Business

હજુ રામમંદિર ખુલ્લુ પણ મુકાયું નથી ને મહિને દોઢ કરોડનું દાન આવી રહ્યું છે

ભારતની જ્યારે પણ વાત આવે ત્યાર ભગવાન રામ અવશ્ય યાદ આવે છે. અયોધ્યામાં ભગવાન શ્રી રામનો જન્મ થયો હતો અને તેમના મંદિર માટે ભારતમાં સૌથી મોટુ આંદોલન ચાલ્યું હતું. આ એક એવું આંદોલન હતું જેણે ભારતમાં ધાર્મિક નહીં પરંતુ રાજકીય ગતિવિધી પણ બદલી નાંખી છે. એક તરફ અયોધ્યામાં ઝડપભેર નવુ રામ મંદિર બની રહ્યુ છે અને બીજી તરફ રામ લલાના દર્શન કરવા માટે પહોંચી રહેલા ભાવિકોની સંખ્યામાં પણ ભારે વધારો થઈ રહ્યો છે.મંદિર ટ્રસ્ટનુ કહેવુ છે કે, 2024ની મકર સંક્રાંતિએ રામ લલા નવા મંદિરમાં બીરાજમાન થઈ જશે.

બીજી તરફ ભાવિકો રામલલાની દાનપેટીમાં દીલ ખોલીને દાન આપી રહ્યા છે.એક અંદાજ પ્રમાણે દાનપેટીમાં રોજ દોઢ કરોડ રુપિયા કરતા વધારે દાન આવી રહ્યુ છે.ટ્રસ્ટ કાર્યાલયના કહેવા પ્રમાણે એક વર્ષમાં રોજ 15 થી 20 કરોડ રુપિયા દાન પેટીમાં ઠલવાઈ રહ્યા છે અથવા દાન પેટે કાર્યાલયમાં આવી રહ્યા છે.ભાવિકોની સંખ્યા વધી રહી હોવાથી દર્શનનો સમય પણ દોઢ કલાક વધારવામાં આવ્યો છે.લોકો ઉત્સાહપૂર્વક રામલલા માટે દાન કરી રહ્યા છે.અત્યાર સુધીમાં 50 ટકા મંદિર બાંધકામ પુરુ થઈ ગયુ હોવાથી ભાવિકોમાં પણ મંદિર જોવાની આતુરરતા છે.લોકોને રામલલાની આરતીમાં સામેલ કરવા માટે હવે પાસ સિસ્ટમ શરુ કરાઈ છે.લોકો માટે દાન આપવાનીકોઈ લિમિટ રાખવામાં આવી નથી.

અયોધ્યા માં ભગવાન રામની જન્મભૂમિ પર રામમંદિર નિર્માણ માટે ભંડોળ એકત્રિત કરવા માટે ચલાવાયેલું અભિયાન ‘રામમંદિર નિધિ સમર્પણ’ અભિયાન 45 દિવસ ચાલ્યું હતું. શનિવારે આ અભિયાન પૂર્ણ થતાં રૂ. 2100 કરોડનું ફંડ એકત્રિત થયું હતું.આ અભિયાન ગત મકરસંક્રાંતિથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ચલાવાયું હતું. જે બાદ કેન્દ્રીય કાર્યકારી અધ્યક્ષ અને અભિયાનના રાષ્ટ્રીય સંયોજક એડવોકેટ આલોક કુમારે આપનારા લોકોનો આભાર વ્યક્ત કર્યો છે .વિશ્વના આ સૌથી મોટા અભિયાનમાં ચાલીસ લાખ સમર્પિત કાર્યકાર્તાઓએ 10 લાખ ટીમો બનાવીને રાજ્યોમાં શહેરો, નગરો, જિલ્લાઓ, તાલુકાઓ અને ગામોમાં ભંડોળ પ્રાપ્ત કરવા માટે ઘરે-ઘરે ગયા અને ભંડોળ એકત્રિત કર્યું.

