Comments

મહારાષ્ટ્રના ગવર્નર ભગતસિંહ કોશિયારીને કેમ બદલવામાં આવ્યા?

મહારાષ્ટ્ર રાજ્યની રચના થઈ ત્યારથી અત્યાર સુધી ૧૯ ગવર્નર આવી ગયા, પણ ભગતસિંહ કોશિયારી જેટલા બદનામ બીજા કોઈ ગવર્નર થયા નહીં હોય. કેન્દ્ર સરકારને છેવટે કોશિયારીને નિવૃત્ત કરીને તેમના સ્થાને ઝારખંડના ગવર્નર રમેશ બૈસની નિમણુક કરવાની ફરજ પડી છે. ભગતસિંહ કોશિયારી મહારાષ્ટ્રના ગવર્નર બન્યા તે પહેલાં રાજ્યસભાના સભ્ય તરીકે અને ઉત્તરાખંડના મુખ્ય પ્રધાન તરીકે સફળ કારકિર્દી ધરાવી ચૂક્યા હતા, પણ મહારાષ્ટ્રના ગવર્નર તરીકે તેમણે જે છબરડાઓ કર્યા તેને કારણે તેઓ મહારાષ્ટ્રના વિપક્ષો ઉપરાંત જનતામાં પણ અળખામણા બની ગયા હતા.

છત્રપતિ શિવાજી મહારાજ વિશેનાં તેમનાં અપમાનજનક વિધાનોને પગલે વિપક્ષો આક્રમક બની ગયા હતા તો ભાજપના નેતાઓ પણ ક્ષોભભરી પરિસ્થિતિમાં મૂકાઈ ગયા હતા. જો ભગતસિંહ કોશિયારી વધુ સમય ગવર્નર તરીકે ચાલુ રહ્યા હોત તો ૨૦૨૪ની લોકસભાની ચૂંટણીમાં ભાજપને ૪૮ બેઠકો ધરાવતા રાજ્યમાં ભારે નુકસાન સહન કરવું પડ્યું હોત. હવે કોશિયારીને રવાના કરવામાં આવ્યા તેને કારણે તે નુકસાન સરભર થઈ શકશે કે કેમ? તે કહી શકાય તેમ નથી.

ભગતસિંહ કોશિયારીએ તેમના ત્રણ વર્ષના શાસન કાળમાં જે કેટલાક વિવાદાસ્પદ નિર્ણયો લીધા તેના માટે કેટલાક અંશે ભાજપનું મોવડીમંડળ જવાબદાર હતું તો કેટલાક અંશે તેઓ પોતે જવાબદાર હતા. કોશિયારી ૨૦૧૯ના સપ્ટેમ્બરમાં ગવર્નર બન્યા તે પછી તરત જ વિધાનસભાની ચૂંટણી આવી હતી. તેમણે પહેલો છબરડો ભાજપની બહુમતી નહોતી તો પણ દેવેન્દ્ર ફડનવિસને સરકાર રચવાનું આમંત્રણ આપીને કર્યો હતો. દેવેન્દ્ર ફડનવિસ વિધાનસભામાં બહુમતી પુરવાર કરી શક્યા નહોતા, જેને કારણે તેમણે ૮૦ કલાકમાં મુખ્ય પ્રધાન તરીકે રાજીનામું આપવું પડ્યું તેમાં ભાજપની ભારે બદનામી થઈ હતી. ત્યાર બાદ સત્તામાં આવેલી મહાવિકાસ અઘાડી સરકાર સાથે કોશિયારી સતત સંઘર્ષમાં આવતા રહ્યા હતા અને તેમની ગાળો ખાતા રહ્યા હતા.

