Columns

શોપિંગ મોલ્સની ઝાકઝમાળ કેમ ઘટી રહી છે?

ભારતમાં જેને સૌથી સફળ શોપિંગ મોલ્સની શૃંખલા ગણવામાં આવતી હતી તે બિગ બાઝાર ખાડામાં પડીને વેચાઈ ગયું છે. મોટાં શહેરોમાં મોટા ઉપાડે શરૂ કરવામાં આવેલા અનેક મોલ્સ બંધ થઈ ગયા છે તો બીજા અનેક બંધ થવાની તૈયારીમાં છે. આ શોપિંગ મોલ્સ જૂની પદ્ધતિની કરિયાણાની અને કાપડની દુકાનો સાથે હરીફાઈ કરી શકતા નથી. વળી યુવાનોમાં ઓનલાઈન શોપિંગનો ટ્રેન્ડ જોર પકડી રહ્યો હોવાથી પણ શોપિંગ મોલ્સમાં કમાણી ઘટી રહી છે. જેટલું પીળું હોય છે એટલું બધું સોનું નથી હોતું. જ્યાં ઝળહળાટ હોય છે ત્યાં બધે નફો નથી હોતો. જ્યાં ભીડ હોય છે ત્યાં બધે જ ઘરાકી નથી હોતી.

મુંબઇ, દિલ્હી અને અમદાવાદ જેવાં શહેરોમાં આડેધડ ખૂલી રહેલા આલીશાન શોપિંગ મોલ્સના દુકાનદારો અને માલિકોને બહુ ઝડપથી આ સત્ય સમજાઇ રહ્યું છે. ભારતમાં અનાજ, કરિયાણું, કટલરી, ક્રોકરી, કપડાં, વાસણ વગેરેના છૂટક વેચાણનો વેપાર પરાપૂર્વથી નાના દુકાનદારોના હાથમાં જ રહ્યો છે. હવે છૂટક વેચાણના ક્ષેત્રમાં પ્રવેશવા માટે મલ્ટીનેશનલ કંપનીઓ પણ તૈયારીઓ કરી રહી છે. આની પૂર્વતૈયારીરૂપે ભારતનાં શહેરોમાં જે શોપિંગ મોલ્સ ખૂલી ગયા છે તેનો ધબડકો થઇ રહ્યો છે. શોપિંગ મોલ્સના આધુનિક કલ્ચરમાં અને છૂટક વેચાણના પ્રાચીન કલ્ચરમાં અમુક પાયાના તફાવતો છે. શોપિંગ મોલ્સ ભવ્ય હોય છે, વિશાળ હોય છે અને આલીશાન હોય છે. તેમાં ગ્રાહકોને પસંદગીનો પ્રચંડ અવકાશ મળે છે. એક જ છત હેઠળ હજારો ચીજવસ્તુઓ જોવા અને ખરીદવા મળે છે.

શોપિંગ મોલ્સમાં સ્વચ્છતા હોય છે, મોકળાશ હોય છે અને સેન્ટ્રલ એરકન્ડિશન્ડ આબોહવા હોય છે. તેમાં ક્યાંય ગરમી, ગંદકી કે પસીનાની દુર્ગંધનો અનુભવ કરવો પડતો નથી. અહીંનો સ્ટાફ એજ્યુકેટેડ અને પ્રોફેસનલ હોય છે. ચીજવસ્તુઓના ભાવો ફિક્સ હોય છે. ક્યાંય રકઝક કે બાર્ગેઇનિંગ કરવાની આવશ્યકતા નથી હોતી. અહીં સારી કંપનીઓનો સ્ટાન્ડર્ડ માલ જ મળે છે. સ્મિત સાથે સેવા પણ મળે છે. હિસાબકિતાબ અને બિલિંગ સિસ્ટમ પારદર્શક હોય છે. આ થઇ તેના ફાયદાઓની યાદી. તેની સામે ગેરફાયદાઓ પણ કંઇ ઓછા નથી. પહેલી વાત તો એ કે શોપિંગ મોલ્સના બાંધકામમાં, સુશોભનમાં અને મેઇન્ટેનન્સમાં જે કરોડો રૂપિયાનો ખર્ચો કરવામાં આવ્યો હોય છે તે કોઇ ધર્માદો નથી હોતો. તેની માટે બેન્કો અને નાણાં સંસ્થાઓ પાસેથી જે કરોડો રૂપિયાનું કર્જ લેવું પડે છે અને વ્યાજ ભરવું પડે છે. આ બધો જ બોજો ગ્રાહક નામની કન્યાની કેડ ઉપર આવે છે. આ કારણે શોપિંગ મોલ્સમાં જે મોટા ભાગની ચીજવસ્તુઓ વેચાતી હોય છે તેના ભાવો બજારભાવ કરતાં ક્યાંય વધુ હોય છે.

