surat : શહેરમાં ફરીવાર કોરોના ( corona) નું સંક્રમણ વધી રહ્યું છે. ચૂંટણીના કારણે શહેરમાં ચોક્કસ કોરોનાનું સંક્રમણ વધ્યું છે. તંત્ર પણ લાચાર બનીને ચૂંટણી ટાણે કંઈ કરી શક્યું નહીં અને હવે પ્રજા પાસેથી તંત્ર આકરા દંડની વસૂલાત કરી રહ્યું છે. માસ્ક ( mask) નહી પહેરનારાઓ સામે મનપાએ હવે લાલ આંખ કરી છે. અને ચૂંટણી પૂર્ણ થતા જ મનપા દ્વારા આકરા દંડની વસુલાત કરવામાં આવી રહી છે. છેલ્લા 2 દિવસમાં મનપા દ્વારા માસ્ક નહી પહેરનારા પાસેથી રૂા. 4.31 લાખનો દંડ વસુલવામાં આવ્યો હતો. જેના કારણે ઘણા વિસ્તારોમાં પ્રજા પણ ત્રાહિમામ પોકારી ઉઠી છે અને મનપાના અધિકારીઓ સાથે જીભાજોડી કરી રહ્યા હોવાના પણ ઘણા કિસ્સા બની રહ્યા છે. ચૂંટણી સમયે મનપાના અધિકારીઓ કેમ દંડ વસૂલતા નથી અને સામાન્ય પ્રજા પાસેથી કેમ આકરો દંડ વસૂલવામાં આવી રહ્યો છે ?
એટલું જ નહીં મેળાવડા, સામાજિક કાર્યક્રમોમાં લોકો મોટી સંખ્યામાં ભેગા થતાં હોય કોરોનાના સંદિગ્ધો હોય શકે તેથી વધુને વધુ લોકો સંક્રમણનો ભોગ બની શકે છે. તેથી જાહેર સ્થળો પર ભેગા નહી થવા અપીલ કરવામાં આવી છે. 1 હજાર દંડ પેટે વસુલાત કરવામાં આવી રહી છે સાથે શિક્ષાત્મક કાર્યવાહીના ભાગરૂપે પોલીસ ફરીયાદ પણ દાખલ કરાશે.
ગલ્લા પર ભીડ જામતી હોય કાર્યવાહી કરાશે
આરોગ્ય વિભાગે જણાવ્યું હતું કે, જાહેર સ્થાનો પર વધુ લોકો ભેગા થઈ રહ્યાં હોય સંક્રમણનો ખતરો વધી રહ્યો છે. ત્યારે રેસ્ટોરંટોમાં-હોટલોમાં તો પાર્સલ આપવા અંગે સૂચના આપી દેવાઈ છે. પરંતુ ધ્યાને આવ્યું છે કે, પાનના ગલ્લાઓ પર લોકો વધુ ટોળે વળી રહ્યાં છે અને પાન-માવા ખાઈને જ્યાં ત્યાં થૂંકતાં હોય સંક્રમણનો ખતરો છે. તેથી પાનની દૂકાનો-ગલ્લાઓ પર કડક કાર્યવાહી હાથ ધરાશે.
- મનપાની પોલીસ ફરિયાદની ચીમકી
- મનપા દ્વારા ચેતવણી આપવામાં આવી છે કે, જો કોઈ વ્યક્તિ માસ્ક વિના જાહેરમાં ફરતા જોવા મળશે તો તેઓ પાસે સુરત મહાનગરપાલિકા દ્વારા રૂા.1000નો દંડ વસુલ કરવામાં આવશે, તેવાં સાઈનેજીસ અને બોર્ડ પણ લગાડવામાં આવ્યાં છે. મનપા દ્વારા છેલ્લા 2 દિવસમાં કુલ 431 વ્યકિત પાસેથી કુલ રૂ. 4.31 લાખનો દંડ વસૂલવામાં આવ્યો હતો. તેમજ મનપા દ્વારા ચેતવણી પણ આપવામાં આવી છે કે, માસ્ક નહીં પહેરનારા સામે જરૂર પડ્યે તો પોલીસ ફરિયાદ પણ કરવામાં આવશે