Columns

ઈઝરાયેલને ઈરાન પર વળતો હુમલો કરવામાં આટલો વિલંબ શા કારણે થયો?

ઈઝરાયેલે શનિવારે સવારે ઈરાન પર તેનાં સૈન્ય મથકોને નિશાન બનાવીને મોટો હુમલો કર્યો હતો. મળતી માહિતી મુજબ ઈરાનની રાજધાની તેહરાનમાં વિસ્ફોટનો અવાજ સંભળાયો હતો. ઈઝરાયેલે ઈરાનનાં ૪ શહેરો પર હુમલો કર્યો, જેમાં તેનાં સૈન્ય મથકોને પણ નિશાન બનાવવામાં આવ્યાં હતાં. ઈઝરાયેલનાં ૧૦૦થી વધુ ફાઈટર જેટે એક સાથે આ હુમલો કર્યો હતો. હુમલાને ધ્યાનમાં રાખીને ઈરાને એરપોર્ટ પરથી ફ્લાઈટ્સ પર તાત્કાલિક પ્રતિબંધ મૂક્યો છે.

ઈઝરાયલ ડિફેન્સ ફોર્સે પણ હુમલાને લઈને એક નિવેદન જાહેર કર્યું છે, જેમાં કહેવામાં આવ્યું છે કે તાજેતરના ભૂતકાળમાં ઈરાન અને તેમના પ્રોક્સીઓએ અમારા પર ઘણા હુમલા કર્યા છે. આ અમારો વળતો પ્રહાર છે. આ મહિનાની પહેલી તારીખે ઈરાને ઈઝરાયેલ પર ૧૮૦ બેલેસ્ટિક મિસાઈલો છોડી હતી. આ પછી ઈઝરાયેલે વચન આપ્યું હતું કે તે તેહરાનને જડબાંતોડ જવાબ આપશે, પરંતુ આ વળતો પ્રહાર કરવા માટે તેણે ૨૫ દિવસનો સમય લીધો હતો.

ઈઝરાયેલની જવાબી કાર્યવાહી પહેલાં સવાલો ઊઠી રહ્યા હતા કે શું ઈઝરાયેલ માત્ર નિવેદનબાજી કરીને બેસી રહેશે? શું ઈઝરાયેલ ઈરાનની ધમકીઓથી ડરી ગયું છે? હકીકતમાં અમેરિકા તરફથી ઈરાન પરના હુમલાની યોજનાની માહિતી લીક થઈ હતી. પ્લાન લીક થયા બાદ ઈઝરાયલે જવાબી હુમલો મોકૂફ રાખવો પડ્યો હતો, કારણ કે ઈઝરાયેલ ચિંતિત હતું કે લીક થયેલા દસ્તાવેજોમાં કોઈ ટાર્ગેટનું નામ આપવામાં આવ્યું ન હોવા છતાં આ માહિતી ઈરાનને હુમલાની જાણકારી મેળવવામાં મદદ કરી શકે છે.

દસ્તાવેજો લીક થવાને કારણે કેટલીક વ્યૂહરચના બદલવાને કારણે હુમલામાં વિલંબ થયો હતો. અગાઉ એવી આશંકા હતી કે ઈઝરાયેલ ઈરાનનાં પરમાણુ કેન્દ્રો અને તેલના ભંડારને નિશાન બનાવી શકે છે. અમેરિકાએ આ અંગે વાંધો વ્યક્ત કર્યો ત્યાર બાદ એવું માનવામાં આવતું હતું કે ઈઝરાયેલ માત્ર ઈરાનનાં સૈન્ય લક્ષ્યોને જ નિશાન બનાવશે, પરંતુ ગયા સપ્તાહે ઈઝરાયેલના વડા પ્રધાન નેતન્યાહુના ખાનગી નિવાસસ્થાન પર થયેલા હુમલા બાદ માનવામાં આવી રહ્યું હતું કે ઈઝરાયેલની જવાબી કાર્યવાહી વધુ આક્રમક હશે.

