હિમાચલ પ્રદેશ એવું રાજ્ય છે કે, જે માત્ર અને માત્ર ફરવાના સ્થળ તરીકે જાણીતું છે. તેનું કુદરતી સૌંદર્ય જોવા માટે દેશ વિદેશથી લોકો આવે છે. સૌથી શાંતિપ્રિય ગણાતા બૌદ્ધ ધર્મના વડાં દલાઇ લામા પણ હિમાચલ પ્રદેશના ધર્મશાળામાં જ રહે છે. છેલ્લા કેટલાક વર્ષથી અહીંના કેટલાક સ્થાનો તેના સફરજન માટે પણ જાણીતા થઇ રહ્યાં છે. અહીં ધાર્મિક તણાવ સર્જાય તેવું કોઇ ક્યારેય વિચારી શકે નહીં. પરંતુ છેલ્લા કેટલાક દિવસથી અહીં હિન્દુઓ રસ્તા ઉપર ઉતરી આવ્યા છે આ વાત અહીં આવેલા એક સંજૌલી ગામ પૂરતું સિમિત હોય તો તે સમજી શકાય તેમ હતું પરંતુ હવે તો આ આગ મંડી સુધી પહોંચી ગઇ છે.
હિમાચલ પ્રદેશના શિમલામાં સંજૌલી મસ્જિદ વિશે વિવાદ યથાવત છે. પહાડી રાજ્યના ઈતિહાસમાં પહેલીવાર સાંપ્રદાયિક તણાવનો માહોલ જોવા મળ્યો છે. આખરે આ સમગ્ર વિવાદ શું છે, કેમ અને કેવી રીતે શરૂ થયો, શું માંગ કરવામાં આવી રહી છે? આ સમગ્ર વિવાદની શરૂઆત મસ્જિદ વિસ્તારથી 8 કિમી દૂર મલયાના ગામમાં થયેલા ઝઘડાથી થઈ હતી, હકીકતમાં 31 ઓગસ્ટના રોજ એક સ્થાનિક દુકાનદાર વિક્રમ સિંહનો વાળંદની દુકાનના માલિક ગુલનવાઝ સાથે ઝઘડો થયો હતો. પોલીસે વિક્રમ પર હુમલો કરવા બદલ ગુલનવાઝ અને બે સગીર સહિત છ લોકોની અટકાયત કરી હતી, પરંતુ આરોપીઓએ મસ્જિદમાં આશરો લીધો હોવાના આક્ષેપો સામે આવ્યા બાદ મામલો વકર્યો હતો.
આ સમગ્ર ઘટનામાં સંજૌલીની એક સિવિલ સોસાયટીના અધિકારી વિકાસ થાપતા કહે છે, “મુસ્લિમો સદીઓથી અહીં રહે છે. પહેલાં પણ ઝઘડા થતા હતા, પરંતુ હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. ગુલનવાઝ શિમલાનો નથી, તે ઘણા સમય પહેલા અહીં આવ્યો હતો અને તેણે એક હિન્દુ મહિલા સાથે લગ્ન કર્યા હતા. અને 10 વર્ષમાં, તેણે વધુ ત્રણ દુકાનો ખરીદી, જે બધી તેના મિત્રો દ્વારા ચલાવવામાં આવે છે. તણાવનું કારણ એ હતું કે એવા સમાચાર આવ્યા હતા કે વિક્રમ પર હુમલો કર્યા બાદ કેટલાક આરોપીઓએ તે મસ્જિદમાં આશરો લીધો હતો. વિકાસ થાપ્તા પણ એ લોકોમાં સામેલ છે જેમણે મસ્જિદને તોડી પાડવાની માંગ કરી હતી.
