ધ ઈમિગ્રેશન એન્ડ નેશનાલિટી ઍક્ટ, ૧૯૫૨ની કલમ ૨૦૧ ફેમિલી સ્પોન્સર પ્રેફરન્સ કેટેગરીના પિટિશનો માટે એક વર્ષના કુલ્લે ૨,૨૬,૦૦૦ ઈમિગ્રન્ટ વિઝા ફાળવે છે. આ વિઝા વિશ્વના દરેક દેશને સરખે ભારે વહેંચવામાં આવે છે. એટલે ભારતના ભાગે દર વર્ષે આમાંના ૭ ટકા એટલે કે ૧૫,૮૨૦ વિઝા આવે છે. અમેરિકન સિટિઝનોના અવિવાહિત દીકરા-દીકરીઓના ઈમિગ્રન્ટ વિઝા માટે ફેમિલી સ્પોન્સર ફર્સ્ટ પ્રેફરન્સ કેટેગરી હેઠળ પિટિશન દાખલ કરી શકાય છે. આ કેટેગરી હેઠળ એક વર્ષમાં અપાતા વિઝાની સંખ્યા ૨૩,૪૦૦ છે. ગ્રીનકાર્ડધારકોની પત્ની યા પતિ અને અવિવાહિત એકવીસ વર્ષથી નીચેની વયના બાળકોના ઈમિગ્રન્ટ વિઝા માટે ફેમિલી સ્પોન્સર સેકન્ડ (A) કેટેગરી હેઠળ પિટિશન દાખલ કરી શકાય છે અને એકવીસ વર્ષથી વધુ ઉંમરના અવિવાહિત સંતાનોના ઈમિગ્રન્ટ વિઝા માટે ફેમિલી પ્રેફરન્સ સેકન્ડ (B) કેટેગરી હેઠળ પિટિશન દાખલ કરી શકાય છે.
(A) અને (B) કેટેગરી હેઠળ એક વર્ષના ૧,૧૪,૨૦૦ વિઝા આપવામાં આવે છે. અમેરિકન સિટિઝનોના વિવાહિત સંતાનોના ઈમિગ્રન્ટ વિઝા માટે ફેમિલી સ્પોન્સર થર્ડ પ્રેફરન્સ કેટેગરી હેઠળ પિટિશન દાખલ કરી શકાય છે. એક વર્ષમાં આ કેટેગરી હેઠળ ૨૩,૪૦૦ વિઝા આપવામાં આવે છે. અમેરિકન સિટિઝનના પરદેશી ભાઈ-બહેનોના ઈમિગ્રન્ટ વિઝા માટે ફેમિલી ફોર્થ પ્રેફરન્સ કેટેગરી હેઠળ પિટિશન દાખલ કરી શકાય છે. એમને એક વર્ષમાં આ કેટેગરી હેઠળ ૬૫,૦૦૦ વિઝા આપવામાં આવે છે.
આજે ભારતીયો માટે ફર્સ્ટ પ્રેફરન્સ કેટેગરી હેઠળ ૧૫ મી મે, ૨૦૧૬ પહેલા દાખલ કરાયેલા પિટિશનો હેઠળ વિઝા પ્રાપ્ત થઈ શકે છે. સેકન્ડ(એ) પ્રેફરન્સ કેટેગરી હેઠળ ૧લી જૂન, ૨૦૨૧ પહેલા અને સેકન્ડ (બી) પ્રેફરન્સ કેટેગરી હેઠળ ૨૨મી સપ્ટેમ્બર, ૨૦૧૬ પહેલા દાખલ કરાયેલા પિટિશનો હેઠળ આજે વિઝા પ્રાપ્ત થઈ શકે છે. થર્ડ પ્રેફરન્સ કેટેગરી હેઠળ ૨૨મી ઓગસ્ટ, ૨૦૦૯ પહેલા અને ફોર્થ પ્રેફરન્સ કેટેગરી હેઠળ ૧લી ડિસેમ્બર, ૨૦૦૫ પહેલા દાખલ કરાયેલા પિટિશનો હેઠળ ઈમિગ્રન્ટ વિઝા પ્રાપ્ત થઈ શકે છે.