ઈરાન હવે બ્રિક્સ સમૂહનું સભ્ય બની ગયું છે. ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાને રશિયાના કઝાનમાં આયોજીત બ્રિક્સ સમિટમાં ભાગ લીધો હતો. તેઓ રશિયા, ચીન અને ભારત સહિત અનેક દેશોના વડાઓને મળ્યા અને અનેક ક્ષેત્રોમાં સહયોગ વધારવાની ચર્ચા કરી હતી. આ દરમિયાન રશિયા અને ચીને ઈરાન સાથે સંબંધો વધુ ગાઢ બનાવવાનું વચન આપ્યું છે. રશિયાના રાષ્ટ્રપતિ પુતિન અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે બ્રિક્સની બાજુમાં ઈરાનના રાષ્ટ્રપતિ સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી. બંને દેશોએ તેહરાન સાથેના તેમના સંબંધો પશ્ચિમી પ્રભાવને ઘટાડવા અને બહુધ્રુવીય વિશ્વને પ્રોત્સાહન આપવાના પ્રયાસોની આસપાસ ઘડ્યા છે.

રશિયા અને ચીને અમેરિકાની આગેવાની હેઠળની વૈશ્વિક વ્યવસ્થાને સંયુક્ત રીતે પડકારવા માટે ઈરાન સાથેના સંબંધોને ગાઢ બનાવવાનું વચન આપ્યું હતું. બ્રિક્સમાં રશિયા અને ચીન તરફથી મળેલા પ્રતિસાદ બાદ ઈરાનનો ઉત્સાહ આસમાને છે. એક તરફ ઈરાન ઈઝરાયલ સાથે યુદ્ધ ન કરવું પડે તે માટે પૂરા પ્રયાસ કરી રહ્યું છે તો બીજી તરફ ઈઝરાયેલને ધમકીઓ પણ આપી રહ્યું છે. ઈરાનના IRGC ચીફ કમાન્ડર હોસેન સલામીએ ઈઝરાયલને ચેતવણી આપી હતી કે જમીનનો એક નાનો હિસ્સો ધરાવતા ઈઝરાયેલની અર્થવ્યવસ્થા સમુદ્ર પર નિર્ભર છે, માટે તેણે વધુ કાળજીપૂર્વક વિચારવું જોઈએ. ઈરાન સામે હુમલાનો કોઈ પણ અતાર્કિક નિર્ણય ઈઝરાયેલનું પતન નોંતરશે.

IRGC ચીફે ઈઝરાયેલમાં અમેરિકન મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ THAADની તૈનાતીનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે ઇઝરાયલે THAAD પર નિર્ભર ન રહેવું જોઈએ, કારણ કે તે નિષ્ફળ સાબિત થશે. IRGCના કમાન્ડર ઇન ચીફે કહ્યું કે જો ગ્રાઉન્ડ ઓપરેશન શરૂ કરવામાં આવે તો શું તેઓ અમારા ઓપરેશન બૈત-અલ-મુકદ્દાસના સ્કેલ સુધી ટકી શકશે? કમાન્ડર હોસેન સલામીએ ૧૯૮૨માં ઈરાન-ઈરાક યુદ્ધ દરમિયાન ઈરાની આક્રમણનો ઉલ્લેખ કર્યો હતો.

અમેરિકાએ કહ્યું છે કે ઈરાન પર ઈઝરાયેલના હુમલાને કારણે સ્કોર સેટલ થઈ ગયો છે અને હવે બંને દુશ્મન દેશો વચ્ચે સીધો સૈન્ય હુમલો બંધ થવો જોઈએ. અમેરિકાએ હવે ઈરાનને ચેતવણી આપી છે કે જો તે ઈઝરાયેલ સામે બદલો લેશે તો તેનાં પરિણામોનો સામનો કરવો પડશે. વ્હાઇટ હાઉસના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે તેમનું વહીવટીતંત્ર માને છે કે ઇઝરાયેલી લશ્કરી ઝુંબેશને પગલે બંને દેશો વચ્ચેના સીધા સૈન્ય હુમલાઓ બંધ થવા જોઈએ. તેમણે જણાવ્યું કે અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેનને તેમના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવાન દ્વારા શુક્રવારે દિવસભરના ઓપરેશનની જાણકારી આપવામાં આવી હતી. અમેરિકા દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે ઈરાન પરના આ હવાઈ હુમલામાં અમેરિકાની કોઈ સંડોવણી નથી.

