જાન્યુઆરી માસ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને મહાદેવભાઈ દેસાઈની સ્મરણગાથા લઈને આવે છે. મહાદેવભાઈ દેસાઈ જીવનભર બાપુનો પડછાયો થઈને રહ્યા હતા. ભાગ્ય પણ કેવું? એક કેદી બીજા કેદીની સેવા કરતાં કરતાં સ્વધામ સિધાવ્યા! એક કેદી મોહન અને બીજા મહાદેવ!
‘મહાદેવ’ ના જન્મ પહેલાં દેસાઈ દંપતી (હરિભાઈ-જમનાબેન)નાં સંતાનો તદ્દન અલ્પાયુમાં જ ગુજરી ગયાં હતાં. જમના બા ધાર્મિક હતાં. ભગવાન શિવ પ્રત્યે અત્યંત આસ્થા ધરાવતાં હતાં. સોમવારને દિને અચૂક શિવાલયે જતાં. ભક્તિભાવથી મહાદેવના જપ કરતી. સારા દિવસો જતાં દેવાધિદેવને વિનવણી કરતાં કહ્યું હતું‘‘હે! દેવાધિદેવ મહાદેવ, આ વેળાએ તો મારા સંતાનને બચાવી જ લેજો.
પુત્રરત્ન આપશો તો નામ ‘મહાદેવ’ રાખીશ અને દીકરી આપશો તો નામ ‘પાર્વતી’ રાખીશ.’’ ભોળાનાથે જમના બા ની પ્રાર્થના સાંભળી લીધી. દેવાધિદેવ મહાદેવે આ દેસાઈ દંપતીના ઘેરે પુત્રનું પારણું બંધાવી આપ્યું! તારીખ હતી 1-1-1892. અને પોતાના વચન પ્રમાણે જમના બાએ આ દેવના દીધેલ દીકરાનું નામ રાખી દીધું ‘મહાદેવ’.!
આ અભાગી મહાદેવ મા ની મમતાના પારણામાં વધુ સમય ઝૂલી ના શક્યા. મહાદેવને ફક્ત સાત વરસના છોડીને જમના બા સ્વર્ગે સિધાવી ગયાં! મહાદેવ જમના બાને યાદ કરતાં કહે છે… મારી બા મને શીરો બનાવીને ખોળે બેસી ખવડાવતી હતી. ઘણાં લોકો કહેતા તારી બા સુંદર સ્વભાવની હતી. આ મહાન રાષ્ટ્રભક્ત માટે એટલું જ દુ:ખ થાય છે કે આ અભાગી દેસાઈનો દીકરો આઝાદીના લહેરાતા રાષ્ટ્રધ્વજને જોઈ ન શક્યા. અવસાન તા. 15-8-1942 વય ફક્ત 50 વર્ષ.
વડસાંગળ-ડાહ્યાભાઈ એલ. પટેલ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.