SURAT

પતિ જેવી જીવનશૈલી જીવવા પત્ની-બાળકો પણ હકદારઃ સુરતના એક કેસમાં સુપ્રીમનો ઉદાહરણીય ચૂકાદો

સુરત: સુરતના ડાયમંડ વ્યવસાયીને પત્ની તેમજ સંતાનોને માસિક 1 લાખ રૂપિયા ભરણપોષણ ચૂકવવા કોર્ટે હુકમ કર્યો હતો. પતિ જેવી જીવનશૈલી જીવે, તેવી જીવનશૈલી જીવવા માટે પત્ની તેમજ બાળકો પણ હક્કદાર છે તેવું કોર્ટે વધુમાં ઉમેર્યુ હતું. જો પતિ ભરણપોષણ ચૂકવવામાં નિષ્ફળ જાય તો તેની મિલકત પણ જપ્ત કરવામાં આવે, ત્યાં સુધીનો નિર્દેશ કોર્ટે આપ્યો હતો.

  • સુરતના હીરા વ્યવસાયીને પત્ની, બાળકોને માસિક એક લાખ રૂપિયા ભરણપોષણ ચૂકવવા સર્વોચ્ચ અદાલતનો આદેશ
  • પતિ ભરણપોષણ નહીં ચૂકવે તો મિલકતો જપ્ત કરવા પણ સુપ્રિમ કોર્ટનો નિર્દેશ

કેસની વિગતો મુજબ સુરતમાં ડાયમંડ વ્યવસાય સાથે સંકળાયેલા પતિ તથા પત્ની વચ્ચે લગ્નજીવનની તકરાર દરમિયાન, પત્નીએ પોતાના તથા બે સગીર બાળકોના ભરણપોષણ મેળવવા માટે વકીલ મિનેશ ડી. ઝવેરી મારફતે સુરત ફેમિલી કોર્ટમાં કેસ કર્યો હતો. જેથી સુરત ફેમિલી કોર્ટે સુનાવણી દરમિયાન કોર્ટમાં રજૂ કરાયેલા રેકર્ડ પરના પુરાવા અને કાનૂની જોગવાઈને ધ્યાનમાં રાખીને પત્નીને માસિક રૂ. 6 હજાર તેમજ બંને બાળકોને રૂ. 3-3 હજાર લેખે ભરણપોષણ ચૂકવવા હુકમ કર્યો હતો.

જે હુકમથી નારાજ થઈને પત્નીએ સિનીયર કાઉન્સિલ રાજન જાધવ મારફતે ભરણપોષણની રકમમાં વધારો કરવા ગુજરાત હાઇકોર્ટમાં રિવિઝન અરજી કરી હતી. જેની સુનાવણી દરમિયાન હાઇકોર્ટેમાં પતિએ પોતાના આવકના પુરાવા તેમજ રિટર્ન રજૂ કર્યા ન હતા. જેથી અરજદાર પત્નીની રજૂઆતને માન્ય રાખી હાઈકોર્ટે પત્નીને માસિક રૂ. 1 લાખ તેમજ બંને બાળકોને માસિક રૂ. 50-50 હજાર એમ કુલ 2 લાખ રૂપિયા ભરણપોષણ ચૂકવવા પતિને હુકમ કર્યો હતો.

હાઇકોર્ટના હુકમથી નારાજ થઈને પતિએ સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરી હતી. પતિએ પોતાની આવકના પુરાવા તેમજ રિટર્ન રજૂ કરી અદાલતમાં અપીલ કરી હતી કે, પત્નીએ જે આવક દર્શાવી છે, તેટલી આવક ધરાવતા નથી. પત્ની પોતે પોતાની આવક મેળવી શકે તેમ છે. સુપ્રીમ કોર્ટની ડિવિઝન બેન્ચે પતિના ધંધામાં મંદીને લગતા પુરાવાને ધ્યાનમાં લઈને પત્નીને માસિક રૂ. 50 હજાર તેમજ બંને બાળકોને રૂ. 25-25 હજાર એમ કુલ 1 લાખ રૂપિયા ભરણપોષણ માસિક ચૂકવવા હુકમ કર્યો હતો.

તેમજ પતિ આમાં કોઈ કસુર કરે તો તેની મિલકત જપ્ત કરી હરાજી કરવા સુધીની પણ નિર્દેશ કર્યા હતા. તેમજ પત્ની પતિના આવકના પુરાવા રજૂ કરી ભરણપોષણની રકમમાં વધારો કરવા માંગ પણ કરી શકે છે. પતિ જેવી જીવનશૈલી જીવે તેવી જીવનશૈલી જીવવા માટે પત્ની તેમજ બાળકો પણ હક્કદાર છે તેમ કોર્ટે વધુમાં ઉમેર્યું હતું.

Most Popular

To Top