સાથે જ લોકોએ પણ ભગવાન રામ પ્રત્યે દર્શાવેલી ભક્તિ, શ્રદ્ધા અને સમર્પણ આત્માને ઉત્તેજીત કરનારા હતા. ગામડા અને શહેરોના કરોડો હિન્દૂ પરિવારો આ અભિયાન સાથે જોડાયેલા હતા. તેમને ઉમેર્યું કે, આ અભિયાન દરમિયાન કાર્યકર્તાઓએ ઘણા લોકોને પોતાની ક્ષમતાથી વધુ યોગદાન આપતા જોયા છે.તેમણે પોતાના નિવેદનમાં કહ્યું કે, આ અભિયાનમાં દેશના પ્રથમ નાગરિક એટલે કે રાષ્ટ્રપતિથી લઈને ફૂટપાથ પર સૂતા વ્યક્તિઓએ પોતાની આવકમાંથી યોગદાન આપી પોતાને ભગવાન રામ સાથે જોડી લીધા છે. ઉલ્લેખનીય છે કે, આ અભિયાનના શરૂઆતમાં 1100 કરોડનું ભંડોળ એકત્રિત થવાનું અનુમાન હતું. પરંતુ લોકોના અભૂતપૂર્વ યોગદાનથી 1000 કરોડ વધુ ભંડોળ એકત્રિત થયું છે.

અત્રે ભવ્ય રામમંદિરના બાંધકામનો ખર્ચ આશરે રૂ. 1,800 કરોડનો અંદાજવામાં આવ્યો છે, પણ એ વધી જવાની સંભાવના છે. મંદિરની સંચાલક સંસ્થા શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની અગાઉ મળેલી બેઠકમાં ખર્ચ વધી જવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી. ટ્રસ્ટે ભગવાન શ્રીરામની મૂર્તિના નિર્માણ માટે સફેદ આરસપહાણ નો ઉપયોગ કરવાનું પણ નક્કી કર્યું છે. મંદિરમાં રામાયણ યુગના અન્ય દેવી-દેવતાઓની પણ મૂર્તિ રાખવામાં આવશે. મંદિરનું બાંધકામ 2023ના ડિસેમ્બરમાં પૂરું થવાની ધારણા છે. ત્યારબાદ 2024ના જાન્યુઆરીમાં મકર સંક્રાંતિના ઉત્સવના દિવસે ભગવાન રામની મૂર્તિનું ગર્ભગૃહમાં સ્થાપન કરવામાં આવશે.

અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ તીર્થ ટ્રસ્ટમાં દાન કરનારા માટે ઈનકમ ટેક્સમાં છૂટ આપવાનું નક્કી કરાયું છે. આ છૂટ શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટમાં દાન આપવાથી મળી રહી છે. મંદિર નિર્માણ માટે શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ બનાવવામાં આવ્યું છે. ટ્રસ્ટની મદદથી તમામ દાન લેવામાં આવી રહ્યા છે. નાણાંકીય વર્ષ 2020-21 માટે સરકારે અહીં ડોનેશન આપનારાને ટેક્સમાંથી છૂટ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. રામ મંદિર માટે ટ્રસ્ટમાં દાન કરનાર વ્યક્તિને 50 ટકા સુધીનું ટેક્સ ડિડક્શન આપવામાં આવી રહ્યું છે.

ટ્રસ્ટની આવકને પહેલાંથી જ ઈનકમ ટેક્સ એક્ટના સેક્શન 11 અને 12ના આધારે છૂટ આપવામાં આવી રહી છે .આ છૂટ અન્ય નક્કી ધાર્મિક ટ્રસ્ટોના જેવી જ છે. જોકે, દાન આપનાર માટે રસીદ લેવી ફરજિયાત કરાયું છે . આ રસીદમાં ટ્રસ્ટનું નામ, સરનામું, પાન નંબર, દાન આપનારનું નામ, દાનની રકમ હોવી જરૂરી છે. જેના આધારે જે તે વ્યક્તિને ટેક્સમાંથી છૂટ આપવામાં આવશે. નાણામંત્રાલય અનુસાર આ નિયમ ઈનકમ ટેક્સ નિયમ 1961ની કલમ 80 જીના આધારે લેવાયો છે.આ નિયમમાં કોઈ પણ વ્યક્તિ, એચયૂએફ કે કંપની કોઈ ફંડ કે ચેરિટેબલ સંસ્થાને આપવામાં આવેલા દાન પર ટેક્સ છૂટ લઈ શકે છે. દાન કરવામાં શરતોનું ધ્યાન રાખવાનું રહેશે. આ યોગદાન ચેક, કેશ બંને રીતે કરી શકાશે.

Most Popular

To Top