આજે સવારે ટ્રકનું ટાયર માથા પરથી ફરી વળતા પતિની નજર સામે પત્નીનું રસ્તા પર જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું.
આજે સવારે સુરતમાં વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. સવારે નવદંપતી મોપેડ પર નોકરી પર જઈ રહ્યું હતું. દરમિયાન રિંગ રોડ પર એક આઇસર ટ્રકના ચાલકે અડફેટે લીધા હતા. ટક્કર બાદ પત્નીનો દુપટ્ટો ટ્રકના ટાયરમાં ફસાયા જતા તે રસ્તા પર પટકાઈ હતી અને તેના પરથી ટ્રકનું ટાયર ફરી વળ્યું હતું. આ ગમખ્વાર અકસ્માતમાં પત્નીનું મોત નિપજ્યું હતું.
વધુમાં મળતી માહિતી પ્રમાણે મૂળ નાગપુરના વતની અને સુરતના ડીંડોલી વિસ્તારમાં આવેલી બીલિયા નગર સોસાયટીમાં રહેતા શુભમ પરાતે બે મહિના દિવ્યા નામની યુવતી સાથે પ્રેમલગ્ન કર્યા હતા. શુભમ અને દિવ્યા બંને વરાછાની મીત જેમ્સમાં રત્નકલાકાર તરીકે નોકરી કરતા હતા. રોજની જેમ બંને આજે સવારે 07:20 વાગ્યા આસપાસ ઘરેથી મોપેડ લઈને નોકરીએ જવા માટે નીકળ્યા હતા. તેઓ ઉધના દરવાજા બ્રિજ પાસેથી રીંગ રોડ તરફ જતા હતા ત્યારે એક આઇસર ટ્રકના ચાલકે દંપતીના મોપેડને ટક્કર મારી હતી.
અચાનક ટક્કર લાગતા શુભમે મોપેડ પરનો કંટ્રોલ ગુમાવ્યો હતો. દરમિયાન દિવ્યાનો દુપટ્ટો ટ્રકના ટાયરમાં ફસાઈ ગયો હતો, જેના લીધે તે રસ્તા પર પટકાઈ હતી. ત્યારબાદ ટ્રકનું આખું ટાયર તેના છાતી અને ગળાના ભાગેથી ફરી વળ્યું હતું. પતિએ ટ્રક ચાલકનો પીછો કરી તેને દૂર જઈને રોક્યો હતો. જોકે તે ફરી ફરાર થઈ ગયો હતો.
ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલી દિવ્યા પાસે પતિ પહોંચ્યા બાદ 108ને જાણ કરવામાં આવી હતી. દિવ્યાને ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યાં ફરજ પરના તબીબે તેને તપાસીને મૃત જાહેર કરી હતી. દિવ્યાના મોતના પગલે પરીવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. જ્યારે સલાબતપુરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.