પિટિશન જે દિવસે દાખલ કરવામાં આવ્યું હોય અને સ્વીકારવામાં આવ્યું હોય એ તારીખને એ પિટિશનની ‘પ્રાયોરીટી ડેટ’ કહેવામાં આવે છે. જે પ્રમાણે પિટિશન દાખલ કરવામાં આવ્યું હોય એ પ્રમાણે વારાફરતી ક્રમબદ્ધ એ પિટિશનને પ્રાયોરીટી ડેટ આપવામાં આવે છે. પિટિશન જેમ જેમ દાખલ કરવામાં આવે તેમ તેમ એને પ્રાયોરીટી ડેટ આપવામાં આવે છે. અમેરિકામાં જુદા જુદા સ્ટેટમાં ઈમિગ્રેશન ઓફિસ આવેલી છે. આમાંની કોઈ ખાસ ઈમિગ્રેશન ઓફિસમાં તમે પિટિશન દાખલ કરો તો તમારી પ્રાયોરીટી ડેટ વહેલી મળે એવું નથી. સમસ્ત અમેરિકામાં કોઈ પણ ઈમિગ્રેશન ખાતાની ઓફિસમાં પિટિશન દાખલ કરવામાં આવે તો ક્રમબદ્ધ એને પ્રાયોરીટી ડેટ આપવામાં આવે છે.
પિટિશન દાખલ કરવામાં આવે એ પિટિશનને સ્વીકારવામાં આવે, એને પ્રાયોરીટી ડેટ આપવામાં આવે ત્યારબાદ જે તે ઈમિગ્રેશન ઓફિસમાં એ પિટિશન દાખલ કરવામાં આવી હોય ત્યાંના ઓફિસરો એની ચકાસણી કરે છે અને બધું વ્યવસ્થિત જણાતા એને અપ્રુવ કરે છે. બે પિટિશનો એક સાથે દાખલ કરવામાં આવી હોય, બન્નેની પછી પ્રાયોરીટી ડેટ એક જ હોય આમ છતાં એમાંનું એક પિટિશન ઘણીવાર વહેલું અપ્રુવ થઈ જાય છે અને બીજા પિટિશનને અપ્રુવ થતા ઘણો સમય લાગે છે. આમ છતાં બન્નેની પ્રાયોરીટી ડેટ એક જ હોવાના કારણે એ બન્ને પિટિશનો જે જુદી જુદી તારીખે એપ્રુવ થયા હોય એની હેઠળ ઈમિગ્રન્ટ વિઝા તો એક જ સમયે મળે છે.
સામાન્ય રીતે જુદી જુદી ચાર ફેમિલી પ્રેફરન્સ કેટેગરી હેઠળ દાખલ કરાતા પિટિશનોને એપ્રુવ થતા દસ-બાર મહિના લાગે છે. પિટિશન એપ્રુવ થાય એટલે અમેરિકામાં આવેલ ઈમિગ્રેશનની ઓફિસ એ પિટિશનની ફાઈલ નેશનલ વિઝા સેન્ટરને પિટિશન કરન્ટ થાય ત્યાં સુધી સાચવી રાખવા માટે મોકલાવે છે. ફાઈલ મળતા નેશનલ વિઝા સેન્ટર પિટિશનરને એક કાગળ લખીને જણાવે છે કે, તમારું પિટિશન એપ્રુવ થયું છે અને એની ફાઈલ અમને મળી છે. તમારા પિટિશન હેઠળ ઈમિગ્રન્ટ વિઝા જ્યારે ઉપલબ્ધ થશે એટલે કે તમારું પિટિશન જ્યારે કરન્ટ થશે ત્યારે અમે તમને એની જાણ કરીશું અને ત્યારબાદ તમારે શું શું કરવું જોઈએ એ અમે તમને જણાવીશું.
ઉપર જણાવ્યા મુજબ ફેમિલી પ્રેફરન્સની ચારમાંથી કોઈ પણ કેટેગરીમાં પિટિશન દાખલ કરવામાં આવી હોય એને પ્રોસેસ થઈને અપ્રુવ થયા બાદ એની હેઠળ વિઝા મળતા વાર લાગે છે. ફોર્થ પ્રેફરન્સ કેટેગરી હેઠળ તો આજે વિઝા મેળવવા માટે ૧૬ વર્ષની વાટ જોવાની રહે છે. મોટાભાગના ફેમિલી પ્રેફરન્સ કેટેગરી હેઠળ જેમના લાભ માટે પિટિશનો દાખલ કરાતા હોય છે એમની શૈક્ષણિક લાયકાતો બહુ ઓછી અથવા તો નહીંવત્ જ હોય છે. એમનામાં અન્ય કોઈ પણ ખાસ લાયકાત નથી હોતી. ફકત કૌટુંબિક સંબંધોના આધારે જ એમને અમેરિકામાં કાયમ રહેવા માટે જવાની તક સાંપડતી હોય છે.
