Sports

બેયરસ્ટોના પગમાં ત્રણ જગ્યાએ ફ્રેક્ચર, પગની ઘૂંટી પણ ડિસલોક્ટેડ થઇ હતી

લંડન: ઇંગ્લેન્ડના વિકેટકીપર (Wicketkeeper) બેટ્સમેન જોની બેયરસ્ટોએ તેની ઇજાની ગંભીરતા જાહેર કરી છે, આ ઇજાને કારણે તે ઓસ્ટ્રેલિયામાં આ મહિને રમાનારા ટી-20 વર્લ્ડકપમાં રમી શકવાનો નથી. એક મહિના પહેલા, ગોલ્ફ રમતી વખતે, બેયરસ્ટોનો ડાબો પગ તૂટી ગયો હતો અને તેની પગની ઘૂંટી ડિસલોક થઈ ગઈ હતી. આ ઘટના બની તેના થોડા સમય પહેલા જ તેને ઈંગ્લેન્ડની વર્લ્ડકપ ટીમમાં (England’s World Cup Squad) સામેલ કરવામાં આવ્યો હતો.

  • ગોલ્ફ રમતી વખતે પડી જતાં થયેલી ઇજાના એક મહિના પછી બેયરસ્ટોએ જાતે પોતાની ઇજાની ગંભીરતા જણાવી
  • ઇજા થયાના અઠવાડિયા પછી બેયરસ્ટોના પગની સર્જરી કરવામાં આવી, હવે એક વર્ષ સુધી તે ક્રિકેટ રમી શકશે નહીં

સંતુલન જાળવવાનો પ્રયાસ કરતી વખતે તે પડી ગયો હતો જેના કારણે તેને ઈજા થઈ હતી. બેયરસ્ટોએ સોમવારે ઈન્સ્ટાગ્રામ પર લખ્યું હતું કે મારા પગમાં ત્રણ જગ્યાએ ફ્રેક્ચર થયું છે અને મારા પગની ઘૂંટી પણ ડિસલોકેટ થઈ ગઈ છે જેને ઓપરેશનની જરૂર હતી. ઈજાના એક સપ્તાહ બાદ બેયરસ્ટોનું ઓપરેશન કરવામાં આવ્યું હતું અને તે આગામી એક વર્ષ સુધી રમી શકશે નહીં. તેણે લખ્યું હતું કે મારું પ્રથમ ધ્યેય એ છે કે બંને પગ પર ઊભા રહેવું અને બધું બરાબર છે તેની ખાતરી કરવી. આ સમર સિઝનમાં જોની બેયરસ્ટો ઇંગ્લેન્ડનો શ્રેષ્ઠ ટેસ્ટ પ્લેયર જાહેર થયો હતો. તેણે આ સિઝનમાં 75.6ની એવરેજથી ચાર સદી સાથે કુલ 681 રન ઝુડી કાઢ્યા હતા અને એ તેની ટેસ્ટ કેરિયરનું સૌથી સારું વર્ષ રહ્યું હતું.

Most Popular

To Top