સાયણ: સાયણ-શેખપુર રોડની સોસાયટીમાં રહેતા બિહારી શ્રમિક દંપતી રાત્રે શારીરીક સુખ માણી રહ્યા હતાં, તે વખતે પત્નીના ગુપ્ત ભાગેથી વધુ પડતું લોહી વહેતા નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાઈ હતી. જ્યાં ત્રણ દિવસ પછી તેનું મોત થયું છે.
મૂળ બિહારના નવદા જિલ્લાની વતની સાવિત્રીકુમારી અર્જુનકુમાર મહંતો (ઉ.વ.૨૮) સાયણ-શેખપુર રોડ ઉપર પરિશ્રમ સોસાયટીના રો-હાઉસના મકાન નં.૫૬માં રહેતી હતી. ગત શુક્રવાર, તા.૧૫મીએ રાત્રે ૧૧:૦૦ વાગ્યાના સુમારે સાવિત્રીકુમારી તેના પતિ અર્જુનકુમાર સાથે શારિરીક સુખ માણી રહી હતી, તે સમયે તેના ગુપ્ત ભાગેથી વધુ પડતું લોહી વહેતા તેનો પતિ અર્જુનકુમાર પ્રાથમિક સારવાર માટે સાયણની સરકારી હોસ્પિટલમાં લઈ ગયો હતો. જો કે ત્યાં કોઈ ફરક ન જણાતા સાવિત્રીકુમારીને બીજા દિવસે વધુ સારવાર માટે સુરત નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં સારવાર દરમ્યાન ગઈકાલે ૧૭મીએ મોડી સાંજે ડોક્ટરે તેને મૃત જાહેર કરી હતી.
આ બાબતે મૃતક મહિલાના ભાઈ મુન્નાકુમાર વિષ્ણુદેવ પ્રસાદે નવી સિવિલ હોસ્પિટલ ખાતેથી ઓલપાડ પોલીસને જાણ કરી હતી. જેના પગલે પોલીસે કાયદેસરનો ગુનો નોંધ્યો છે અને વધુ તપાસ સુરત ગ્રામ્ય ડીવાયએસપી કરી રહ્યા છે.