Charchapatra

સરકારનાં કામો શાને બને તકરારી!!

વર્ષોવર્ષથી આપણે સૌએ જોયું ,જાણ્યું અને જગજાહેર છે કે, કોઈ પણ સરકારી કામે, અર્ધ સરકારી કામ હોય કે પછી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા ,યાને.. મહાનગર પાલિકાના કે,પછી ગામડા – ગોઠડે, સરપંચ ,તલાટી ,મામલતદાર કચેરીએ જઇ ત્યાર બાદ તેઓની ફરજને લાગતાવળગતા ટેબલ ઉપર ક્યારેક પ્રત્યક્ષ અનુભવ થાય ત્યારે જ ખબર પડે કે,એક જ વખતમાં ( એક જ ફેરામાં..) જો તમારું કામ પાર પડે તો તમે ,તમારી જાતને નસીબદાર ગણવી સિવાય કે,તમે એજન્ટ કે,અન્ય કોઈ મધ્યસ્થી થકી કટકી કે,ખુશખુશાલ થઇ સમયમર્યાદામાં કામ કરનાર / કરાવી આપનારને નક્કી કરેલ રકમ જે, કચેરીએ જતાં પહેલાં લાંચમાતાને કે..,રિશ્વત દેવને પગે પડી આજીજી કરી કામ કઢાવી લીધું હશે.

બાકી..આજની તારીખે પણ પ્રજાને / નાગરિક સુવિધાઓનાં કેન્દ્રો પર આંટાફેરા ,ધર્મ ધક્કા ખાઈ, ખવડાવ્યા વગર એક જ ફેરામાં જે તે જરૂરિયાતમંદ નાગરિકનું કામ આસાનીથી સમયની બરબાદી વગર જ પૂર્ણ થાય ત્યારે સમજવાનું કે વાઈબ્રન્ટ-ગતિશીલ, સ્વચ્છ અને કાર્યક્ષમ ગુજરાતનાં નાગરિકોના ખરા અર્થમાં અચ્છે દિન આવી ગયા છે. લોકમાંગ તો એવી પણ બનતી જાય છે કે,વિવાદાસ્પદ વિવિધ યોજનાના લાભાર્થીઓ માટે હંમેશ માટે, એક વાર કોઈ નક્કર આયોજન કરીને, તલસ્પર્શી અભ્યાસ બાદ જ સરકાર સો વાતની એક વાતની જેમ, એક જ સમયમાં એક જ પ્રકારનો કાર્યક્ષમ વહીવટ થકી,એક જ કાર્ડની અમલવારી કરે / કરાવે તો  રાજા અને પ્રજા બન્ને પક્ષોના સમયની બચત સાથે નાણાંનો બગાડ નિકળવા સાથે અભણ જેવા એજન્ટોનો રાફડો તથા અધધ ખાયકીના ખાનગી એજન્સીઓના ચમચાઓનો,વચેટિયાઓનો પણ સફાયો થઈ શકશે.
સુરત     – પંકજ શાં. મહેતા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

સ્ટેચ્યુઓની અવદશા
ભારતના દરેક નાના મોટા શહેરોમાં તથા ગામડામાં ત્રિભેટે કે ચોરાહા ઉપર મહાત્મા ગાંધી, જવાહરલાલ નહેરુ, સરદાર પટેલ તથા લાલબહાદુર શાસ્ત્રી જેવાં મહાપુરુષોના સ્ટેચ્યુઓ ઉભાં કરેલાં હોય છે. પરંતુ નગર પાલિકા કે કોર્પોરેશન દ્વારા આવા સ્ટેચ્યુઓની કોઈ દેખરેખ કે સારસંભાળ લેવામાં આવતી નથી. સ્ટેચ્યુઓ ઉપર દુનિયા ભયનો દડ લાગેલો હોય છે, અમુક સ્ટેચ્યુ તૂટેલાં કે ખંડિત થયેલા માલૂમ પડે છે તો અમુક સ્ટેચ્યુઓ ઉપર પક્ષીઓની ચરક પણ જામેલી હોય છે. માત્ર આવા સ્ટેચ્યુઓ ઉપર એમના જન્મદિવસે કે પુણ્ય તિથિના દિવસે એક સરકારી પ્રોટોકોલ નિભાવવા માટે સરકારી અધિકારીઓ તથા શહેરના કે ગામડાના આગેવાનો બે પાંચ મિનીટ હાજરી આપી, હારતોરા કરીને નિકળી જાય છે. આવા મહાપુરુષોના સ્ટેચ્યુઓની અવદશા જોઈને હૈયું દ્રવિત થઈ જાય છે.
હાલોલ   – યોગેશભાઈ આર જોશી– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top