ભારતીય કુસ્તીબાજો દ્વારા એપ્રિલ મહિનાની ૨૩ તારીખથી શરૂ થયેલો વિરોધ હજુ પણ ચાલુ જ છે પરંતુ રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ અને ભાજપના સંસદસભ્ય બ્રિજભૂષણ શરણ સિંહની ધરપકડ કરવામાં આવી નથી. બ્રિજભૂષણ ઉપર સ્ત્રી કુસ્તીબાજો દ્વારા જાતીય શોષણની બે ફરિયાદો કરવામાં આવી છે, જે પૈકી એક ફરિયાદ સગીર વયની બાલિકા દ્વારા કરવામાં આવી હોવાથી ગુનો વધુ ગંભીર બને છે. ભારતના કાયદાઓ મુજબ કોઈ પણ સ્ત્રી દ્વારા આપવામાં આવેલું નિવેદન જ જાતીય શોષણના ગુના માટે સાબિતી ગણી લેવામાં આવે છે અને તરત જ આરોપીની ધરપકડ કરવામાં આવે છે.
સામાન્ય રીતે કોઈ પણ વ્યક્તિનો ગુનો સાબિત ન થાય ત્યાં સુધી તેને નિર્દોષ ગણવામાં આવે છે; પરંતુ જાતીય શોષણ કે રેપ જેવા સ્ત્રીની સુરક્ષા સાથે સંકળાયેલા ગુનાઓમાં આરોપીએ પોતાની નિર્દોષતા સાબિત કરવી પડતી હોય છે. જો કે બ્રિજભૂષણના મુદ્દામાં પોલીસને સાબિતીની જરૂર પડી ગઈ છે, જેને કારણે એક મહિના કરતાં પણ વધુ સમય પસાર થયો હોવા છતાં તેમની ધરપકડ કરવામાં આવી નથી. એક વરિષ્ઠ પોલીસ અધિકારીના કહેવા મુજબ તેઓ રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના અહેવાલની રાહ જોઈ રહ્યા છે. બ્રિજભૂષણ ખુદ આ સંસ્થાના વડા છે એ જોતાં પોલીસનો હેતુ એકદમ સ્પષ્ટ રીતે નજર સામે આવી રહ્યો છે.
સામાન્ય રીતે કોર્ટ દ્વારા એવા લોકોને જામીન આપવામાં આવતા હોય છે જે દેશ છોડીને ભાગી ન જાય, પુરાવાઓનો નાશ ન કરે કે પછી સાક્ષીઓને પ્રભાવિત ન કરી શકે. બ્રિજભૂષણ સંસદસભ્ય હોવાને કારણે દેશ છોડીને તો ન જ ભાગે; પરંતુ એમણે જાહેરમાં વિનેશ ફોગાટ અને સાક્ષી મલિકને સરકારી નોકરીઓ છોડી દેવા કહ્યું હતું તથા જાતીય શોષણના કાયદાને બદલી દેવાની જાહેરાત પણ કરી હતી. તેમના આ કાર્યોને જોતાં કોર્ટ તેમને જામીન પણ ન આપી શકે, જ્યારે તેમણે ન તો આગોતરા જામીન મેળવ્યા છે કે ન તો તેમની ધરપકડ કરવામાં આવી છે.
કુસ્તીબાજોના આંદોલનની શરૂઆત વિનેશ ફોગાટ દ્વારા કરવામાં આવી હતી માટે બ્રિજભૂષણે તેને રામાયણની મંથરા સાથે સરખાવી તેની જાહેરમાં નિંદા કરી હતી. કેસના મહત્ત્વના સાક્ષીની જાહેરમાં નિંદા કરી કેસને ઢીલો પાડવો પોતે જ એક ગુનો બને છે. સામાન્ય રીતે ‘પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સિસ’(પોસ્કો) કાયદા હેઠળ કરવામાં આવેલી ફરિયાદમાં ફક્ત ફરિયાદના આધારે જ પોલીસ આરોપીને જેલ ભેગો કરી દેતી હોય છે. બ્રિજભૂષણ સામેની ફરિયાદમાં જો તેમનું નામ ન આપવામાં આવ્યું હોય તો તેમની ધરપકડ ન થઈ હોય તે સમજી શકાય; પરંતુ બ્રિજભૂષણના નામની ફરિયાદ જ નહીં, તેમની સામે દેશવ્યાપી આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે.