શાસક પક્ષ શિવસેનામાં ભંગાણ પડ્યું તે પછી ભગતસિંહ કોશિયારીએ તત્કાલીન મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેને વિધાનસભાના ગૃહમાં બહુમતી પુરવાર કરવા માત્ર ૨૪ કલાકનો સમય આપ્યો હતો, જેને કારણે તેઓ રીસાઈ ગયેલા શિવસૈનિકોને મનાવવામાં સફળ નહોતા થયા. તેમને રાજીનામું આપવાની ફરજ પડી અને ભૂતપૂર્વ શિવસૈનિક એકનાથ શિંદે મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી બન્યા ત્યારથી ઉદ્ધવ ઠાકરે તેમની પાછળ પડી ગયા હતા. તેઓ ભગતસિંહ કોશિયારીની મહારાષ્ટ્રવિરોધી છબી ઊભી કરવામાં સફળ થયા હતા. ગયા વર્ષના નવેમ્બરમાં ઔરંગાબાદ ખાતે ડો. બાબા સાહેબ આંબેડકર મરાઠવાડા યુનિવર્સિટીના સમારંભમાં તેમણે છત્રપતિ શિવાજી મહારાજ અને ડો. આંબેડકરને જરીપુરાણા થઈ ગયેલા નેતાઓ ગણાવીને પોતાના તો ઠીક, ભાજપના પગ પર પણ કુહાડો માર્યો હતો.

શિવસેનાએ આ મુદ્દાને મહારાષ્ટ્રના સ્વાભિમાન સાથે જોડી દીધો હતો અને ઠેર ઠેર તેમની વિરુદ્ધમાં દેખાવો કર્યા હતા. ભગતસિંહ કોશિયારી પણ હોંશિયારી વાપરીને નિવેદન પાછું ખેંચવાને બદલે તેને જડતાથી વળગી રહ્યા હતા. તેને કારણે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ તેમની ફરિયાદ દિલ્હી દરબાર સુધી કરી હતી. ભગતસિંહ કોશિયારીની મહારાષ્ટ્રવિરોધી છાપને કારણે મહારાષ્ટ્રની જનતાના પણ તેઓ દુશ્મન ગણાવા લાગ્યા હતા. આ છાપને દૂર કરવાનો તેમણે જરા જેટલો પણ પ્રયત્ન કર્યો નહોતો.

છેલ્લાં ત્રણ વર્ષમાં કેન્દ્ર સરકારે એવાં કેટલાંય પગલાંઓ ભર્યાં છે, જેને કારણે મહારાષ્ટ્રમાં ભાજપ પક્ષનો પાયો નબળો પડ્યો છે અને તેની લોકપ્રિયતામાં પણ ઓટ આવી છે. ગયાં વર્ષે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી હતી તેને કારણે તેને વેદાંત અને ટાટા મોટર્સ જેવા અબજો રૂપિયાના પ્રોજેક્ટો મહારાષ્ટ્રના મોંઢામાંથી ઝૂંટવીને આપી દેવામાં આવ્યા તેનો વિપક્ષો દ્વારા જોરદાર પ્રચાર કરવામાં આવ્યો હતો. મહારાષ્ટ્ર ભાજપના નેતાઓ પણ તેનો બચાવ કરી શક્યા નહોતા. હવે કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણી નજીક હોવાથી કર્ણાટક ભાજપના નેતાઓ બેલગાવીનો મુદ્દો ચગાવી રહ્યા છે, જેનો પ્રતિકાર મહારાષ્ટ્ર ભાજપના નેતાઓ કરી શકે તેમ નથી, કારણ કે તેમને દિલ્હી દરબાર દ્વારા મૌન રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. મહારાષ્ટ્રની ટ્રકો પર કર્ણાટકમાં પથ્થરમારો કરવામાં આવ્યો તેનો ઉપયોગ મહાવિકાસ અઘાડીના નેતાઓ દ્વારા બરાબર કરવામાં આવ્યો અને મહારાષ્ટ્રમાં આવતી કર્ણાટકની બસો પર ‘જય મહારાષ્ટ્ર’નું ચિતરામણ કરવામાં આવ્યું હતું. આ બધાં પગલાંઓને કારણે મહાવિકાસ અઘાડી મતદારોમાં આદર પ્રાપ્ત કરી રહી છે.

