National

દિલ્હીના CM પદ માટે આતિશીનું ચયન શા માટે? આ છે આતિશી માર્લેનાની પસંદગીનું કારણ

આમ આદમી પાર્ટીએ તેના મજબૂત નેતા આતિશીને મુખ્યમંત્રી પદ માટે નામાંકિત કર્યા છે. મંગળવારે યોજાયેલી વિધાયક દળોની બેઠકમાં અરવિંદ કેજરીવાલે આતિશીના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો, જેના પર સર્વસંમતિ સધાઈ હતી. આ રીતે આતિશી હવે દિલ્હીના નવા મુખ્યમંત્રી બનશે. દિલ્હીના સીએમ પદની રેસમાં ઘણા નામ હતા જેમાં સૌરભ ભારદ્વાજ, ગોપાલ રાય, કૈલાશ ગેહલોત અને રાખી બિરલાનો સમાવેશ થાય છે પરંતુ આતિષીના નામ પર મહોર લાગી હતી.

આતિશી લાંબા સમયથી કેજરીવાલના વિશ્વાસુ અને નજીકના માનવામાં આવે છે. તે અન્ના આંદોલનના સમયથી અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા છે. માત્ર પાંચ વર્ષમાં આતિષીએ પોતાની ક્ષમતા અને પોતાના કુશળ સ્વભાવથી ધારાસભ્યથી મંત્રી સુધીની સફર કરી છે. વર્ષ 2020માં કાલકાજી સીટ પરથી ચૂંટણી જીતીને આતિશી પ્રથમ વખત ધારાસભ્ય બન્યા હતા. તેઓને વર્ષ 2023માં કેજરીવાલ કેબિનેટમાં મંત્રી પદ મળ્યું અને હવે તે દિલ્હીની મુખ્યમંત્રી બન્યા છે.

જ્યારે અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયા દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં જેલમાં હતા ત્યારે આતિશીએ આમ આદમી પાર્ટીનો મોરચો સંભાળ્યો હતો. બંને મોટા નેતાઓની ગેરહાજરીમાં તેઓએ સરકારી કામકાજ અને સંસ્થાની જવાબદારીઓ ખૂબ સારી રીતે નિભાવવાનું ચાલુ રાખ્યું. જ્યારે પણ આમ આદમી પાર્ટીને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો ત્યારે તેમણે આગળ આવીને વિરોધીઓનો સામનો કર્યો અને તેમની પાર્ટીના નેતાઓ અને કાર્યકરોનું મનોબળ ખરવા દીધું નહીં.

કેજરીવાલ કેબિનેટમાં એકમાત્ર મહિલા મંત્રી
આતિશી આમ આદમી પાર્ટીની સરકારની કેબિનેટમાં એકમાત્ર મહિલા મંત્રી હતા અને પાર્ટીમાં મહિલાઓનો અગ્રણી અવાજ બન્યા હતા. તેમણે શિક્ષણ ક્ષેત્રે ઘણું મોટું યોગદાન આપ્યું અને મનીષ સિસોદિયા જેલમાં ગયા પછી તેમણે શિક્ષણ મંત્રાલયની બાગડોર સંભાળી અને તે સારી રીતે કર્યું.

સંગઠન અને નેતાઓ પર આતિશીનો સારો પ્રભાવ છે. તેમની સ્ટાઈલ શરૂઆતથી જ તેમના વિરોધીઓ માટે ઘણી આક્રમક રહી છે. આ સાથે તેમની પાસે સંગઠન અને વહીવટનો પણ સારો અનુભવ છે. 2019ની લોકસભા ચૂંટણીમાં આતિશીને આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે પૂર્વ દિલ્હીના પ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા પરંતુ તે ભાજપના ગૌતમ ગંભીર સામે 4.77 લાખ મતોના માર્જિનથી ચૂંટણી હારી ગયા હતા.

આતિશી માર્લેનાનો જન્મ દિલ્હીમાં 8 જૂન 1981ના રોજ થયો હતો. તેમના પિતા દિલ્હી યુનિવર્સિટીના પ્રોફેસર વિજય સિંહ અને માતા ત્રિપતા વાહી જેઓ પંજાબી પરિવાર સાથે સંબંધ ધરાવે છે. કેટલાક લોકો કહે છે કે તેમના પિતાએ તેમને આતિશી માર્લેના નામ આપ્યું હતું. ‘માર્ક્સ’ અને ‘લેનિન’માંથી લીધેલા કેટલાક અક્ષરોને જોડીને તેમણે આ નામ પસંદ કર્યું હતું. વર્ષ 2019 ની લોકસભા ચૂંટણી પ્રચાર દરમિયાન આતિશીએ તેમના નામમાંથી માર્લેના શબ્દ કાઢી નાખ્યો કારણ કે તેનાથી તેઓ ખ્રિસ્તી હોવાનો ભ્રમ થતો હતો. જો કે પંજાબી રાજપૂત પરિવારમાં જન્મેલા આતિશી હવે સોશિયલ મીડિયા પર પોતાનું નામ આતિશી આપ લખે છે.

Most Popular

To Top