લોકડાઉન દરમિયાન અનેક કારખાનાં બંધ થઈ ગયાં હતાં તે પાછાં ધમધમતાં થઈ ગયાં છે. લોકડાઉન દરમિયાન ઉત્પાદનમાં જે ખાધ રહી ગઈ હતી તેને ભરપાઈ કરવા માટે અમુક કારખાનાં બે પાળીમાં અને અમુક તો ત્રણ પાળીમાં ચાલી રહ્યાં છે, જેને કારણે જગતમાં પરંપરાગત ઊર્જાની અભૂતપૂર્વ કટોકટી પેદા થઈ છે. ભારતમાં ૭૦ ટકા વીજળી કોલસાથી ચાલતાં કારખાનાંઓ દ્વારા પેદા થાય છે, પણ ભારતનાં થર્મલ પાવર સ્ટેશનોમાં સરેરાશ ચાર દિવસ ચાલે તેટલો જ કોલસાનો સ્ટોક છે. વિદેશથી આવતા કોલસાના ભાવો વધી ગયા હોવાથી વીજળી પેદા કરતી કંપનીઓ વિદેશી કોલસો ખરીદવામાં સંકોચ અનુભવે છે. જો કોલસાનો પુરવઠો નહીં વધારવામાં આવે તો ભારતનાં અનેક મોટાં શહેરોમાં ઊર્જાની કટોકટી પેદા થશે અને તેમને પાવરકટનો સામનો કરવો પડશે.
ઊર્જાના ક્ષેત્રમાં ભારતની જે પરિસ્થિતિ છે તેના કરતાં દુનિયાના બીજા ઘણા દેશોની પરિસ્થિતિ વધુ ખરાબ છે. યુરોપમાં ઇંધણના ભાવોમાં અભૂતપૂર્વ વધારો થયો છે. ચીનમાં વીજળીના અભાવે હજારો ફેક્ટરીઓ બંધ પડી છે. તેને કારણે ચીનનો આર્થિક વિકાસ પણ મંદ પડી ગયો છે. બ્રિટનના અનેક પેટ્રોલ પમ્પો ખાલી થઈ ગયા છે. લોકોને પેટ્રોલ પૂરાવવા લાંબી લાઈનમાં ઊભા રહેવું પડે છે. મોટા ભાગના પેટ્રોલ પમ્પોમાં તો ‘નો સ્ટોક’ નાં પાટિયાં ઝૂલી રહ્યાં છે.
બ્રિટનમાં તો ઘણી જગ્યાએ પેટ્રોલનો જથ્થો છે, પણ રિફાઇનરીમાંથી ફ્યુઅલ સ્ટેશન સુધી ઇંધણ લઇ જવા માટે ટ્રક ડ્રાઇવરો નથી. બ્રિટન યુરોપિયન યુનિયનથી અલગ થયું ત્યારથી યુરોપના અન્ય દેશોમાંથી આવીને બ્રિટનમાં નોકરી કરતા ટ્રક ડ્રાઇવરો વીસા ન મળવાને કારણે પોતાના દેશોમાં પાછા ફર્યા છે. તેને કારણે ડ્રાઇવરો મળતા ન હોવાથી સપ્લાયની કટોકટી પેદા થઈ છે. યુરોપમાં એક વર્ષમાં વીજળીના ભાવોમાં ૨૫૦ ટકાનો વધારો થયો છે અને ઇંધણના ભાવોમાં ૪૦૦ ટકાનો વધારો થયો છે. બ્રિટને તો ઇંધણની કટોકટીને કારણે હિંસા ન ફાટી નીકળે તે માટે લશ્કરને સાબદાં રહેવાની સૂચના આપી છે.