સ્થાનિક દુકાનદારો જણાવે છે કે, ખબર નથી કે આ મામલો મસ્જિદ સુધી કેવી રીતે પહોંચ્યો. સાચું કહું તો મને ખબર નથી કે આ મામલો સંજૌલી મસ્જિદ સુધી કેવી રીતે પહોંચ્યો. રાત્રે 9.15 વાગ્યે સંજોલીના હિન્દુ દુકાનદાર ઉપર ગુલનવાઝ નામનો અન્ય પ્રદેશમાંથી આવેલા ગુલનવાઝ નામના વેપારીને કૃણાલ નામના દુકાનદારે દુર્વ્યવહાર કરવાની ના પાડતા ઝગડો શરૂ થયો હતો. જેથી તેણે સ્થાનિક યશપાલ શર્મા સહિત તેના સાથી દુકાનદારોને બોલાવ્યા, જેમને માથાના ભાગે લોખંડના સળિયાથી મારવામાં આવ્યો હતો.
યશપાલ શર્મા શિમલામાં વેપારીઓની એક સંસ્થા વ્યાપર મંડળના સભ્ય છે. તે જ રાત્રે એક હુમલાખોરની ધરપકડ કરવામાં આવી હતી અને બાકીનાએ બીજા જ દિવસે આત્મસમર્પણ કર્યું હતું. આ હુમલો કર્યા બાદ તમામ મસ્જિદમાં છૂપાયા હોવાની વાત બહાર આવી હતી. સંજૌલી મસ્જિદની આસપાસ પ્રથમ વિરોધ ૩ સપ્ટેમ્બરના રોજ થયો હતો. એટલે કે હુમલાના બે દિવસ બાદ. આ મામલો ત્યારે ચર્ચામાં આવ્યો જ્યારે ચોમાસુ સત્ર દરમિયાન ચોપાલથી ભાજપના ધારાસભ્ય બલબીર સિંહ વર્માએ વિધાનસભામાં નિયમ 62 હેઠળ આ વિસ્તારમાં સાંપ્રદાયિક તણાવને ચર્ચાનો વિષય ગણાવ્યો હતો.
જો કે આ મામલો ભાજપના ધારાસભ્ય દ્વારા સૂચિબદ્ધ કરવામાં આવ્યો હતો, પરંતુ કોંગ્રેસના પ્રધાન અનિરુદ્ધસિંહે રાજ્યના લોકોના અધિકારોની રક્ષા કરવાની જરૂરિયાત વિશે બોલવાનું શરૂ કર્યું હતું. વિધાનસભામાં તાળીઓ પાડનારા ધારાસભ્યોમાં ભાજપના ધારાસભ્યો પણ સામેલ હતા. મંત્રી અનિરુદ્ધ સિંહે કહ્યું કે, અન્ય રાજ્યોમાંથી આવતા લોકોના રજિસ્ટ્રેશનની વ્યવસ્થા કરવામાં આવે અને તેમણે કહ્યું કે જો મસ્જિદ ગેરકાયદેસર સાબિત થશે તો તેને તોડી પાડવામાં આવશે. આ મસ્જિદ ગેરકાયદે હોવાનું કહીને તેને તોડી પાડવા માટે હિન્દુ સંગઠનો અને હજારો સ્થાનિકો આગળ વધી રહ્યાં હતા ત્યારે પોલીસે તેમના ઉપર લાઠી ચાર્જ કરતાં વિવાદ વધુ વિકર્યો હતો.
હજી આ વિવાદ શમ્યો નથી ત્યાં હવે આ આગ મંડી સુધી પહોંચી છે. હવે મંડીમાં પણ એક મસ્જિદને તોડી પાડવાની માંગ ઉઠી છે અને અહીં પણ હજારો લોકો રસ્તા ઉપર ઉતર્યા હતાં. શિમલાની વાત કરીએ તો તેમનું કહેવું છે કે, પહેલા અહીં માત્ર 190 મુસ્લિમ હતાં જે સંખ્યા વધીને 2000 સુધી પહોંચી ગઇ છે. જેમાં કેટલાંક રોહિંગ્યા અથવા તો કેટલાક બાંગ્લાદેશી પણ હોય શકે છે. પરંતુ ગણતરીના દિવસોમાં જ અહીં કોમી એખલાસ કોમી તણાવમાં કેવી રીતે ફેલાયો તે ખૂબ જ શંકાસ્પદ છે.