Gujarat

પત્નીનું રિવોલ્વરમાંથી મીસ ફાયર થતાં મોત, આઘાતમાં પતિએ ગોળી મારી આપઘાત કર્યો

અમદાવાદ: અમદાવાદ શહેરના જજીસ બંગલો રોડ ઉપર આવેલા એનઆરઆઈ ટાવરમાં ગઈકાલે મોડી રાત્રે પ્રદેશ કોંગ્રેસના સિનિયર નેતા શક્તિસિંહ ગોહિલના ભત્રીજા યશરાજસિંહ ગોહિલની રિવોલ્વરમાંથી મીસ ફાયર થતાં ગોળી તેની પત્નીને વાગતા મૃત્યુ થયું હતું. પત્નીનાં મૃત્યુના આઘાતથી પતિ યશરાજસિંહ પણ જાતે ગોળી મારી આત્મહત્યા કરી લીધી હતી. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં સનસનાટી મચી જવા પામી હતી. આ ઘટના જાણ પોલીસે તાત્કાલિક પહોંચી તપાસ શરૂ કરી છે. પોલીસે આ ઘટનામાં હત્યાની થીયરી પર પણ તપાસ હાથ ધરી છે.

આ ઘટના અંગે મળતી માહિતી મુજબ શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં જજીસ બંગલો રોડ ઉપર આવેલા એનઆરઆઈ ટાવરમાં રહેતા યશરાજસિંહ ગોહિલ કે જેઓ ગુજરાત મેરી ટાઈમ બોર્ડમાં ક્લાસ-1 અધિકારી તરીકે ફરજ બજાવે છે. ગઈકાલે મોડી રાત્રે યશરાજસિંહ ગોહિલ પોતાની પત્ની રાજેશ્વરીબા સાથે બહાર જમવા ગયા હતા. જમીને રાત્રે ઘરે પરત આવ્યા બાદ પોતાના રૂમમાં સુવા ગયા હતા, ત્યારબાદ કોઈક કારણોસર રિવોલ્વરમાંથી અચાનક મીસ ફાયર થતાં ગોળી રાજેશ્વરીબાને માથાને ભાગે વાગી હતી. આથી યશરાજસિંહ બાજુના રૂમમાં સુઈ રહેલા પોતાની માતાને જાણ કરી હતી કે, રિવોલ્વરમાંથી અચાનક ગોળી છૂટી ગઈ છે, અને ગોળી પત્નીને વાગી છે.

આ ઘટનાની જાણ 108 ઈમરજન્સી સર્વિસને કરવામાં આવતા ઈમરજન્સી સર્વિસ સેવાના કર્મચારીઓ ગણતરીની મિનિટોમાં જ યશરાજસિંહના ઘરે પહોંચી તપાસ કરતા રાજેશ્વરી મૃત હોવાનું જાહેર કર્યું હતું. બીજી તરફ પત્નીના મૃત્યુનો આઘાત સહન ન કરી શકતા યશરાજસિંહ બેડરૂમ જઈ પોતાની જાતે જ માથામાં ગોળી મારી જીવન ટૂંકાવી દીધું હતું.
આ ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસ કાફલો તાત્કાલિક પહોંચી ગયો હતો અને તપાસ હાથ ધરતા પ્રાથમિક તપાસ મુજબ વપરાયેલી રિવોલ્વર લાઇસન્સવાળી હોવાનું જણાયું હતું. પોલીસે મૃતદેહને ફોરેન્સિંગ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા. આ ઉપરાંત ફિંગર પ્રિન્ટ નિષ્ણાતો તેમજ એકઝ્યુકેટીવ મેજિસ્ટ્રેટને સાથે રાખીને આગળની તપાસ હાથ ધરી છે.

હત્યાની થિયરી ઉપર પણ પોલીસની તપાસ

આ ઘટના અંગે ટોચના પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, આ રિવોલ્વરમાંથી આકસ્મિત રીતે ગોળી છૂટી છે કે કેમ ? ગોળી કયા એંગલથી અને કેટલા અંતરથી છૂટી છે તે અંગેની તપાસ કરાશે. આ તમામ બાબતો પોસ્ટમોર્ટમ અને એફએસએલની તપાસ બાદ જ વધુ સ્પષ્ટ થઈ શકશે. પોલીસે રિવોલ્વર જપ્ત કરી તપાસ માટે એફએસએલમાં મોકલી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ મામલે હત્યાની થિયરી ઉપર પણ પોલીસ તપાસ કરી રહી છે.

બે મહિના પહેલાં જ લગ્ન થયા હતા

આ બંને નવ પરણીત દંપતી છે. બે મહિના પહેલા જ તેઓના લગ્ન થયેલા છે. આ બંને વચ્ચે કોઈ પારિવારિક ઝઘડો હતો કે કેમ ? તે દિશામાં પણ પોલીસે તપાસ શરૂ કરી છે.

Most Popular

To Top