Charchapatra

પુસ્તકાલયોનું મહત્વ શા માટે ઘટવા લાગ્યું છે

લગભગ પંદર-વીસ વર્ષ અગાઉ વાચકોની વાંચન ભૂખ સંતોષવા માટે દરેક નગરમાં એકાદ નાનું મોટું પુસ્તકાલય જરૂરથી જોવા મળતું હતું. આવા પુસ્તકાલયો ખાનગી, સરકારી કે સહકારી ગમે તે એક પ્રકારનાં રહેતાં હતાં. અહીંયા વાચકો, સાહિત્ય રસિકો, કવિ/લેખકો તથા જૈફ વયના વ્યક્તિઓ આવતાં હતાં અને એમને જે પુસ્તક કે સાહિત્ય પસંદ પડે એનું વાંચન કરતાં હતાં. અગાઉના રજવાડામાં રાજા મહારાજાઓના સમયમાં પણ રાજકીય પુસ્તકાલયો બનાવવામાં આવતાં હતાં. વડોદરાના મહારાજા સર સયાજીરાવ ગાયકવાડે માંડવી વિસ્તારમાં, કવિ કલાપીએ લાઠીમાં, મહારાજા શ્રી ભગવતસિંહજી તો પુસ્તકાલય માટે બહું જાણીતાં છે.

ભગવદ્ગોમંડલ મહારાજા ભગવતસિંહજીની નિગરાની હેઠળ તૈયાર કરવામાં આવ્યો અને આજે પણ જ્ઞાની, પંડિત, ભાષાશાસ્ત્રીઓ અને ભાષા તજજ્ઞો હોંશે હોંશે ઉપયોગ કરે છે. હવે મોબાઈલથી દુનિયાભરની માહિતી માત્ર એક ક્લિક કરતાં જ મળી જાય છે, કોઈ પણ પ્રકારના મેગેઝિન, પુસ્તકો, કવિતાઓ, માહિતીઓ તથા સારૂં સાહિત્ય આસાનીથી ઉપલબ્ધ થવા લાગ્યું છે. આ કારણોસર વાચકોનો રૂખ પુસ્તકાલય તરફથી વળીને મોબાઈલ તરફ વળવા લાગ્યો. અગાઉ પુસ્તકાલયોમાં લાયબ્રેરી સાયન્સ કરેલો વ્યક્તિ જ લાયબ્રેરીયન કે ગ્રંથપાલ તરીકેની સેવા બજાવતો હતો, બીજું પુસ્તકાલયમાં સમયસર સરકારી ગ્રાન્ટ ફાળવવામાં આવતી નથી. સંચાલકો ઝાઝો ઉત્સાહ દાખવતાં નથી. આ બધાં કારણોસર ધીમેધીમે વાચકોનો ઉત્સાહ ઓસરવા લાગ્યો છે. હવે કોઈ પુસ્તકાલય માટે સમય ફાળવવા તૈયાર નથી. નવી પેઢીને તો પુસ્તકાલય એટલે શુ એ પણ ખબર નહીં પડે.
હાલોલ   – યોગેશ જોશી – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top