એટલે કે છૂટક દુકાનદારને ત્યાં જે સસ્તી અને નફાનું ઓછું માર્જિન ધરાવતી ચીજવસ્તુઓ વેચાય છે તે સુપરમાર્કેટમાં આવતી જ નથી. શોપિંગ મોલ્સમાં દુકાન ધરાવનારનું મુખ્ય ધ્યેય નફો વધારવા માટે પહેલા તો આકરા ખર્ચને પહોંચી વળવાનું હોય છે. તે પોતાનો બધો જ ખર્ચો ગ્રાહક પાસેથી વ્યાજસહિત વસૂલ કરે છે. શોપિંગ મોલ્સના ઘણા ફાયદાઓ હશે પણ એક ગેરફાયદો બહુ મોટો છે. શોપિંગ મોલ્સના દુકાનદારો કે તેમના કર્મચારીઓ ક્યારેય ગ્રાહક સાથે વ્યક્તિગત સંબંધો વિકસાવવામાં માનતા નથી.

તેમને ત્યાં આવતા ગ્રાહકોની સંખ્યા જ એટલી બધી હોય છે કે તેઓ કોઇ ગ્રાહક સાથે વ્યક્તિગત સંબંધો રાખી શકતા નથી. વળી શોપિંગ મોલ્સના કર્મચારીઓ હોય છે તેઓ પગારદાર નોકર હોય છે. તેમને ગ્રાહકો સાથે ઉષ્માભર્યા સંબંધો વિકસાવવામાં કોઇ રસ હોતો નથી. ગ્રાહકને શોપિંગ મોલ્સમાં તે અજનબી હોવાનો અનુભવ થાય છે. છૂટક દુકાનદાર પોતાના નિયમિત ગ્રાહકને વ્યક્તિગત રીતે ઓળખે છે. તેને મીઠો હૃદયપૂર્વકનો આવકાર આપે છે. તેની અંદર વ્યક્તિગત રસ લે છે. આ કારણે ગ્રાહકને છૂટક દુકાનદાર પાસેથી ખરીદી કરવામાં એક જાતના સંતોષનો અનુભવ થાય છે.

નાની દુકાનનો માલિક અથવા તેનો કોઇ સંબંધી જ સેલ્સમેનની ભૂમિકા પણ ભજવતો હોય છે. તેને ગ્રાહકની આંખની શરમ નડે છે. આ કારણે તે બજારભાવ કરતાં વધુ કિંમત વસૂલ કરી શકતો નથી. દુકાનદાર ગ્રાહકને વર્ષોથી ઓળખતો હોવાથી તેની ઉપર વિશ્વાસ રાખીને તેની નાણાંકીય ભીડમાં ઉધાર પણ રાખે છે. કોઇ માલ ખરાબ નીકળે કે ગ્રાહકને તે પસંદ ન પડે તો બદલાવી પણ આપવામાં આવે છે અને પૈસા પણ પાછા આપવામાં આવે છે. ગ્રાહકને એવો વિશ્વાસ હોય છે કે દુકાનદાર તેને સાચી સલાહ જ આપશે.

શોપિંગ મોલ્સમાં ઘરાકોની ભારે ભીડ થશે અને ટંકશાળ પડશે એવી આશામાં આકરી કિંમત ચૂકવી દુકાન ખરીદનારા કે ભાડે લેનારા દુકાનદારો પણ હવે ટેન્શનમાં આવી ગયા છે. શોપિંગ મોલ્સમાં ભીડ ખૂબ થાય છે પણ એટલો વકરો થતો નથી. મોટા ભાગના ગ્રાહકો શોપિંગ મોલ્સનું વાતાવરણ જોવા, ઠંડી હવા ખાવા અને વિન્ડો શોપિંગ કરવા જ આવતા હોય છે. ચીજવસ્તુઓના ભાવો જોઇ તેઓ ઠરી જાય છે અને દબાતા પગલે દુકાનમાંથી બહાર નીકળી જાય છે. શોપિંગ મોલ્સના માલિકોએ જેટલું રોકાણ કર્યું હોય તેનું વ્યાજ પણ અત્યારે છૂટતું નથી. જો આવી જ પરિસ્થિતિ રહી તો અનેક મોલ્સ માટે ઉઠમણું કરવાનો જ વારો આવશે. ભારતની પ્રજા મહેનત કરીને રૂપિયા રળનારી છે અને ખૂબ જ સમજીવિચારીને તેનો ખર્ચ કરનારી છે.

જે યુવકયુવતીઓ પશ્ચિમી સંસ્કૃતિના રંગે રંગાયેલા છે તેઓ કોલ સેન્ટર જેવી નોકરીઓ દ્વારા નાની ઉંમરે વધુ પૈસા સહેલાઇથી કમાતા થઇ જાય છે. તેમને આ પૈસા શોપિંગ મોલ્સની ઝાકઝમાળ પાછળ ખર્ચવામાં સંકોચ નથી થતો. જો કે આવા ગ્રાહકોની ટકાવારી ખૂબ જ ઓછી હોય છે. બાકીના ગ્રાહકો હજી પણ સમજદાર છે અને પ્રાઇસ સેન્સિટિવ હોય છે. એટલે શોપિંગ મોલ્સમાં કોઇ ચીજ બજાર કરતાં જરાક પણ મોંઘી મળતી હોય તો તેઓ મહેનતની કમાણી ફેંકી દેવા તૈયાર થતા નથી. ગ્રાહકોની કોઠાસૂઝ શોપિંગ મોલ્સ સામે મોટામાં મોટો પડકાર છે.

Most Popular

To Top