દિલ્હી પોલીસે ‘પોસ્કો’કાયદા અંતર્ગત કોઈ વ્યક્તિની પુરાવા વગર ધરપકડ ન કરવી જોઈએ અથવા ધરપકડ કરવા માટેના કાયદા દરેક વ્યક્તિ માટે એક સમાન હોવા જોઈએ. હકીકતમાં બ્રિજભૂષણ હજુ જેલની બહાર છે તેમાં દિલ્હી પોલીસ અને ભાજપનો બહુ મોટો હાથ રહેલો છે. કુસ્તીબાજોના આંદોલનના જવાબમાં કેન્દ્ર સરકારનું વલણ બ્રિજભૂષણતરફી રહ્યું છે તે ન્યાય અપાવવામાં થતા વિલંબ ઉપરથી સમજી શકાય છે. જો કે આ વલણને કારણે સરકારની આબરૂના દેશવિદેશમાં ધજાગરા ઊડી રહ્યા છે. સરકાર દ્વારા યોગ્ય પગલાં લેવામાં થતા વિલંબને કારણે આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક એસોસિયેશન દ્વારા ભારતના કુસ્તીબાજો સાથે થતાં વ્યવહારને વખોડવામાં આવ્યો હતો. કેન્દ્ર સરકારના કેબિનેટના મંત્રીઓ આ બાબતનો જવાબ આપવાને બદલે મોઢું છૂપાવી ભાગી જવું પસંદ કરે છે કેમકે તેમની પાસે જનતાને આપવા માટે કોઈ જવાબ જ નથી.
રાજનૈતિક ફાયદાઓ સામે ‘બેટી બચાઓ, બેટી બઢાઓ, બેટી પઢાઓ’ના સિદ્ધાંતોને નેવે મૂકી દેવામાં આવતા હોય છે. બિલ્કિસ બાનુના બળાત્કારીઓને સમયથી પહેલાં છોડી મૂકવા પાછળ ગુજરાત વિધાનસભા ચૂંટણીઓમાં હિન્દુત્વનો મુદ્દો કારણભૂત હતો, કેમકે બિલ્કિસ બાનુ મુસ્લિમ અને તેના બળાત્કારીઓ હિન્દુ હતા. કુસ્તીબાજોના જાતીય શોષણના કિસ્સામાં પણ સરકારની સહાનૂભુતિ કોની સાથે છે તે દીવા જેવું સ્પષ્ટ છે. જો કે ૨૦૧૨ના ભારત અને ૨૦૨૩ના ભારતમાં બહુ ફેર છે. બહુમતી સરકારને કારણે લોકોના વાણીસ્વાતંત્ર્ય ઉપર લગામ આવી ગઈ છે પણ તેનો અર્થ એવો નથી કે લોકોમાં રોષ નથી. ભવિષ્યમાં સરકારને બ્રિજભૂષણ ઉપર પગલાં લેવાની ફરજ પડશે કેમકે કુસ્તીબાજોનું આંદોલન કોઈ પણ સમયે નિયંત્રણની બહાર જઈ શકે છે. કુસ્તીબાજોના આંદોલનને જે રીતે કચડવામાં આવી રહ્યું છે તે જોતાં ભાજપના સમર્થકો પણ દુ:ખી છે.
