તમે સાજાનરવા હો અને અચાનક કામ કરતાં કરતાં હાથમાં વાગી જાય કે તમારી સાથે કોઈ અકસ્માત નડે અને થોડા દિવસ માટે તમારું કોઈક એક અંગ કામ કરતું બંધ થઈ જાય ત્યારે જાતે કશું ન કરી શકવાની લાચારીના કારણે કેટલી બધી અકળામણ થાય એ તમે સમજી શકો છો. ત્યારે જરા એ વિચાર કરો કે જ્યારે કોઈ કારણવશ જે પોતાનું કોઈ એક કે વધારે અંગ ગુમાવી ચૂક્યા છે અને આખી જિંદગી આ ખામી સાથે જ વિતાવવી પડે તો રોજિંદા જીવનમાં તેમણે કેટલી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હશે. જો કે આપણે તેમની આ ખામી તો પૂરી ન કરી શકીએ પણ તેમને જે મુશ્કેલીઓ પડી રહી હોય તે અંગે લોકોને જાગૃત કરીને શક્ય એટલી મદદ જરૂર કરી શકીએ છીએ. તો આજે વિકલાંગ દિવસે કેટલીક એવી બાબતો તરફ ધ્યાન દોરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે જેના નિવારણ થકી તેમની જિંદગીમાં થોડો રાહતનો શ્વાસ ભરી શકાય.
કેવા હોવા જોઇએ રેમ્પ?
હાથ કે પગની વિકલાંગતા ધરાવતી વ્યક્તિઓને વ્હીલચેરની જરૂર પડતી હોય છે જેથી એ લઈને તેઓ સરળતાથી કશે પણ અવરજવર કરી શકે. એ માટે રેમ્પની જરૂર પડે છે માટે 1995ના વિકલાંગ ધારા મુજબ વિકલાંગો સરળતાથી આવનજાવન કરી શકે તે માટે કચેરીઓ અને સંસ્થાઓમાં રેમ્પની ઊંચાઈ 1 ફૂટ અને 3 મીટર લંબાઇની જોગવાઈ કરવામાં આવી છે જેથી તેમને ચડવા-ઊતરવામાં મુશ્કેલી ના પડે પરંતુ ઘણી કચેરીઓમાં રેમ્પના નામે ઊંચા ટેકરા ખડકી દીધા હોય છે ત્યારે તેમણે ભારે હાલાકી વેઠવી પડે છે તો વળી કેટલીક જગ્યાએ તો રેમ્પ જ નથી હોતા. આવી પરિસ્થિતિમાં જો કોઈ મુશ્કેલીમાં દેખાય તો તેમની મદદ જરૂર કરો.
સીટમાં એડજસ્ટ થવામાં મુશ્કેલી
દિવ્યાંગો સરળતાથી વાહન ચલાવી શકે એ માટે તેમના વ્હીકલમાં ખાસ જોગવાઈ કરવામાં આવે છે જેથી તેઓ પણ નોર્મલ વ્યક્તિની જેમ જ વાહન હંકારીને પોતાના નિયત સ્થળે પહોંચી શકે પણ જેની પાસે વ્હીકલની સગવડ નથી એવા લોકોએ ફરજિયાત પબ્લિક ટ્રાન્સપોર્ટનો સહારો લેવો પડે છે. બસ કે રિક્ષા જેવાં વાહનોમાં તો કોઈ ખાસ તકલીફ નથી પડતી પણ કેટલાંક વાહનોની ડિઝાઇન એવા પ્રકારની રાખવામાં આવે છે કે પછી તેમાં ફેરફાર કરવામાં આવે છે જેના કારણે તેઓ સરળતાથી તેમાં બેસી નથી શકતા. જ્યારે કેટલીક ઓફિસોમાં પણ ખુરશીની ડિઝાઇનમાં તેઓ ફિટ ન થઈ શકવાને કારણે મુશ્કેલીમાં મુકાય છે. જેથી દરેક સ્થળે તેમની જરૂરતોનું પણ ધ્યાન રાખવામાં આવે તે જરૂરી છે.