ભારત સરકાર દ્વારા દેશના ૧૦૪ થર્મલ પાવર પ્લાન્ટનું દૈનિક ધોરણે મોનિટરિંગ થાય છે. તેમાંના ૧૫ માં તા. ૩૦ સપ્ટેમ્બરે ઝીરો દિવસ ચાલે એટલો કોલસો હતો, જ્યારે બીજા ૩૯ માં ત્રણ દિવસ ચાલે એટલો જ કોલસો હતો. સામાન્ય રીતે ઓક્ટોબર મહિનાની ૧૫ તારીખ પછી ઠંડી પડવાની ચાલુ થઈ જતી હોવાથી વીજળીની માગ ઘટી જાય છે, પણ આ વખતે હાલત ચિંતાજનક છે. આંતરરાષ્ટ્રીય બજારમાં કોલસાના ભાવો વધી ગયા હોવાથી વીજળી પેદા કરતી કંપનીઓ દ્વારા ઉત્પાદન ઘટાડી દેવામાં આવ્યું છે. હવે વીજળીની તંગી પેદા થશે ત્યારે તેઓ સરકારનું નાક દબાવશે અને ભાવો વધારી આપવાની માગણી કરશે. છેવટે ગ્રાહકોને વધુ કિંમત ચૂકવવી પડશે.
ભારતમાં કુલ ૩૮૮ ગિગાવોટ (એક ગિગાવોટ બરાબર ૧,૦૦૦ મેગાવોટ) વીજળી પેદા કરવાની ક્ષમતા છે, પણ વપરાશ આશરે ૨૦૦ ગિગાવોટ જેટલો જ છે. લોકડાઉન દરમિયાન વીજળીનો વપરાશ એકદમ ઘટી ગયો હતો, જે હવે ધીમે ધીમે વધી રહ્યો છે. ઓગસ્ટ મહિનામાં દેશમાં ૧૨૪ ગિગાવોટ વીજળીનો જ વપરાશ થયો હતો, જે સપ્ટેમ્બરમાં વધીને ૧૪૨ ગિગાવોટ પર પહોંચી ગયો હતો. ઓક્ટોબરમાં તે ૨૦૦ ગિગાવોટ પર પહોંચવાની ધારણા છે. એક બાજુ ઉદ્યોગોમાં વીજળીનો વપરાશ વધી રહ્યો છે તો બીજી બાજુ ગ્રાહકોની સંખ્યા વધી રહી છે. કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓને કારણે ૨.૮૨ કરોડ નવા ગ્રાહકો ઉમેરાયા છે. તેઓ પંખા, લાઇટ, ટેલિવિઝન અને ફ્રીઝ વાપરવા લાગ્યા છે. શહેરોમાં તો મધ્યમ વર્ગનાં પરિવારોને પણ હવે એસી વગર ચાલતું નથી. મોબાઇલ ફોનને કારણે પણ વીજળીના વપરાશમાં વધારો થયો છે.
ભારતમાં થર્મલ પાવર પ્લાન્ટ માટે જેટલો કોલસો જોઈએ છે તેનો ૭૫ ટકા કોલસો દેશમાં પેદા થાય છે અને ૨૫ ટકાની આયાત કરવામાં આવે છે. કોલસાની ખાણો દ્વારા નિયમિત ધોરણે કોલસાનું લિલામ કરવામાં આવે છે, જેમાંથી થર્મલ પ્લાન્ટના માલિકો કોલસો ખરીદે છે. તાજેતરમાં દેશભરમાં ભારે વરસાદ પડવાને કારણે કોલસાની ખાણોમાં પાણી ભરાઈ ગયું છે અને ઉત્પાદન ઠપ થઈ ગયું છે. અધૂરામાં પૂરું રસ્તાઓ પૂરગ્રસ્ત થઈ ગયા હોવાથી ટ્રકો પણ પહોંચી શકતી નથી. તેને કારણે સ્થાનિક કોલસાના ભાવો ઊંચકાઈ ગયા છે. જો તેઓ કોલસાની આયાત કરવા માગતા હોય તો વિદેશોમાં પણ તેના ભાવો વધી ગયા છે. હકીકતમાં અશ્મિભૂત ઇંધણની અછતને કારણે લોકોને બિનપરંપરાગત ઊર્જાનાં સાધનો તરફ વળવાની ફરજ પાડવામાં આવી રહી છે. સરકાર સોલાર વીજળી અને પવન ઊર્જાને પ્રોત્સાહન આપી રહી છે, પણ તેના ભારે ખર્ચને કારણે લોકો તે જલદી અપનાવતા નથી.
