Charchapatra

જે ભારતીયને બદલે અમેરિકન બનવા તત્પર છે તેની ચિંતા આપણે શા માટે કરવી જોઇએ

હાલમાં ગેરકાયદે અમેરિકામાં વસવાટ કરી રહેલા ભારતીયો ઉપર દેશવટાનો ખતરો તોળાઇ રહ્યો છે. જેના કારણે કેટલાક ભારતમાં રહેતા લોકો દુ:ખી જોવા મળી રહ્યાં છે. પરંતુ તેમાં દુ:ખ વ્યક્ત કરવા જેવું લેશ માત્ર પણ નથી. આ એવા લોકો છે જે ભારતની નાગરિકતા છોડીને અમેરિકન બનવા માટે તત્પર છે.  તો આવા લોકો માટે હરખશોક ન જ હોવો જોઇએ. બીજી એક મહત્વની બાબત એ છે કે, જે લોકો હાલ અમેરિકામાં ગેરકાયદે વસવાટ કરી રહ્યાં છે તેમાંના 90 ટકા લોકો ભારતની ગ્રાન્ટેડ સ્કૂલોમાં ભણીને મોટા થયા છે.

ગ્રાન્ટેડ કોલેજોમાં અભ્યાસ કર્યો છે. ટૂંકમાં ભારત દેશના ખર્ચે તેમને ડિગ્રી મળી છે. જ્યારે આ ડીગ્રીધારકોએ તેમની સ્કીલનો લાભ આપવાનો સમય થયો છે ત્યારે તેઓ તેનો લાભ ભારતને આપવાના બદલે અમેરિકામાં આપી રહ્યાં છે. બીજી એક વાત એ પણ છે કે અટલ બિહારી વાજપેયીએ કહ્યું હતું કે ‘ જાના વહીં ચાહિએ જહાં સ્વાગત હો ’ સ્વાગતની વાત તો દૂર રહી હવે જ્યારે કાઢી મૂકવાની વાત આવી ત્યારે સંતાઇ સંતાઇને જીવે છે.

એક સૌથી મહત્વની વાત તો એ છે કે, તમારા ઘરમાં કોઇ ગેરકાયદે ઘૂસી જાય તો તમે શું કરશો? તેની આગતા સ્વાગતા કરશો કે કાઢી મુકશો? જો તમે આવા લોકોને ઘરમાં એક રૂમ આપવા માટે તૈયાર હોવ તો જ અમેરિકા હાલમાં જે કરી રહ્યું છે તેનો વિરોધ કરવો જોઇએ. જ્યારે રામ જન્મભૂમિ આંદોલન તેની ચરમસીમાએ હતું ત્યારે એક વાત દરેક હિન્દુના મોંઢે સાંભવા મળતી હતી અને તે એ હતી કે ‘જો રામ કા નહીં વો હમારે કામ કા નહીં’ તેવી જ વાત અહીં સાબિત થાય છે જેને ભારતને બદલે અમેરિકા માટે વધુ પ્રેમ છે તે આપણા કામના નથી.

અમેરિકન એજન્સીઓ દ્વારા ગેરકાયદે લોકોને પાછા મોકલવામાં આવે તે નવી વાત નથી. રાષ્ટ્રપતિ જો બાઇડનના કાર્યકાળ દરમિયાન 15 લાખથી વધુ લોકોને દેશમાંથી ડિપોર્ટ કરવામાં આવ્યા હતા. કોવિડ-19 રોગચાળા દરમિયાન અન્ય 10 લાખ લોકોને સરહદ પાર પાછા મોકલવામાં આવ્યા હતા. બરાક ઓબામાના 8 વર્ષના કાર્યકાળ દરમિયાન તેમને ઘણી વાર ‘ડિપોર્ટર-ઇન-ચીફ’ કહેવામાં આવતા હતા, કારણ કે તેમના કાર્યકાળ દરમિયાન 30 લાખ લોકોને અમેરિકામાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.પરંતુ ટ્રમ્પનું વહીવટીતંત્ર વધુ વ્યાપક અને આક્રમક પગલાં લેવા તૈયાર છે. એટલે કે સરહદ પર ચુસ્ત પગલાં તો લેવાશે, સાથે સાથે અમેરિકાના અન્ય ભાગોમાં લોકોની અટકાયત કરવા અથવા ડિપોર્ટ કરવા માટે નૅશનલ ગાર્ડ અને સૈન્ય વિમાનોનો ઉપયોગ કરવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ટ્રમ્પના નવા ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વેન્સે કહ્યું હતું કે 10 લાખ લોકોને ડિપોર્ટ કરવાની સાથે ટ્રમ્પ વહીવટીતંત્રની ઝુંબેશ શરૂ થશે.