ભગતસિંહ કોશિયારી મહારાષ્ટ્રના ગવર્નર હોવાથી કેન્દ્ર સરકાર દ્વારા મહારાષ્ટ્રની અસ્મિતા પર પ્રહાર થાય તેવા જેટલા પણ નિર્ણયો લેવામાં આવ્યા તેના માટે મહારાષ્ટ્રની જનતા કોશિયારીને જવાબદાર માનતી હતી અને તેમને દિલ્હીના દલાલ તરીકે ધિક્કારવા લાગી હતી. મહારાષ્ટ્ર વિધાનસભામાં ચૂંટાઇને રાજ કરતી મહાવિકાસ અઘાડીની સરકારને પક્ષપલટો કરાવીને ઉખાડી નાખવામાં તો ભાજપને સફળતા મળી, પણ તેને કારણે શિવસેનાને જબરદસ્ત સહાનુભૂતિ મળી ગઈ હતી. અધૂરામાં પૂરું ભગતસિંહ કોશિયારીએ મહારાષ્ટ્રના દેવતા ગણાતા છત્રપતિ શિવાજી મહારાજની નિંદા કરીને નાહકનો વિવાદ વહોરી લીધો હતો. શિવસેના દ્વારા તેનો મહત્તમ રાજકીય લાભ ઉઠાવવામાં આવ્યો હતો. ગુપ્તચર સંસ્થાના હેવાલ મુજબ મહારાષ્ટ્રમાં જો હાલ લોકસભાની ચૂંટણી થાય તો ભાજપને ૪૮ પૈકી માંડ ૧૪ બેઠકો મળે તેમ છે, જ્યારે હાલ તેમની પાસે ૪૪ બેઠકો છે. મહારાષ્ટ્રમાં જે ૩૦ બેઠકનો ફટકો પડે તે બીજા કોઈ રાજ્યમાં ભરપાઈ થઈ શકે તેમ નથી.

ભાજપના મોવડીમંડળને ખ્યાલ આવ્યો કે મહારાષ્ટ્ર તેમના હાથમાંથી સરકી રહ્યું છે, ત્યારે તેમણે મહારાષ્ટ્રની જનતાનો વિશ્વાસ ફરીથી જીતવા યુદ્ધના ધોરણે પગલાં હાથ ધર્યાં હતાં. વડા પ્રધાન નરેન્દ્ર મોદી એક યા બીજું નિમિત્ત શોધીને વારંવાર મહારાષ્ટ્રની મુલાકાતે આવવા લાગ્યા છે. ભારતમાં કુલ ચાર વંદે ભારત ટ્રેન શરૂ કરવામાં આવી તે પૈકી બે તો મહારાષ્ટ્રમાં શરૂ કરવામાં આવી હતી. પરંતુ મહારાષ્ટ્રની જનતા શાણી છે. વેદાંત અને ટાટા મોટર્સ જેવા બે મોટા પ્રોજેક્ટો મહારાષ્ટ્રના હાથમાંથી ઝૂંટવાઈ ગયા અને તેની સામે બે નવી ટ્રેનો આપી દેવામાં આવી તેનાથી તેઓ રીઝાઈ જાય તેમ નથી. મહારાષ્ટ્રના વિપક્ષો અને ખાસ કરીને જનતાનો વિશ્વાસ પુન:સંપાદિત કરવાના પગલાંના ભાગરૂપે જ ભગતસિંહ કોશિયારીને દૂર કરીને રમેશ બૈસને ગવર્નર બનાવવામાં આવ્યા છે.

જો મહારાષ્ટ્રમાં ભાજપે જે લોકપ્રિયતા ગુમાવી છે તેને ફરીથી હાંસલ કરવી હોય તો તેનો એકમાત્ર રસ્તો શિવસેના સાથે સમાધાન કરીને ફરીથી ભાજપ સાથે યુતિ સાધવાનો છે. આ કાર્ય કદાચ નવા ગવર્નર રમેશ બૈસને સોંપવામાં આવ્યું છે. જો ૨૦૨૪ની લોકસભાની ચૂંટણીમાં ભાજપે બહુમતી મેળવવી હોય તો મહારાષ્ટ્રમાં ઉજળો દેખાવ કરવો જ પડશે, કારણ કે આખા ભારતમાં ઉત્તર પ્રદેશ પછી સૌથી વધુ બેઠકો મહારાષ્ટ્રમાં છે. જ્યારે કર્ણાટક અને બિહાર જેવાં રાજ્યો ભાજપના હાથમાંથી સરકી રહ્યાં છે કે સરકી રહ્યાં છે ત્યારે મહારાષ્ટ્રનું મહત્ત્વ વધી ગયું છે. ભાજપના હાથમાં હજુ એક વર્ષ છે. જોઈએ તેઓ કેવો ચમત્કાર કરી શકે છે?
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top