ઈરાની મિડિયાએ ઈઝરાયેલના હુમલાની પુષ્ટિ કરી છે અને કહ્યું છે કે હુમલામાં પરમાણુ સ્થળોને નિશાન બનાવવામાં આવ્યાં નથી. માત્ર સૈન્ય મથકોને નિશાન બનાવવામાં આવ્યાં છે. તેહરાનમાં જોરદાર વિસ્ફોટો સંભળાયા છે. ઈઝરાયેલે એક સાથે અનેક ટાર્ગેટ પર હુમલો કર્યો છે. ઈઝરાયેલના સંરક્ષણ દળે હુમલાની પુષ્ટિ કરતાં કહ્યું છે કે ઈરાન દ્વારા ઈઝરાયલ વિરુદ્ધ મહિનાઓ સુધી સતત થઈ રહેલા હુમલાના જવાબમાં ઈઝરાયેલની સેના ઈરાનનાં સૈન્ય લક્ષ્યો પર હુમલો કરી રહી છે. ઇઝરાયેલ તરફથી કહેવામાં આવ્યું હતું કે વિશ્વના દરેક સાર્વભૌમ દેશની જેમ ઇઝરાયેલ પાસે હુમલાનો જવાબ આપવાનો અધિકાર છે. અમારી રક્ષણાત્મક તથા આક્રમક ક્ષમતાઓ સંપૂર્ણ રીતે કાર્યરત છે. અમે ઇઝરાયલનાં લોકોના રક્ષણ માટે જે જરૂરી હશે તે કરીશું.

આઈડીએફના પ્રવક્તા રીઅર એડમિરલ ડેનિયલ હગારીએ જણાવ્યું હતું કે વળતો હુમલો પૂર્ણ થઈ ગયો છે અને તેના ઉદ્દેશો પણ સિદ્ધ થઈ ગયા છે. હગારીએ જણાવ્યું હતું કે IDFએ ઈરાની મિસાઈલ મેન્યુફેક્ચરિંગ સાઇટ્સ અને એર ડિફેન્સ બેટરીને નિશાન બનાવી હતી. આ સાથે તેણે ઈરાનને ચેતવણી આપી છે કે તે ફરીથી આવી ભૂલ ન કરે. ઈરાને ઈઝરાયેલ પર બે વખત હુમલો કર્યો અને તેની કિંમત ચૂકવવી પડી છે. અમે ગાઝા પટ્ટી અને લેબનોનમાં અમારા યુદ્ધના ઉદ્દેશો પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ. ઇઝરાયેલી સૈન્યે આ લક્ષ્યોને પસંદ કર્યાં છે. તેમણે ઈરાનને ચેતવણી આપી હતી કે જો તે ફરીથી ભૂલ કરશે તો બાકીનાં લક્ષ્યોને નિશાન બનાવવામાં આવશે.

અમેરિકાએ પણ ઈરાનને ચેતવણી આપી છે કે જો તે ઈઝરાયેલ સામે બદલો લેશે તો તેનાં પરિણામો ભોગવવાં પડશે. ઈરાની સૈન્યે જણાવ્યું હતું કે ઇઝરાયેલે તેના ઇલામ, ખુઝેસ્તાન અને તેહરાન પ્રાંતમાં લશ્કરી લક્ષ્યોને નિશાન બનાવીને હવાઈ હુમલા કર્યા હતા, જેના કારણે મર્યાદિત નુકસાન થયું હતું. ઈરાનનાં સશસ્ત્ર દળોનું આ નિવેદન સરકારી ટેલિવિઝન ચેનલ પર વાંચવામાં આવ્યું હતું, પરંતુ આ દરમિયાન હુમલામાં થયેલા નુકસાનને લગતી કોઈ તસવીરો બતાવવામાં આવી ન હતી.

ઈરાની સૈન્યે દાવો કર્યો હતો કે તેની હવાઈ સંરક્ષણ પ્રણાલીએ હુમલાને કારણે થયેલા નુકસાનને મર્યાદિત કર્યું છે. જો કે તેણે કોઈ વધારાના પુરાવા આપ્યા નથી. ઈરાન પર ઈઝરાયેલના હુમલા બાદ ઈરાની લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. વાસ્તવમાં ઈઝરાયેલે માત્ર સૈન્ય લક્ષ્યોને જ નિશાન બનાવ્યાં છે, જેના કારણે સામાન્ય વિસ્તારોમાં વધુ નુકસાન થયું નથી. અગાઉ તેમને ડર હતો કે ઈઝરાયેલ ઈરાનમાં મોટો હુમલો કરી શકે છે, જે વ્યાપક વિનાશનું કારણ બનશે. એનબીસીએ એક ઇઝરાયલી અધિકારીને ટાંકીને જણાવ્યું હતું કે ઇઝરાયલે ઇરાનની પરમાણુ સાઇટ્સ અથવા તેલ સુવિધાઓ પર હુમલો કર્યો નથી.

Most Popular

To Top