જાહેર સગવડોમાં મુશ્કેલી
શરીરમાં કોઈ ખામી હોય તો શું થઈ ગયું, દિવ્યાંગો પણ પોતાની જિંદગી સામાન્ય વ્યક્તિની જેમ જ જીવે છે, બસ તેમને થોડા એડજસ્ટમેન્ટની જરૂર છે માટે બસ કે રેલવેસ્ટેશન, પેટ્રોલપંપ, હોટેલ, રેસ્ટોરન્ટ કે શોપિંગ સેન્ટર વગેરેમાં તેમના માટે અલગ ટોઇલેટ, વ્હીલચેર, રેમ્પ વગેરેની જોગવાઇઓ હોય છે પરંતુ કેટલીક હોટલો, ઓફિસો કે રેસ્ટોરન્ટમાં તેમને આ બધી સગવડ મળતી નથી જેથી આવાં સ્થળોએ તેઓ લઘુતાનો અનુભવ કરે છે માટે આવી સગવડો બાબતે ધ્યાન દોરાય એ જરૂરી છે.
બ્રેઇલ લિપિનો અભાવ
આજે તો કેટલીક દિવ્યાંગ વ્યક્તિઓ સામાન્ય વ્યક્તિઓને પણ શરમાવે એટલા આગળ નીકળી ગયા છે જેથી નોકરી માટે કે અન્ય જરૂરી કામકાજો માટે તેમણે પેપર વર્ક કરવું જરૂરી હોય છે. જો કે આ કામમાં આમ તો ખાસ મુશ્કેલી નથી આવતી પરંતુ જેઓ જોઈ શકતા નથી એવી વ્યક્તિઓ માટે જો જરૂરી દસ્તાવેજો બ્રેઇલલિપિમાં નહીં હોય તો આ કામ તેઓ જાતે કરી શકતા નથી, એવી જ રીતે જે સાંભળી, બોલી કે લખી શકતા નથી તેમને પણ મુશ્કેલી તો પડે જ છે જેથી આવા સંજોગો ન સર્જાય એ માટે આવી જ્ગ્યા પર તેમની મદદ માટે કોઇની હાજરી અનિવાર્ય છે. જો કોઈ ન હોય તો ત્યાં હાજર રહેલી જેતે વ્યક્તિએ એમની મદદ કરીને પોતાની સામાજિક જવાબદારી અદા કરવી જોઈએ.
સહાય યોજનાઓની જાણકારીનો અભાવ
સરકારે તથા કેટલીક સેવાભાવી સંસ્થાઓ દ્વારા વિકલાંગો માટે વિવિધ સહાય યોજનાઓ જાહેર કરવામાં આવી છે જેનો લાભ લેવાથી તેમની કેટલીક મુશ્કેલીઓમાં રાહત મળી શકે એમ છે. જેમ કે જેમના પગ નથી તેઓ માટે જયપુર ફૂટ આશીર્વાદ સમાન હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત વિવિધ પ્રકારની વ્યાવસાયિક કે અંગત લોન, અનામતના લાભો, જાહેર સ્થળે મળતા લાભો વગેરેથી કેટલાક લોકો અજાણ હોય છે જેથી જાણકારીના અભાવે તેઓ આવી સહાયથી વંચિત ન રહે તે માટે પ્રયાસ કરવામાં આવે તથા તેમણે પોતે પણ જાગૃત બનવું જરૂરી છે.
સક્ષમ વાતાવરણ ઊભું કરવું
દિવ્યાંગ વ્યક્તિઓની સમસ્યાનું કાયમી સમાધાન કરવા માટે કોઈ સચોટ પધ્ધતિ નથી પણ તેમની સાથેનો માનવતાપૂર્ણ વ્યવહાર તેમનામાં સકારાત્મક્તા લાવી શકે છે. જેથી તેમને સશક્ત કરવા તરફ ધ્યાન કેન્દ્રિત થાય એ જરૂરી છે. આ માટે આપણે પણ આપણી આસપાસ જરૂરિયાત જણાય તો વિકલાંગ વ્યક્તિને મદદ કરીએ, તેમના તરફ સકારાત્મક વલણ દર્શાવીએ, તેમની ખામીઓને ખૂબીમાં બદલવા માટે પ્રોત્સાહિત કરીએ. દિવ્યાંગ વ્યક્તિઓ પ્રત્યે સમભાવ દર્શાવવો જોઈએ.એ વાત હંમેશાં યાદ રાખો કે આની જગ્યા પર તમે હોત તો…?