કહેવાય છે કે મુશ્કેલીના સમયમાં સોનું એક સહારો છે, પરંતુ હવે સોનું પૈસા કમાવામાં પણ મદદ કરે છે. હકીકતમાં આ વર્ષે સોનાએ વળતર આપવાની બાબતમાં બધા રોકાણ વિકલ્પોને પાછળ છોડી દીધા છે. વર્ષ ૨૦૨૫ ના પહેલા ૪૫ દિવસમાં સોનાનું પ્રદર્શન ફક્ત શેરબજાર જ નહીં પરંતુ બિટકોઇન કરતાં પણ સારું રહ્યું છે.૨૦૨૫ માં સોનું અત્યાર સુધીમાં ૧૫ ટકા મોંઘું થઈ ગયું છે અને હવે સોનાનો ભાવ ૩,૦૦૦ ડોલર પ્રતિ ઔંસના સ્તર તરફ આગળ વધી રહ્યો છે.
સોનાના ભાવમાં આ વધારો અમેરિકામાં વેપાર ટેરિફમાં વધારાને કારણે થવાની ધારણા છે. જે રીતે ટ્રેડ વોરમાં વધારો રોકાણકારોમાં ચિંતા વધારી રહ્યો છે, તે જોતાં રોકાણકારો સુરક્ષિત સ્વર્ગ એટલે કે સોના તરફ વળી રહ્યા છે. ઘણા દેશોની મધ્યસ્થ બેંકો તેમના અનામત માટે મોટા પ્રમાણમાં સોનું ખરીદી રહી છે. આગામી સમયમાં ફુગાવો અને મંદીમાં વધારો થવાની શક્યતાને ધ્યાનમાં લેતાં સોનામાં તેજીનો ટ્રેન્ડ ચાલુ રહી શકે છે. ૨૦૨૪માં કેન્દ્રીય બેંકોએ ૧,૦૪૫ ટન સોનું ખરીદ્યું છે. આ સતત ત્રીજું વર્ષ છે જ્યારે આ કેન્દ્રીય બેંકોએ એક હજાર ટનથી વધુ સોનું ખરીદ્યું છે.
તાજેતરના સોનાના ભાવમાં થયેલા વધારા માટે અનેક વૈશ્વિક વલણો જવાબદાર હોઈ શકે છે. ભારતીય સંસ્કૃતિમાં સોનું સૌથી આદરણીય ધાતુઓમાંની એક છે. તહેવારોથી લઈને લગ્ન અને જન્મદિવસ સુધી, કોઈ પણ શુભ પ્રસંગ આ ધાતુના ઉપયોગ વિના પસાર થતો નથી. ભારતીયો સોનાને એક રોકાણ તરીકે જુએ છે, જેનો ઉપયોગ નાણાંકીય કટોકટીના સમયમાં થઈ શકે છે.ભારત સોનાનો બીજો સૌથી મોટો ગ્રાહક છે, જે તેની મોટા ભાગની જરૂરિયાતો આયાત દ્વારા પૂરી કરે છે.
જ્યારે રૂપિયો ડોલર સામે નબળો પડે છે, ત્યારે સોનાની આયાતનો ખર્ચ વધે છે, જેના કારણે સ્થાનિક સોનાના ભાવમાં વધારો થાય છે.ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફ લાદવાની જાહેરાત કરી તેના કારણે દેશોમાં રાજકીય તણાવ વધ્યો, જેની અસર સોનાના ભાવ પર જોવા મળી છે.રશિયા પર વધુ પ્રતિબંધો લાદ્યા બાદ ટ્રમ્પે મેક્સિકો અને કેનેડા પર ૨૫ ટકા ટેરિફ વધારવાની જાહેરાત કરી છે. કોલંબિયા પર ૨૫ ટકા ટેરિફની પણ જાહેરાત કરવામાં આવી છે. વૈશ્વિક બજાર અનિશ્ચિતતાનો શિકાર બની રહ્યું છે, જેના કારણે રોકાણકારો સુરક્ષિત આશ્રયસ્થાન તરફ વળ્યા છે.
હાલમાં બૅન્ક ઑફ ઇંગ્લૅન્ડના લંડનસ્થિત વૉલ્ટમાંથી ટનબંધ સોનું અમેરિકા ખસેડવામાં આવી રહ્યું છે.અમેરિકાના ગોલ્ડ ડીલરો વિમાનમાં સોનું ભરી ભરીને ન્યૂ યૉર્ક લઈ જાય છે, જેના કારણે લંડનમાં એક પ્રકારે સોનાની અછત સર્જાઈ છે અને અમેરિકામાં પીળી ધાતુ સંગ્રહિત થઈ રહી છે.અમેરિકા અત્યારે એક મોટા ચુંબકની જેમ વર્તી રહ્યું છે અને દુનિયાભરમાંથી સોનાને પોતાની તરફ ખેંચી રહ્યું છે.
