Charchapatra

ધાર્મિક સરઘસોવાળા ટ્રાફિકજામ કરે તે કેમ ચાલે?

હમણાં 17 મી ઓગસ્ટની રાત્રે ભારે ટ્રાફિકમાં પોણો કલાક ફસાવું પડ્યું. સરદાર પુલથી ઋષભ ચાર રસ્તા જવાના રસ્તે ગણેશમૂર્તિ આગમનમાં સેંકડો ભક્તોએ રસ્તો રોક્યો હતો. રાત્રે સાડા દશ થયા હતા. ટ્રાફિક પોલીસ તો હોય નહીં અને ટોળાને શિસ્ત નથી હોતી. તેમને ખ્યાલ હોવો જોઈએ કે સેંકડો કાર થંભી ગઈ છે. તેઓ તેમની ભક્તિ બતાવે પણ રસ્તો શું કામ રોકે? વાત એમ હોય છે કે ટોળું હંમેશા ઉન્માદમાં હોય છે. આજકાલ તો ધર્મવાળાને કશું કહેવાતું નથી. ગણેશ સ્થાપના માટે હવે અગાઉથી મૂર્તી લાવવામાં આવે છે ને તેના મોટા સરઘસ નીકળે છે. ચાહે કોઈ પણ ધર્મવાળા હોય. તેઓ પોતાનો ધર્મભાવ ભલે જાળવે, પણ સેંકડોને સંડોવવાનું તેઓ કેવી રીતે કરી શકે? કોઈ નાગરિક ધર્મ ખરો કે નહીં? હવે ગણેશ ચતુર્થી આવી રહી છે. બીજાને અગવડ પડશે તેની ચિંતા વિના શેરીઓમાં ગણપતિ સ્થાપન થશે. હમણાં સુરતના રસ્તાઓ ટ્રાફિકની મોટી સમસ્યાથી પીડાઈ રહ્યા છે તેમાં આ વધારો થશે. પોતાને સંયમ રાખો. રાષ્ટ્રધર્મ કોઈ ‘હર ઘર ત્રિરંગા’અપનાવવાથી નથી આવતો. નાગરિક તરીકેની સમજથી આવે છે.
સુરત     – જે.બી.રાઈડર – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top