કુસ્તીબાજોએ તેમના મેડલ ગંગામાં પધરાવવાનું માંડી વાળ્યું પણ તેમનું આંદોલન શાંત પડ્યું નથી. પોલીસો દ્વારા બેરહેમીથી કચડી નાખવા છતાં કુસ્તીબાજોએ પોતાના આંદોલનને છોડ્યું નથી, જેના પડઘા આખા દેશમાં પડ્યા છે. નિર્ભયા કેસની જેમ આ કેસમાં આખા દેશમાં લોકો મીણબત્તીઓ લઈને રસ્તા ઉપર નથી આવી ગયા પરંતુ તેનો અર્થ એવો નથી કે આંદોલનની કોઈ અસર નથી થઈ. જનતાના આક્રોશને શાંત પાડવા તેના ઉપર સમયસર મલમ લગાડવો સરકારના હિતમાં છે. શાસક પક્ષ ભલે ગમે તેટલો નફ્ફટ કે જાડી ચામડીનો હોય, અમુક હદ પછી તેણે પણ પોતાની જાહેર છબી સાચવવી પડતી હોય છે. પોતાની જાહેરમાં આબરૂ બચાવવા માટે પણ સરકારે બ્રિજભૂષણ સામે વહેલા કે મોડા કાર્યવાહી કરવી જ પડશે. જો કે આ કાર્યવાહી ફક્ત લોકોના રોષને શાંત પાડવા માટે જ હશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી. સરકાર દ્વારા બ્રિજભૂષણની જો ધરપકડ પણ કરવામાં આવશે, તો તેમને ફક્ત હથેળી ઉપર ટપલી મારીને છોડી દેવામાં આવે તેવું બની શકે છે.
એક વાત આપણે યાદ રાખવાની છે કે મોદી સરકાર ગમે તેટલી આપખુદ હોય પરંતુ તે આંધળી નથી. આ સરકાર લોકોની રગને ઓળખી શકે છે અને એટલે જ કેન્દ્રમાં અને ભારતનાં મહત્તમ રાજ્યોમાં તેનું શાસન ચાલે છે. આ સરકાર જનતાને પોતાની તરફ વાળવાનો કસબ જાણે છે અને ક્યારે જનતા સામે ઝૂકી જવું તે પણ સમજે છે. સરકારે ડિમોનેટાઈઝેશન કરીને આખા દેશને પોતાના તરંગ ઉપર નચાવ્યો હતો જ્યારે ખેડૂતોના વિરોધ સમયે કાયદો પણ બદલાવ્યો હતો. સરકાર ભલે અત્યારે બ્રિજભૂષણની સાથે હોય, નજીકના ભવિષ્યમાં પોલીસ દ્વારા અચાનક તેમની અટકાયત કરવામાં આવે તો નવાઈ ન સમજવી. હકીકતમાં સરકાર માટે બ્રિજભૂષણની ધરપકડ ફાયદાકારક છે. બ્રિજભૂષણની ધરપકડ કરવાથી કુસ્તીબાજોને તેમનો ન્યાય મળી જશે અને જનતામાં સરકારની પ્રશંસા પણ થઈ જશે. સરકાર સ્ત્રીઓની રક્ષક હોવાનો દાવો કરશે પરંતુ આ જ કુસ્તીબાજોને ભવિષ્યમાં રેસલિંગ ફેડરેશન દ્વારા કેટલો ત્રાસ આપવામાં આવશે તેની કોને ખબર છે? બને કે વિનેશ ફોગાટ કે સાક્ષી મલિકે સરકારી સંસ્થાઓના ત્રાસ હેઠળ ભારતનું પ્રતિનિધિત્વ કરવાની તેમની મહત્ત્વાકાંક્ષાઓ ઉપર પૂર્ણવિરામ મૂકી દેવું પડે. એ વાત પણ યાદ રાખવી કે બ્રિજભૂષણની ધરપકડ એક ફારસ બનીને પણ રહી જઈ શકે છે.
પોલીસ અને વહીવટીતંત્ર સરકારના હાથની કઠપૂતળી જેવા હોય છે. પડદા પાછળના ખેલને કારણે બ્રિજભૂષણ નિર્દોષ છૂટી જાય તેવું પણ બને. જાતીય શોષણ રોકવા માટે કુસ્તીબાજોએ એક નહીં પરંતુ અનેક આંદોલનો કરવાની જરૂર છે.