જયદીપ અહલાવતનો હમણાં વટ છે. તેની દરેક ફિલ્મો પર પ્રેક્ષકોની નજર રહે છે. ‘પાતાલ લોક’અને ‘ડોગ્સ ઓફ વાસેપૂર’થી તે ચર્ચામાં આવી ગયો અને હવે દરેક ફિલ્મમાં તે ખાસ બની ગયો છે. હમણાં ‘જ્વેલથીફ’માટે તે ચર્ચામાં છે. દરેક પાત્રને ખાસ બનાવતો જયદીપ આ વખતે વજન ઊતારવાના કારણે અને ‘જાદુ’ગીતના ડાન્સ માટે પણ લોકોને ગમ્યો છે. પોતાને મળેલી સફળતાથી તે ખુશ છે ને ઇરફાન ખાન સાથે તુલનાથી જરા નર્વસ પણ છે. એની વે, જયદીપ અહલાવત અત્યારે છે તો સાતમા આસમાને.
પ્ર: હવે તમે તમને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં વધારે સલામત અનુભવો છો?
જયદીપ : એવું કાંઈ નથી બસ, એટલું બન્યું છે કે હવે મારે મને ઓળખાવવો પડતો નથી બાકી દરેક નવી ફિલ્મે અમારી કારકિર્દી આગળ યા પાછળ જાય છે. સલામત આ કાયમી ટર્મ નથી. અસલામતી પણ સારી છે તે તમારી પાસે વધારે સારું કામ કરાવે છે.
પ્ર: તમારું વજન 109.7 કિલો હતું જે ઘટીને 83 કિલો થઈ ગયું. 27 કિલો વજન ઘટાડ્યું કઈ રીતે?
જયદીપ : ડિસિપ્લીન, ફિટનેસ માટે ડેડિકેશન અને સ્ટ્રીક ડાયટ. આ રૂટીન ફોલો કરવાથી વજન ઘટાડી શક્યો છું. મેં ઈન્ટેન્સ વર્કઆઉટ કર્યું છે. સ્ટ્રકચર્ડ હાઈ પ્રોટીન ડાયટ અપનાવ્યું હતું. વજન ઘટાડવા માટે ફક્ત કેલરી ઓછી કરો તો નથી ચાલતું ડાયટ, વ્યાયામ અને માનસિક સ્વાસ્થ્ય પણ જરૂરી છે.
પ્ર : તમે ‘જ્વેલથીફ’માં ડાન્સ પણ કર્યો. ‘જાદુ’ગીતની ચર્ચામાં તમારા ડાન્સ સ્ટેપ છે.
જયદીપ : લોકો આટલી બધી વાત કરે છે પણ ખરેખર તેમાં મારા માટે ખાસ નહોતું. હું હરિયાણાનો છું ને ગુડચડીઝ એટલે કે વરઘોડામા. બહુ નાચ્યો છું. કોરિયોગ્રાફરની મહેનતનું ય પરિણામ છે.
પ્ર: કહેવાય છે કે જે ‘પાતાલલોક’માં જાય તે ઊંચે ન આવી શકે. તમારામાં તેનું ઊંધુ થયું.
જયદીપ : જી, ‘પાતાલલોક’થી જ હું તો ઊંચે આવ્યો. ફિલ્મોમાં મારો સ્વિકાર શરૂ થયો. ‘પાતાલલોક’ની પહેલી સિઝન માટે મને ફક્ત 40 લાખ રૂપિયા મળ્યા છે. સ્ટારવેલ્યુ વધી તેની ખુશી છે.
પ્ર: તમારી તુલના ઈરફાનખાન સાથે થવા લાગી છે તો કેવું લાગે છે?
જયદીપ : આ વિશે હું તો શું બોલું? કોઈ એવું કહેતું હોય તો મારી જવાબદારી વધી જાય છે. કોઈ ઈરફાન સાથે તુલના કરે તો થાય કે આપણું સન્માન કર્યું પણ તેમના પેંગડામા. પગ મુકવો સહેલો નથી અને તેથી મારી મહેનત વધી જાય છે.
પ્ર: તમારી જિંદગી ‘પાતાલલોક’થી બદલાઈ ગઈ છે?
જયદીપ : ના, ના. તમારે ‘ગેંગ્સ ઓફ વાસેપુર’ને પણ યાદ કરવી જોઈએ. એ ફિલ્મ પછી મારા પર ઘણાની નજર પડી. પણ મારે સ્પષ્ટતા કરવી છે કે સ્ટાર તરીકે નહીં એક અભિનેતા તરીકે જ મારે ઓળખ બનાવવી છે. મને જરૂર એવું થાય કે હું જ્યાં પણ જાઉં ત્યાં હજારોની ભીડ મને મળવા આવે.
પ્ર: તમે ‘રાઝી’માં ખાલિફ મીરની ભૂમિકા ભજવેલી. તમને કેવી ભૂમિકા ગમે? ખલનાયકીની અત્યારે વધારે ડિમાંડ છે?
જયદીપ : ખલનાયકની ડિમાંડ તો કાયમ રહેવાની અને અત્યારે તો ઘણા હીરો ખલનાયક બનવા તૈયાર છે. મારી ફિલ્મ કમાન્ડો જેમાં લોકોએ મને ઓળખ્યો એમાં પણ હું વિલન જ હતો. હવે પ્રાણ યા અજિત કે અમરીશ પુરી નથી તેથી વિલનના રોલમાં ગ્લેમર આવી ગયું છે. ‘રાઝી’વખતે મેઘના ગુલઝારે મારી ક્ષમતા પર ભરોસો મુક્યો અને મારે તે પાર પાડવાનો હતો. બાકી હું પોઝિટીવ કે નેગેટીવ ભૂમિકા વિશે વિચારતો નથી. તે તો ચરિત્રની વાત થઈ, અમે એક્ટિંગની વાત કરએ છીએ. શરૂમાં મેં બે નેગેટીવ રોલ કરેલા એટલે મને ટાઈપકાસ્ટ કરી દેવાયેલો. પણ મને ગ્રે શેડવાળા પાત્રો દિલચશ્પ લાગે છે જેમ કે ‘વિશ્વરૂપમ’માં સલીમનું પાત્ર.
પ્ર : ને ‘જ્વેલથીફ’નાં તમારા પાત્ર વિશે શું કહેશો?
જયદીપ : મેં અગાઉ ભજવેલા પાત્રોથી તે જૂદું છે અને મારા પાત્રમાં ઘણા શેડ્સ છે, રહસ્યનાં ઘણા એલીમેન્ટ છે. મને આ પાત્રમાં ઘુસવાની જૂદી મઝા આવી છે.
પ્ર : તમે તો આ ફિલ્મ માટે શરીર પણ બદલ્યું છે.
જયદીપ : (હસીને) ઓહ યસ. પણ ફિઝીકલ ટ્રાન્સફોર્મેશન તો આખી પ્રોસેસનો એક ભાગ જ છે. મારે તેનાથી આગળ જઈ પાત્રને વિચારવાનું હતું. કેરેકટરનું માઈન્ડસેટ સમજવું મારા માટે પ્રથમ હતું અને તેનાથી જ હું મોટીવેટ થયો છું. હું પાત્રને બદલતો નથી, પાત્ર જ મને બદલી નાંખે છે. •