અત્યાર સુધી એવું હતું કે બ્રિટનની રાજધાની લંડનમાં સૌથી વધારે સોનું સંગ્રહિત કરેલું હતું, પરંતુ હવે ન્યૂ યૉર્કના મૅનહટ્ટન વિસ્તારમાં વધારે ગોલ્ડ એકઠું થઈ રહ્યું છે.લંડન ઉપરાંત સ્વિસ રિફાઇનરીઓમાંથી પણ સોનું ઍટલાન્ટિક સમુદ્ર પાર કરીને અમેરિકા જઈ રહ્યું છે.લંડન અને દુનિયાના બીજા ભાગોમાંથી મોટા પાયે સોનું અમેરિકા જઈ રહ્યું છે તેના માટે અમેરિકનના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફવૉરને કારણભૂત ગણવામાં આવે છે.
ડોનાલ્ડ ટ્રમ્પે જે રીતે સ્ટીલ અને ઍલ્યુમિનિયમની આયાત પર ૨૫ ટકાનો જંગી ટૅક્સ લાદ્યો તે રીતે કદાચ સોના પર પણ ૧૦ ટકા ટેરિફ નાખવામાં આવે તેવી આશંકા છે, જેના કારણે ગોલ્ડ ટ્રેડર્સ વહેલી તકે લંડનમાંથી સોનું ઉપાડીને અમેરિકા ખસેડી રહ્યા છે.અમેરિકન માલ પર જે દેશો ટૅક્સ નાખે છે તે તમામ દેશો પર ટેરિફ વધારવાની ટ્રમ્પે જાહેરાત કરી તેના કારણે સોનું સતત વધી રહ્યું છે.ટ્રમ્પના પ્લાન પ્રમાણે થશે તો આગામી દિવસોમાં ચીન અને કૅનેડા ઉપરાંત જાપાન, સાઉથ કોરિયા અને યુરોપિયન યુનિયનના માલ પર પણ ભારે ટેરિફ લાદવામાં આવે તેવી શક્યતા છે.
ડોનાલ્ડ ટ્રમ્પ પાંચમી નવેમ્બર, ૨૦૨૪ના રોજ રાષ્ટ્રપતિની ચૂંટણી જીત્યા ત્યારે કોમેક્સમાં ગોલ્ડનો સ્ટૉક લગભગ ૫૩૩ ટન હતો. ત્યાર પછી તેમાં સતત વધારો થવા લાગ્યો.૨૯ ડિસેમ્બરે ૬૮૧ ટન, ૨૯ જાન્યુઆરી ૨૦૨૫એ ૯૬૩ ટન જથ્થો હતો. ૩૧ જાન્યુઆરીએ આ સ્ટૉક ૧,૦૦૦ ટનને વટાવી ગયો અને ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં તે ૧,૧૦૦ ટન સ્ટૉક હતો.ગોલ્ડના મુખ્ય ખરીદદાર ભારત અને ચીનમાં જે સોનું જવાનું હતું તે હવે લંડનથી અમેરિકા તરફ જઈ રહ્યું છે.મુંબઈના એક બુલિયન ડીલરે જણાવ્યું હતું કે કોમેક્સ પર એટલું તગડું પ્રીમિયમ ચાલે છે કે એશિયન બજારોમાંથી અમેરિકા સુધી ગોલ્ડને લઈ જવાનો ખર્ચ પણ તેની સામે નગણ્ય છે.
લંડનથી અમેરિકા ગોલ્ડ શિફ્ટ થઈ રહ્યું છે તેનાં બે-ત્રણ કારણો છે.એક તો ટ્રમ્પ દ્વારા રેસિપ્રોકલ ટેરિફ નાખવામાં આવે તેવી બીક છે. આવા ટેરિફના કારણે ગોલ્ડ આયાત કરવાનો ખર્ચ વધી જવાની શક્યતા છે. તેથી ગોલ્ડના આયાતકારો પોતાના ઍક્સપોઝરને અત્યારથી કવર કરી રહ્યા છે.આ ઉપરાંત અમેરિકા પાસે દુનિયામાં સૌથી વધારે ગોલ્ડ રિઝર્વ છે અને ઘણા સમયથી તેનું ઑડિટ નથી થયું. તેથી બૅન્કો અને બીજી મોટી સંસ્થાઓ લંડનના વૉલ્ટમાં રહેલું પોતાનું સોનું ચોપડે બતાવી શકાય તે માટે તેને અમેરિકા ખસેડી રહી છે.મુખ્યત્વે બ્રિક્સ દેશો અત્યારે ડૉલરમાં પોતાનું એક્સપોઝર ઓછું કરીને ગોલ્ડનું રિઝર્વ વધારી રહ્યા છે, તેથી સોનાનો ભાવ વધી રહ્યો છે.
અમેરિકામાં સોનાને ખસેડવાની હિલચાલના કારણે ભારતમાંથી પણ સોનું અમેરિકા પહોંચ્યું છે.એક ટોચની બુલિયન બૅન્કે ભારતમાં કસ્ટમ્સ ફ્રી ઝોનમાં રહેલું સોનું બે અઠવાડિયાં અગાઉ અમેરિકા શિફ્ટ કર્યું હતું.સામાન્ય રીતે ઘણી બૅન્કો ભારતમાં સોનું લાવીને તેને કસ્ટમ્સ ફ્રી ઝોનમાં રાખતી હોય છે. પછી જ્યારે સોનાની ડિમાન્ડ હોય ત્યારે જ ઇમ્પૉર્ટ ટૅક્સ ચૂકવીને પોતાનું કન્સાઇન્મેન્ટ ક્લિયર કરાવતી હોય છે.