ઊર્જાની કટોકટીને કારણે યુરોપમાં અને ચીનમાં અનેક કંપનીઓનું ઉત્પાદન ઘટાડી કાઢવામાં આવ્યું છે અથવા કારખાનાંને તાળાં મારવામાં આવ્યાં છે. ચીનમાં વીજળીની અછત પેદા થવાનું મુખ્ય કારણ ક્લાઇમેટ ચેન્જના ડરથી કોલસાના ઉત્પાદનમાં મૂકવામાં આવેલો કાપ છે. ચીને ૨૦૩૦ સુધીમાં તેના કોલસાના વપરાશ પર ૬૫ ટકા કાપ મૂકવાનો સંકલ્પ કર્યો છે. તેને કારણે ચીનની સરકારે કોલસાની અનેક ખાણો બંધ કરાવી દીધી છે. સરકારો દ્વારા બિનપરંપરાગત ઊર્જાના ઉત્પાદન માટે પ્રોત્સાહન આપવામાં આવે છે તેમ પરંપરાગત ઊર્જાના ઉત્પાદન માટે આપવામાં આવતાં પ્રોત્સાહનો બંધ કરવામાં આવ્યાં છે.
તેને કારણે પણ કંપનીઓ દ્વારા થર્મલ પાવર પ્લાન્ટના માધ્યમથી વીજળીનું ઉત્પાદન ઘટાડી કાઢવામાં આવ્યું છે. ૨૦૧૫ અને ૨૦૨૧ વચ્ચે યુરોપ અને અમેરિકાની જાયન્ટ કંપનીઓ દ્વારા ખનિજ તેલ અને કુદરતી ગેસના ઉત્પાદન માટેના નવા રોકાણમાં ૫૦ ટકા જેટલો ઘટાડો કરવામાં આવ્યો છે. મલ્ટિનેશનલ કંપનીઓ જાણીજોઈને પરંપરાગત ઊર્જાનું ઉત્પાદન ઘટાડી રહી છે અને ભાવો વધારી રહી છે, જેને કારણે લોકોને પરાણે પણ બિનપરંપરાગત ઊર્જા તરફ વળવું પડે.
૨૦૩૦ સુધીમાં દુનિયાની બધી મોટરકારો બિનપરંપરાગત ઊર્જા પર ચાલતી હશે. કદાચ વિશ્વને તે તરફ ધકેલવા ઊર્જાની કૃત્રિમ કટોકટી પેદા કરવામાં આવી રહી છે. દુનિયાનાં મોટાં શહેરો કુલ ઉત્પાદનની બે તૃતિયાંશ જેટલી વીજળી હજમ કરી જાય છે. થર્મલ પાવર પ્લાન્ટ મોટાં શહેરોથી ૧૦૦ થી ૫૦૦ કિલોમીટરના અંતરે રાખવામાં આવતાં હોય છે. તેઓ કોલસો બાળીને પ્રદૂષણ પેદા કરે છે તેનું નુકસાન ગામડાંમાં રહેતાં લોકોને થાય છે, જ્યારે શહેરનાં લોકોને વગર પ્રદૂષણે વીજળી મળે છે. બેંગલોરની વાત કરીએ તો તેને વીજળી પૂરી પાડતા થર્મલ પાવર પ્લાન્ટ ૫૦૦ કિલોમીટરના અંતરે આવેલા છે.
તેઓ દર વર્ષે ૧૭૩ મેગાટન કાર્બન ડાયોક્સાઇડ વાયુનું ઉત્સર્જન કરે છે. મુંબઇને વીજળી પૂરી પાડવા માટે દહાણુ નજીક થર્મલ પાવર પ્લાન્ટ નાખવામાં આવ્યો તેનો સ્થાનિક કિસાનો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. તેમના વિરોધને અવગણીને તે થર્મલ પાવર પ્લાન્ટ ધમધમતો થઈ ગયો હતો. આપણી સરકાર દ્વારા મોટાં શહેરોના લોકોને પોતાના મકાનનાં છાપરાં પર સોલાર પાવર પ્લાન્ટ બેસાડવા માટે સબસિડી આપવામાં આવી રહી છે. તેને કારણે શહેરમાં વપરાતી વીજળી શહેરમાં પેદા થશે અને ગામડાંમાં પ્રદૂષણ ફેલાતું બંધ થશે. વળી વીજળીના વિતરણ પાછળ પણ ખર્ચો કરવાનું બંધ થશે. છેવટે દુનિયાને સ્વચ્છ ઊર્જા અપનાવ્યા વગર ચાલવાનું જ નથી.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.