Columns

ભારતમાં વૃદ્ધાશ્રમોની સંખ્યા કેમ વધી રહી છે?

વિદેશમાં સ્થાયી થયેલા ભારતીય યુગલને જ્યારે બાળકો થાય છે ત્યારે તેમને દેશમાં રહેતાં પોતાનાં માબાપ યાદ આવે છે. માબાપનો ઉપયોગ તેઓ બેબીસીટર તરીકે કરે છે. બાળકો સ્કૂલે જતાં થાય ત્યારે તેઓ માબાપને પાછા દેશમાં મોકલી દે છે. માબાપના મરણ વખતે પણ તેમને દેશમાં આવવાની ફુરસદ હોતી નથી. આપણા દેશમાં મધર્સ ડે અને ફાધર્સ ડેની ઉજવણી પશ્ચિમી સંસ્કૃતિની નકલના રૂપમાં આવી છે. પશ્ચિમના દેશોમાં સંતાનો મોટાં થાય ત્યારે માતાપિતાને ગોલ્ડન હોમમાં મોકલી દે છે. પછી મધર્સ ડે કે ફાધર્સ ડેના દિવસે તેમને મળવા જાય છે. ભારતનાં સંતાનો તો વર્ષના 365 દિવસ માતાપિતાની સેવા કરતાં હતાં, માટે તેમને ફાધર્સ ડે કે મધર્સ ડેની જરૂર પડતી નહોતી. પશ્ચિમી સંસ્કૃતિની નકલ કરવા જતાં આપણે સંયુક્ત કુટુંબની પ્રથાને તિલાંજલિ આપીને વિભક્ત કુટુંબની પ્રથા અપનાવી ત્યારથી આપણને પણ ફાધર્સ ડે અને મધર્સ ડેની જરૂર પડવા લાગી છે.

એક સમય હતો જ્યારે ભારતનાં બાળકોને ગળથૂથીમાં જ રામાયણ અને મહાભારતના પાઠો ભણાવવામાં આવતા હતા, જેમાં પિતૃભક્ત શ્રીરામની કે પ્રહલાદની કથા આવતી હતી. પોતાના વૃદ્ધ માતાપિતાને કાવડમાં ચાર ધામની યાત્રા કરાવતો શ્રવણ ભારતનાં બાળકોનો આદર્શ હતો. પાઠ્યપુસ્તકોમાં પણ ‘ભૂલો ભલે બીજું બધું, માબાપને ભૂલશો નહીં’ જેવી કવિતાઓ ભણાવવામાં આવતી હતી. નવી પેઢીએ માતૃભાષામાં ભણવાનું બંધ કર્યું તેની સાથે આ બધા આદર્શો તેમનાથી દૂર થઇ ગયા. તેનું સ્થાન ‘હિકરી ડિકરી ડોક’ જેવી અર્થહીન રાઇમે લીધું. આજના શિક્ષણમાં ક્યાંય બાળકોને માતાપિતાના ઉપકારનો મહિમા સમજાવતા પાઠો ભણાવવામાં આવતા નથી. પરિણામે આજનાં બાળકો માતાપિતાની ગરજ પૂરી થઇ કે તરત જ તેમને વૃદ્ધાશ્રમમાં ધકેલી દેતાં થઇ ગયાં છે.

થોડા સમય પહેલાં આ લખનારે વલસાડ નજીક આવેલા એક વૃદ્ધાશ્રમની મુલાકાત લીધી ત્યારે જોયું કે ગુજરાતની એક મેટ્રોપોલિટન કોર્ટના મેજિસ્ટ્રેટ પોતાના સગા બાપને આ વૃદ્ધાશ્રમમાં મૂકી ગયા છે. આ સાહેબની પત્નીને પોતાના સસરા સાથે ફાવતું નહોતું. તેણે જિદ્દ પકડી કે ઘરમાં ક્યાં તો સસરા રહેશે; ક્યાં હું રહીશ. પત્નીની જિદ્દ આગળ લાચાર થઇ ગયેલા મેજિસ્ટ્રેટ સાહેબ લાચારીવશ પોતાના પિતાને વૃદ્ધાશ્રમમાં મૂકી આવ્યા હતા. આ વૃદ્ધાશ્રમમાં જેટલા પિતાઓ હતા તે તમામનાં સંતાનો ઉચ્ચ શિક્ષણ લેનારા શ્રીમંતો હતા. અભણ અને ગરીબ સંતાનો માબાપોને પોતાની સાથે જ રાખતા હોય છે.

