26 ઓક્ટોબરે ઇરાન ઉપર સૂર્યનો પ્રકાશ પડે તે પહેલા તો આંખો અંજાઇ જાય તેવી ઇરાનની મિસાઇલ અને ફાયટર જેટોએ તેની ધરતી લાલ કરી નાંખી હતી. આ હુમલામાં ઇઝરાયેલે એ વાતનું ધ્યાન રાખ્યું હતું કે માત્ર સૈન્ય ઠેકાણા જ નસ્ટ થાય. જો કે અડધી દુનિયા ઉઠે તે પહેલા તો ઇઝરાયેલે કહી દીધું કે આ 1 ઓક્ટોબરે ઇરાને કરેલા 200 મિસાઇલ હુમલાનો જવાબ છે. ‘અમારી ઉપર થયેલા હુમલાનો પ્રતિકાર કરવાનો અમને અધિકાર છે’. આ હુમલા પછી અમેરિકા પણ તેના સમર્થનમાં આવી ગયું છે.
હવે જો ઇરાન વળતો પ્રહાર કરે તો યુદ્ધ ફાટી નીકળે તેમ છે અને જો આવું થાય તો દુનિયાના અનેક દેશો પર તેની માઠી અસર પડશે. જેમાંથી ભારત પણ બાકાત નહીં રહે. ભારતની વાત કરીએ તો ઈરાનમાં ચાબહાર બંદરને સામરિક દૃષ્ટિએ ભારત માટે મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. આ બંદરની મદદથી ભારતે અફઘાનિસ્તાન અને મધ્ય-એશિયા સુધી વ્યાપાર કરવા માટે પાકિસ્તાનના રસ્તે નહીં જવું પડે. બંને દેશોએ 2015માં ચાબહારમાં શાહિત બેહેશ્ટી બંદરના વિકાસ માટે પણ હાથ મિલાવ્યા છે. જો ઈરાન અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધ શરૂ થાય છે તો ઈરાનની પ્રાથમિકતા ચાબહાર જેવા પ્રોજેક્ટોથી હટીને ઇઝરાયલ પર હશે અને તેથી આ પ્રકારનાં કામો રોકાઈ જશે.
ચાબહાર એવો પ્રોજેક્ટ છે જેના પર પહેલાં પણ મધ્ય-પૂર્વની જિયોપોલિટિક્સની અસર છે. એવામાં તે પ્રોજેક્ટ લટકી શકે છે. મધ્ય-પૂર્વમાં ભારત ઘણા એવા પ્રોજેક્ટનો ભાગ છે જ્યાં યુદ્ધ શરૂ થાય તો તેનાથી ધ્યાન હટી શકે છે અને તેઓ સમય પર પૂર્ણ ન થઈ શકે તેવી પરિસ્થિતનું નિર્માણ થઈ શકે છે. 2023માં નવી દિલ્હીમાં જી 20 શિખર સંમેલનમાં ભારત મધ્ય-પૂર્વ-યુરોપ આર્થિક કૉરિડોર પરિયોજના પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. જેમાં ભારત, અમેરિકા, સાઉદી અરેબિયા, સંયુક્ત અરબ અમીરાત સાથે-સાથે યુરોપિયસંઘ, ઇટાલી, ફ્રાંસ અને જર્મનીની પણ સામેલ છે.
આ કૉરિડોરનો ઉદ્દેશ એક પરિવહન નેટવર્ક સ્થાપિત કરવાનો છે. જેની મદદથી ભારતનો સામાન ગુજરાતના કંડલાથી યુએઈ, સાઉદી અરેબિયા, ઇઝરાયલ અને ગ્રીસના રસ્તે યુરોપમાં આસાનીથી પહોંચી શકે. યુદ્ધની સ્થિતિમાં સૌથી વધુ નુકસાન ભારત-મધ્યપૂર્વ-યુરોપ આર્થિક કૉરિડોરને થશે કારણકે તેની ટાઇમલાઇન બગડી જશે. આ સિવાય I2C2 જેવા નવાં વ્યાપારિક ગ્રૂપોની મુશ્કેલીઓ પણ વધી શકે છે. જે ગ્રૂપમાં ભારત, ઇઝરાયલ, અમેરિકા અને સંયુક્ત આરબ અમિરાત એક સાથે છે.
ભારત પર આર્થિક અસરોની વાત કરીઓ તો ભારતના લોકો કામની તલાશમાં ખાડીના દેશોમાં જાય છે. ભારતીય વિદેશ મંત્રાલયના આંકડા અનુસાર યુએઈ, ઓમાન, બહરીન, કતાર અને કુવૈતમાં લગભગ 90 લાખ ભારતીયો રહે છે. જેમાં સૌથી વધુ 35 લાખથી વધુ ભારતીયો સંયુક્ત આરબ અમિરાતમાં રહે છે. ત્યાં સાઉદી અરેબિયામાં લગભગ 25 લાખ, કુવૈતમાં 9 લાખ, કતારમાં 8 લાખ, ઓમાનમાં 6.5 લાખ અને બહરીનમાં ત્રણ લાખ કરતા વધુ ભારતીયો રહે છે. જો ઈરાનની વાત કરીએ તો એ સંખ્યા દસ હજાર અને ઇઝરાયલમાં આ સંખ્યા 20 હજાર છે. ત્યાં રહેનારા લોકો ભારતમાં મોટી રકમ મોકલતા હોય છે. ખાડી દેશોની મુદ્રા ભારતના રૂપિયા કરતાં મજબૂત છે. તેનો ફાયદો કામદારોને થાય છે. “ખાડી દેશોમાં રહેનારા ભારતીયો લગભગ લાખો ડૉલર મોકલે છે જેથી ભારતનો વિદેશી મુદ્રાનો ભંડાર મજબૂત થાય છે. જો ઈરાન અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધ થાય તો તેની અસર તેના પર પડશે.”
17મી લોકસભામાં વિદેશ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા રિપોર્ટ અનુસાર આ દેશોમાંથી ડિસેમ્બર 2023 સુધીમાં આ દેશોમાંથી ભારતને 120 અબજ ડૉલર પ્રાપ્ત થયા છે. “લડાઈની સ્થિતિમાં ભારત સામે ખાડીના દેશોમાં રહેતા ભારતીયોને બહાર કાઢવાનો મોટો પડકાર રહેશે. તેમનો દેશમાં પુનર્વસવાટ પણ કરવાનો રહેશે, આ કામ સરળ નથી.” કોઇપણ દેશો વચ્ચે યુદ્ધ થાય તો તેની અસર સમગ્ર દુનિયા ઉપર પડતી હોય છે પરંતુ ઇરાનની અસર ભારત પર ગંભીર રીતે પડે તેમ છે કારણ કે, અહીં તેલના ભંડારો આવેલા છે જેની ખરીદી આડકતરી રીતે ભારત કરે છે. રશિયા ઉપર પ્રતિબંધ હોવા છતાં ભારતે પાછલા બારણેથી તેની પાસે ક્રૂડ ખરીદવાનું ચાલું રાખ્યું હતું જે તેનું ઉદાહરણ છે.