ગેરકાયદે અથવા અનડૉક્યુમેન્ટેડ ઇમિગ્રન્ટ્સ એ એવા લોકો છે જેઓ સત્તાવાર ડૉક્યુમેન્ટ વગર અમેરિકામાં પ્રવેશ્યા હતા, જેઓ વિઝાની મુદત પૂરી થયા પછી પણ અમેરિકામાં રોકાયા હતા, અથવા જેમને કોઈ કારણસર અમેરિકામાંથી ડિપોર્ટ કરવા સામે રક્ષણ મળ્યું છે. અમેરિકામાં અલગ-અલગ કામ માટે અલગ વિઝા લઈને આવવું પડે છે. જેમાં શિક્ષણ માટે – F1 વિઝા લેવા પડે છે. રિસર્ચ માટે, રોજગાર માટે – H1B વિઝા જોઈએ (જે કામચલાઉ વર્ક પરમિટ છે)અમેરિકામાં વસતા લોકોનાં પતિ/પત્ની, પાર્ટનર અથવા બાળકો માટે – H4 વિઝા જેઓ સ્ટુડન્ટ તરીકે ગયા હોય, તેઓને ત્યાં જોબ મળે તો તેમણે H1B વિઝા માટે અરજી કરવી પડશે. H1B વિઝા મેળવ્યા પછી કર્મચારી કેટલીક અન્ય શરતો અને પ્રક્રિયાઓને પૂર્ણ કર્યા પછી ગ્રીન કાર્ડ માટે અરજી કરી શકે છે. ગ્રીન કાર્ડ મેળવવા માટે અગાઉ પાંચથી સાત વર્ષ લાગતા હતા.

પરંતુ હવે તેમાં ઘણી રાહ જોવી પડે છે. પરંતુ ઘણા લોકોને અમેરિકાના વિઝા મેળવવામાં અવરોધોનો સામનો કરવો પડે છે. તેથી જ મોટી સંખ્યામાં લોકો અમેરિકાની સરહદ પાર કરીને દેશમાં ગેરકાયદે પ્રવેશ કરે છે. નવેમ્બર 2024ના આઇસીઇના ડેટા અનુસાર અમેરિકામાં સૌથી વધુ ગેરકાયદે ઇમિગ્રન્ટ્સ પડોશી દેશો હોન્ડુરાસ અને ગ્વાટેમાલાથી આવ્યા હતા. અમેરિકામાં હાલમાં 17,940 ભારતીયો ગેરકાયદે રહે છે. હોન્ડુરાસના 2, 61,000, ગ્વાટેમાલાના 2,53,000 અને ચીનના 37,908 લાકો હાલ અમેરિકામાં ગેરકાયદે રીતે વસવાટ કરી રહ્યાં છે.

અમેરિકાના રાષ્ટ્રપતિની તાજેતરની ચૂંટણીમાં અન્ય દેશોમાંથી આવતા લોકો અને વિવિધ કારણસર અમેરિકામાં તેમના સેટલ થવાનો મુદ્દો ચર્ચાસ્પદ બન્યો હતો. ડોનાલ્ડ ટ્રમ્પ પહેલેથી જ જાહેરાત કરી ચૂક્યા છે કે તેઓ આ મુદ્દે કડક વલણ અપનાવશે. તેમણે અમેરિકાના ઇતિહાસમાં અત્યાર સુધીની સૌથી મોટી ડિપોર્ટેશન ઝુંબેશ કરવાની વાત કરી છે. ટ્રમ્પે કહ્યું છે કે આ કામ માટે તેઓ સૈન્યનો ઉપયોગ કરવા તૈયાર છે અને જંગી ખર્ચ કરવાની પણ તૈયારી ધરાવે છે. યુએસ ઇમિગ્રેશન ઍન્ડ કસ્ટમ્સ ઍન્ફોર્સમેન્ટ (આઈસીઈ)એ આવા 14.5 લાખ લોકોની યાદી બહાર પાડી છે. આ લોકોને અમેરિકામાંથી ડિપોર્ટ કરવામાં આવશે, એટલે કે તેમના મૂળ દેશમાં પાછા મોકલવામાં આવશે.

Most Popular

To Top