દિલ્હીના રંગપુરી વિસ્તારમાં આવેલા ગોલ્ડન હોમમાં 175 પિતાઓ મરવાના વાંકે પોતાની જિંદગીના અંતિમ દિવસો હાડમારીમાં ગુજારે છે. ફાધર્સ ડેને દિવસે બહુ ઓછાં સંતાનો પોતાના પિતાને મળવા આવ્યા હતા. આ વૃદ્ધાશ્રમમાં એન્જિનિયરો, વકીલો અને રિટાયર્ડ સરકારી ઓફિસરો પણ એકલતામાં પોતાની જિંદગી ગુજારી રહ્યા છે. 74 વર્ષના હંસરાજ વૈદને તેમના પુત્રે 3 વર્ષ પહેલાં ઘરમાંથી કાઢી મૂક્યા હતા. હંસરાજ વૈદે પોતાની ઓટો રિક્ષાને જ પોતાનું ઘર બનાવ્યું હતું. પોતાના ઘરની બહાર પાર્ક કરેલી રિક્ષામાં જ તેઓ રહેવા લાગ્યા હતા. ટ્રાફિક પોલીસના ખ્યાલમાં આ વાત આવતાં તેઓ તેમની રિક્ષા ટો કરીને લઇ ગયા હતા. હંસરાજ વૈદનો દીકરો તેમને વૃદ્ધાશ્રમમાં મૂકી ગયો હતો. હંસરાજ કહે છે કે દીકરો નાનો હતો ત્યારે તેને કોઇ તકલીફ ન પડે તે માટે તેઓ રાતોની રાતો ઉજાગરા કરતા હતા. હવે તેમના દીકરાને તેમની ખબર કાઢવા આવવાની પણ ફુરસદ નથી. હંસરાજ વૈદની આખરી ઇચ્છા પોતાની રિક્ષામાં બેસીને પોતાના ઘરે જવાની છે, જે પૂરી થવાની નથી.

અમેરિકામાં રહેતા એક બિનનિવાસી ભારતીય IT એન્જિનિયર દિલ્હીમાં રહેતા પોતાના પુત્રને મળવા આવ્યા હતા. દિલ્હીમાં નિવાસ દરમિયાન તેમને હાર્ટ એટેક આવતાં સંતાનો દિલ્હીની ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટમાં ભરતી કરી ગયા. પિતાશ્રી સાજા થઇ ગયા પણ સંતાનો તેમની ભાળ મેળવવા આવ્યાં જ નહીં. હોસ્પિટલના સત્તાવાળાઓ તેમને વૃદ્ધાશ્રમમાં મૂકી ગયા. 8 વર્ષ સુધી તેઓ વૃદ્ધાશ્રમમાં રહ્યા તે દરમિયાન તેમની ખબર કાઢવા પણ કોઇ આવ્યું નહોતું. તેમને તાજેતરમાં વૃદ્ધાશ્રમના સંચાલકોએ મદદ કરીને પાછા અમેરિકા મોકલી આપ્યા છે. વૃદ્ધાશ્રમના સંચાલકો તેમને કહે છે કે તમારે તમારાં સંતાનો સામે કેસ કરવો હોય તો અમે કાનૂની મદદ કરીશું પણ હજુ સુધી એક પણ બાપ પોતાના સંતાનો સામે અદાલતમાં ભરણપોષણનો કેસ કરવા તૈયાર નથી થયા.

અમે જ્યારે સ્કૂલમાં ભણતા હતા ત્યારે ગુજરાતીના પાઠ્યપુસ્તકમાં એક વાર્તા આવતી હતી. આ વાર્તાના પિતા પોતાની પેઢી પર બેસીને હિસાબનો ચોપડો લખતા હતા. તેમનો 2 વર્ષનો પુત્ર ગાદી પર બેઠો બેઠો કાગડાઓ જોઇ રહ્યો હતો. કાગડાને જોઇને દીકરો ઉત્તેજિત થાય એટલે પિતાને કહેતો, બાપા કાગડો. પિતા પણ જવાબ આપતા, હા બેટા, કાગડો. દર વખતે આ સંવાદ હિસાબના ચોપડામાં પણ લખાઇ જતો હતો. આવું 52 વાર બન્યું, પણ પિતાએ ધીરજ ગુમાવ્યા વિના પોતાના દીકરાને જવાબો આપવાનું ચાલુ રાખ્યું હતું.

આ પિતા વૃદ્ધ થયા ત્યારે તેમણે પોતાની પેઢી પુત્રને સોંપી દીધી અને પોતે નિવૃત્ત થઇ ગયા હતા. હવે તેઓ દીકરાને કોઇ પણ ફરિયાદ કરે ત્યારે દીકરો તેમને છણકા કરીને જવાબો આપતો હતો. એક વખત પિતાથી આ તિરસ્કાર સહન ન થયો ત્યારે તેમણે 50 વર્ષ જૂનો ચોપડો કાઢીને તેમાં લખેલો સંવાદ રડતી આંખે પોતાના પુત્રને વંચાવ્યો હતો. સંવાદ વાંચતાં જ પુત્રની આંખમાં ઝળઝળિયાં આવી ગયાં અને તેણે પિતાના પગમાં પડી તેમની માફી માગી હતી. આજના પિતાઓ તો આવું પણ કરી શકે તેમ નથી કારણ કે સંતાનો લગભગ તેમની સાથે રહેતા જ નથી.

Most Popular

To Top