જેમના લાભ માટે ફેમિલી પ્રેફરન્સ કેટેગરી હેઠળ ઈમિગ્રન્ટ વિઝા માટે પિટિશન દાખલ કરવામાં આવી હોય છે એમને એ વાતની જાણ હોય છે કે, વિઝા મેળવવા માટે એમણે લાંબી વાટ જોવાની છે. એમને એ વાતની પણ જાણ હોય છે કે અમેરિકામાં બધો જ વ્યવહાર અંગ્રેજી ભાષામાં થાય છે. આમ છતાં, જેમને અંગ્રેજી ભાષા આવડતી નથી તેઓ, એમના વિઝાની વાટ જોતા હોય એ સમય દરમિયાન અંગ્રેજી ભાષા શીખવાની તસ્દી નથી લેતા.
અનેકોને કાર ચલાવતા આવડતી નથી હોતી. એમને જ્ઞાત હોય છે કે અમેરિકામાં બધા જ સ્થળો એકબીજાથી ખૂબ દૂર દૂર હોય છે અને ડ્રાઇવિંગ આવડવું એ અમેરિકાની જરૂરિયાત છે. આમ છતાં તેઓ પિટિશન કરન્ટ થાય એની વાટ જોતા બેસી રહે છે પણ એ સમય દરમિયાન ડ્રાઈવિંગ શીખતા નથી. ફેમિલી પ્રેફરન્સ કેટેગરી હેઠળના બેનિફિશ્યરીઓ પોતાના દેશમાં કાં તો ખેતીવાડી કરતા હોય છે કાં તો અન્ય કોઈ સામાન્ય કાર્ય કરતા હોય છે. એમનામાં કોઈ ખાસ આવડત નથી હોતી. અમેરિકા જઈને શું કરશે એની એમને ખબર નથી હોતી. તેઓ તો બસ એવું જ વિચારે છે કે, એમના અંગત સગા એમને અમેરિકા બોલાવે છે અને અમેરિકા જઈશું એટલે અમે માલામાલ થઈ જઈશું. એમની આ ભ્રમણા સાવ ખોટી છે.
અમેરિકા એક તક અને છતનો દેશ છે એ વાત સાચી, પણ એ છત તમને ત્યારે જ મળી શકે જ્યારે એ પામવાની તક મેળવવાની તમારામાં લાયકાત હોય અને આ લાયકાત મોટાભાગના ફેમિલી પ્રેફરન્સ કેટેગરી હેઠળ અમેરિકા જતા ભારતીયોમાં નથી હોતી. આથી તેઓ અમેરિકા જાય છે અને ત્યાં પણ ભારતમાં જે સાવ ઓિર્ડનરી કામ કરતા હતા એવું જ કામ કરે છે. એમના પોતાના જ લોકોમાં હળીભળી શકે છે. હા, ભારત કરતાં થોડી વધારે કમાણી કરે છે પણ એકંદરે અમેરિકામાં જે પ્રગતિ છે, જે પૈસા કમાવવાની તકો છે એનો તેઓ સંપૂર્ણ લાભ લઈ નથી શકતા.
ફેમિલી પ્રેફરન્સ કેટેગરી હેઠળ જેમના લાભ માટે ઈમિગ્રન્ટ વિઝાનું પિટિશન દાખલ થયું હોય તેઓ જો પિટિશન કરન્ટ થાય એની હેઠળ ઈમિગ્રન્ટ વિઝા મળે એ સમય દરમિયાન અંગ્રેજી ભાષા શીખે, ડ્રાઈવિંગ શીખે, કોઈ ખાસ આવડત મેળવે. અમેરિકા જઈને તેઓ ત્યાં શું કરશે એ વિચારી રાખે તો એમને અમેરિકાનો ખરો અને પૂરતો લાભ પ્રાપ્ત થશે. બાકી તો તેઓ અહીંયા જેવા છે એવા જ અમેરિકામાં પણ રહેશે. ફકત ગ્રીનકાર્ડધારક હોવું અમેરિકન સિટિઝન બનવું પૂરતું નથી. તમે જો અમેરિકા જાવ તો એ દેશનો પૂરેપૂરો લાભ લઈ શકો, ત્યાં પ્રાપ્ત થતી તકો ઝડપી શકો, તમારી જાતને ઊંચે લાવી શકો એ માટે તૈયારી કરો, જરૂરી ચીજો શીખો.