Business

મહાપુરુષોની જેમ ‘મહાસ્ત્રીઓ’ શબ્દ કેમ વધુ ફેમસ ન થયો હોય ??

આવું મથાળું વાંચીને જ હસવું આવે કાં?? વાંચવામાં જ થોડું અટપટું લાગે ને!! જો કે એમાં એવું છે કે સ્ત્રીઓ(ના સ્વભાવ અને બુદ્ધિ) વિશે આપણને એટલા બધા જોક્સ સાંભળવા મળે છે ને કે એમના વિશે કશીક સારી બાબત આવે તો આપણને જાત વિશ્વાસ નથી બેસતો, શંકાઓ થાય છે કે પછી મનમાં હસવું તો આવી જ જાય છે. આપણે ત્યાં અનેક વીરાંગનાઓ , રણચંડીઓ , નવદુર્ગાઓ જેવાં કે  રાણી લક્ષ્મીબાઈ, મધર ટેરેસા, ઇન્દિરા ગાંધી, કલ્પના ચાવલા ,ગીતા ફોગટ, મેરી કોમ, સુધા મૂર્તિ જેવી અનેક મહાન સ્ત્રીઓ વર્ષોથી ભારતને ગૌરવ અપાવતાં રહ્યાં છે. આજે પણ આપણા ઘરમાં રહેલી ગૃહલક્ષ્મીઓ અને ભાગ્યલક્ષ્મીઓની મહાનતા સહેજ પણ ઓછી આંકી શકાય તેમ નથી.

 ત્રણેક દિવસ પહેલાં અચાનક વિચાર સૂઝ્યો કે મહાપુરુષો શબ્દો આપણી પાસે કેટલાંય સમયથી છે પણ તેની સરખામણીમાં ‘મહાસ્ત્રીઓ’ શબ્દ ફેમસ નથી થયો. અહીં સરખામણી એ વિભૂતિઓ વચ્ચે નથી પણ વાત શબ્દની છે. જેવો આ વિચાર સૂઝ્યો કે ઇન્સ્ટાગ્રામ પાર સ્ટોરી મૂકી ને એમાં ક્વેશ્ચન ટેગ મૂકીને ઓપિનિયન જાણવાનું સૂઝ્યું. ઘણા દોસ્તોના સારા અને નારી સશક્તિકરણના નામે ગલગલિયાં કરાવે એવા જવાબ આવ્યા કે એ પહેલેથી જ મહાન છે વગેરે …વગેરે.. તો વળી એકે તો વિરોધ દર્શાવ્યો કે ધમંડ સ્ત્રીઓ છોડશે ત્યારે કહેવાશે. એક-બે વિચારવંતાઓએ અંગ્રેજીમાં પણ man dominating શબ્દ છે એવો પણ ઉલ્લેખ કર્યો.

વાતનો સાર એ છે કે આજે પણ આપણે આવા કેટલાય શબ્દોની છૂપી ગુલામી કરીએ છીએ. એક બાજુ નારી સશક્તિકરણના નામે આમ કરવું ને તેમ કરવું એવાં બધાં બણગાં ફૂંકવામાં આવે છે અને બીજી બાજુ  રૂઢિચુસ્તતાઓની, જડતાની જાળમાં ફસાઈ ગયેલા અને ‘હા જી’ એવા ને એવા એ શબ્દો આપણી માનસિકતા નથી બદલવા દેતા. અહીં વાત સ્ત્રી સશક્તિકરણ કે કોમ્પિટિશન કે ફેમિનિઝમની છે જ નહિ વાત એ છે કે જ્યાં સુધી એને અનુરૂપ શબ્દોમાં ફેરફાર નહીં થાય ત્યાં સુધી એ જડતાઓ મગજમાંથી નહીં  જાય.કેટલીક માન્યતાઓથી ભલે આપણે દૂર હોઈએ, એના પર મોડર્નિટીનો પડદો  ઢાંકી દીધો હોય પણ જ્યાં સુધી એ શબ્દો જીભેથી નહીં જાય ત્યાં સુધી જહેનમાંથી નહીં જ જાય.

‘સૌનો ઈશ્વર એક છે એના બદલે સૌની ઈશ્વર એક છે’ એવું આપણા મોઢેથી કેમ નથી બોલાતું? ભારતીય સંસ્કૃતિ અને ધર્મે તો શિવશક્તિ સાથે જ આપ્યા છે. આજેય  આપણે પાર્વતીપતિ હર હર મહાદેવ , સિયાવર રામચંદ્ર અને રાધાકૃષ્ણ જ બોલીએ છીએ. આજથી કેટલાંય વર્ષો પહેલાં અમેરિકામાં આ ટોપિક ચર્ચાયેલો કે ‘Why God is he not she ‘. જો કે આ વિવાદ છેલ્લે ફેમિનિઝમ પર જઈને અટકેલો એટલે એની ચર્ચા નહીં  કરીએ પણ આજેય આવા શબ્દો આપણામાં અડીંગો જમાવીને બેસી ગયા છે. એવું કોઈ પુરુષ નથી શીખવતો. જો કે આપણે ત્યાં તો બાળકોને બોલતાં જ મા કરે છે. તો આવા શબ્દોની ઓળખ પણ માએ જ એના સંતાનને કરાવવી પડશે.

 શક્તિને જ સશક્ત કરવાનાં બણગાંઓ ફૂંકવા કરતાં શબ્દોને સશક્ત કરીએ જે આપણી તો ઠીક પણ આવનારી  પેઢીની માનસિકતા સુધારવા અને નિષ્પક્ષતા કરવામાં મદદ કરશે. જો કે આવા બદલાવ સહેલા નથી, કેટલાય દંભીઓને અઢીસો ગ્રામ એસીડીટી થઇ પણ જાય. બટ ધ ટ્રુથ ઇઝ કે અહીં વાત સરખામણીની છે જ નહિ, સ્વતંત્ર અસ્તિત્વની છે.  જો કે એ વાત પણ  સાચી છે કે સ્ત્રીઓએ ક્યારેય આવા શબ્દો માટે ડીમાન્ડ નથી કરી અને કદાચ કરશે પણ નહીં કેમ કે એણે દરેક સ્વરૂપે કંઈ ને કંઈ આપ્યું જ છે.

Most Popular

To Top