આ ઉપરાંત તેઓ ઇચ્છે તો પોતાનો કાર્ગો વિદેશ પાછો પણ મોકલાવી શકે છે અને તેમાં કોઈ ટૅક્સ ચૂકવવો પડતો નથી.દુબઈની ગોલ્ડ રિફાઇનરીઓમાંથી પણ સોનું અમેરિકા જઈ રહ્યું છે.લંડનના અંડરગ્રાઉન્ડ વૉલ્ટમાં લગભગ ૮૦૦ અબજ ડૉલર કરતાં વધુ કિંમતના સોનાનો સંગ્રહ થયેલો છે.૨૦૨૧માં ભારતનું ગોલ્ડ રિઝર્વ ૭૫૪ ટન હતું, જે ૨૦૨૪માં વધીને ૮૭૬ ટન થયું હતું. ૨૦૨૪માં પોલૅન્ડે સૌથી વધુ ૮૯.૫ ટન સોનું ખરીદ્યું હતું, જ્યારે ભારતની રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાએ ૭૨ ટનથી વધારે સોનાની ખરીદી કરી હતી.ભારત પોતાના કુલ વિદેશી હુંડિયામણનો ૧૧ ટકાથી વધુ હિસ્સો સોનાના સ્વરૂપમાં રાખે છે.
સોનાનો ભાવ વિક્રમ સપાટીએ હોવાથી લગ્નપ્રસંગ માટે સોનું ખરીદવા માંગતાં લોકોને અસર થઈ છે.મધ્યમ વર્ગનાં જે લોકોએ સંતાનોના લગ્ન માટે ફિક્સ્ડ ડિપૉઝિટ કરી હશે અને ધારો કે ૧૦૦ ગ્રામ સોનું ખરીદવાનો લક્ષ્ય રાખ્યો હશે, તો અત્યારના ભાવે તેઓ ઓછી ખરીદી કરશે.ગોલ્ડ માટે ૧૦ ગ્રામે એક લાખ રૂપિયાનો ભાવ નૉર્મલ બની જશે. સોનાનો ભાવ ઔંસ દીઠ ૩,૦૦૦ ડૉલર થાય અથવા તો ડૉલરનો ભાવ ૯૦ રૂપિયા થાય એટલે સોનું પણ એક લાખે પહોંચી જશે.
સોનાનો ભાવ વધે તો પણ લોકોમાં તેના માટે આકર્ષણ ઘટશે નહીં. લોકો હવે ૧૪થી ૧૮ કેરેટની જ્વેલરી ખરીદી રહ્યા છે.શેરબજારમાં તાજેતરના ઘટાડાના કારણે પણ ઘણાં લોકોનો શેરબજાર પ્રત્યે મોહ ઊતર્યો છે અને તેઓ સોનાને વધુ સુરક્ષિત રોકાણ માને છે.ટ્રમ્પના આવ્યા પછી વધુ ૬૦૦ ટન સોનું અમેરિકામાં સ્ટૉક કરવામાં આવ્યું છે. શક્ય છે કે ગોલ્ડની સામે અમેરિકા વધારે ડૉલર પ્રિન્ટ કરી શકે છે.આવું થાય તો સોનું અહીંથી હજુ ૨૦૦ ડૉલર પ્રતિ ઔંસ સુધી વધી શકે, એટલે કે આગામી મહિનાઓમાં ભારતમાં એક લાખ રૂપિયાનો ભાવ આવી શકે છે.
જાણકારો કહે છે કે સોનાના ભાવોમાં આવેલી તેજીનું મૂળ કારણ ફિયાટ કરન્સી છે. દુનિયાની સેન્ટ્રલ બેંકો દ્વારા રિઝર્વમાં સોનું મૂક્યા વિના બેફામ ચલણી નોટો છાપવામાં આવી રહી છે, જેને કારણે બજારમાં ચલણી નોટોનો પુરવઠો વધતાં ચલણી નોટોની કિંમત ઘટી રહી છે, જેને કારણે સોનાની કિંમત વધી રહી છે. અમેરિકામાં ૧૯૬૧માં સોનાનો ભાવ એક ઔંસના ૩૦ ડોલર હતા, જે આજે ૩,૦૦૦ ડોલર પર પહોંચી ગયા છે. ૧૯૬૧માં એક ઔંસ સોના વડે માત્ર ૩૦ ડોલર ખરીદી શકાતા હતા, પણ આજે તેટલા જ સોના વડે ૨,૯૦૦ ડોલર ખરીદી શકાય છે. ચલણી નોટો ઉપરનો લોકોનો વિશ્વાસ ઘટી રહ્યો હોવાથી લોકો સોનું ખરીદવા તરફ દોટ મૂકી રહ્યા છે.
