SURAT

વરાછા ગરનાળા પાસે ટેમ્પોએ મોપેડને અડફેટે લેતાં પત્નિનું મોત, પતિને ઇજા

સુરત : વરાછા ગરનાળા નજીક એક ટેમ્પો ચાલકે મોપેડને ટક્કર મારી હતી. જેમાં મોપેડ સવાર દંપતિ પૈકી પત્નીનાં માથા પર આઇશર ટેમ્પોનું ટાયર ફરી વળતા તેણીનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જયારે પતિને પણ ગંભીર ઇજા થઇ હોય ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

પુણાગામ રણછોડનગર સોસાયટીમાં રહેતા મધુકરભાઈ વારલીકર જીઇબીના નિવૃત્ત કર્મચારી છે. તેઓ પત્ની ભગવતીબેન સાથે રવિવારે સાંજે વેડરોડ ખાતે તેમના કોઈ સંબધીને ત્યાં જતા હતા

મળતી વિગત મુજબ મૂળ મહારાષ્ટ્રના વતની અને હાલ પુણાગામ નવા ફળિયા, રણછોડનગર સોસાયટીમાં રહેતા મધુકરભાઈ વારલીકર જીઇબીના નિવૃત્ત કર્મચારી છે. તેઓ પત્ની ભગવતીબેન સાથે રવિવારે સાંજે વેડરોડ ખાતે તેમના કોઈ સંબધીને ત્યાં સગપણ નક્કી થતું હોવાથી મોપેડ મારફતે તેઓના ઘરે જઈ રહ્યાં હતાં.

દરમિયાન વરાછા વિસ્તારના ખાંડ બજારના ગરનાળા પાસેથી તેવો પસાર થતા હતા ત્યારે ત્યાંથી પસાર થતા આઇસર ટેમ્પાચાલકે ટેમ્પો ગફલત રીતે હંકારીને ટક્કર મારી હતી. જેમાં દંપતિ નીચે પડી જતા ટેમ્પા ચાલકે બેફામ ગાડી હંકારતા પત્ની ભગવતીબેનના માથા પરથી ટાયર ફરી વળતાં તેમનું માથું કચડાઈ ગયું હતું. જેમાં ભગવતીબેનનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

આસપાસના લોકો દ્વારા ઇજાગ્રસ્ત મધુકરભાઈને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હાલ તેની તબિયત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. વરાછા પોલીસ દ્વારા ટેમ્પાચાલક વિરુદ્ધ અકસ્માત મોતનો ગુનો નોંઘી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

નવા ગામ ડિંડોલીમાં પેટ્રોલ પંપ નજીક જ વેનમાં આગ લાગતા લોકોના જીવ અધ્ધર થઇ ગયા
સુરત: નવા ગામ ડિંડોલી વિસ્તારમાં રવિવારે સવારે વેનમાં આગ લાગી જવાની ઘટના બની હતી. પેટ્રોલ પંપ ઉપથી પેટ્રોલ રિફિલિંગ કરાવ્યા બાદ બહાર નીકળતી વખતે વેનના વાયરિંગમાં સ્પાર્ક થયો હતો જેને કારણે આગ લાગી હતી. પેટ્રોલ પંપ નજીક આગની ઘટના બનતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો જોકે આગ લાગ્યાનો કોલ મળતાની સાથે જ ડિંડોલી ફાયર સ્ટેશનનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો.

ફાયર સૂત્રો પાસેથી પ્રાપ્ત જાણકારી અનુસાર નવાગામ ડિંડોલી વિસ્તારમાં આવેલા શક્તિ પેટ્રોલ પંપ ઉપર રવિવારે સવારે વેનના માલિક અને ડ્રાઈવર પેટ્રોલ ભરાવવા ગયા હતા. દરમ્યાન પેટ્રોલ પંપની બહાર નીકળતાની સાથે જ વેનના આગળના ભાગના વાયરિંગમાં સ્પાર્ક થયો હતો અને આગ લાગી ગઈ હતી.

વેનના માલિકે તુરંત જ ફાયર કંટ્રોલ રૂમને ફોન કરી ઘટનની જાણકારી આપી હતી તેથી ડિંડોલી ફાયર વિભાગના બે એન્જીનો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને પાણીનો મારો ચલાવીને આગને તુરંત કાબુમાં લઇ લીધી હતી. આગ લાગવાની આ ઘટના પેટ્રોલ પંપની નજીક જ બની હતી જેને કારણે મોટી ઘટના થાય તેવા ભયને કારણે લોકોના જીવ અઘ્ધર થઈ ગયા હતા., જોકે ડિંડોલી ફાયરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી જઈ આગને કાબુમાં લેતા હાશકારો અનુભવ્યો હતો.

Most Popular

To Top