આપણા મહાન દેશ ભારતમાં, કુદરતી સ્રોતો, આપણને કેમ ઓછાં પડે છે? પાણી, વીજળી, અનાજ વગેરેની આપણને કેમ અછત વર્તાય છે? પહેરવાનાં કપડાં, ખાવાનું અનાજ, રહેઠાણ માટે છાપરું, બાળકોને શિક્ષણ માટે શાળાઓ વગેરે આપણને કેમ સરળતાથી ઉપલબ્ધ નથી? ૨૦૦-૫૦૦ સરકારી નોકરીઓ માટે ત્રણેક લાખ ગ્રેજયુએટ્સ કેમ ફાંફાં મારે છે? શિક્ષણ મેળવવા માટેના તમામ પ્રકારના ઉપાયો ટાંચા કેમ પડે છે? કોરોના જેવા રોગમાં, હોસ્પિટલો, ખાટલા, ઇંજેકશનો,ઓકસીજનના બાટલા કેમ ઓછા પડયા?! હવે વેકસીનેશન માટે, દેશમાં લાખો લોકો, લાખો માનવકલાક બગાડીને, લાંબી લાઇનો લગાડે છે, છતાં વેકસીન લીધા વગર એમને નિરાશ થઇને ઘરે પાછા કેમ ફરવું પડે છે?! પ્રાઇવેટ સંસ્થાઓ અને નોકરીદાતાઓ, ભણેલા – ગણેલા નોકરીવાંચ્છુઓને, ગરજનો લાભ લઇને, ખૂબ ઓછું વેતન આપીને, એમનું શોષણ કેમ કરે છે?! આવા અને આ પ્રકારના અનેક સવાલો આપણી સામે ઊભા છે. આવું બધું બનવાનું એક અને એક માત્ર કારણ આપણો અમાપ અને બેફામ વસ્તીવધારો છે. આઝાદી વખતે આપણે છત્રીસ કરોડ જેટલા હતા. આજે સિત્તેરેક વર્ષ પછી એકસો ને પાંત્રીસ કરોડને વળોટી ગયા છીએ. ગણી કાઢો, આપણે કેટલા ઘણાં વધી ગયાં?! લોકો પોતાનો સ્વધર્મ સમજીને, પરિવારનિયોજન અપનાવે, એ વર્તમાન ભારતની અનિવાર્ય જરૂરિયાત છે. જો આપણે નાગરિકો અને સરકારો, વસ્તીનિયંત્રણના કાર્યક્રમોમાં ઉદાસીનતા દાખવીશું તો, વૈજ્ઞાનિકોની આગાહીઓ પ્રમાણે ૨૦૫૦ સુધીમાં, આપણે પાણી અને અનાજની અછતથી મરવા માંડીશું. વધતી વસ્તીથી, વધતું હવાનું પ્રદૂષણ, પણ આપણને જીવવા નહિ દે. તેથી કરીને ભારતમાં રહેતા, તમામ ભારતીયોને ઘેર, હવે પછી ‘બે બાળકો બસ’,વાળી ફરજિયાત નીતિનો અમલ થવો ઘટે. સુરત – બાબુભાઇ નાઇ –આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
બે બાળકોથી વધુ કેમ સહેવાય?!
By
Posted on