વિશ્વના રાજકારણમાં તાજેતરનાં વર્ષોમાં જે પરિવર્તનો થઈ રહ્યાં છે, તે પરિવર્તનો દાયકાઓમાં પણ જોવા નહોતાં મળ્યાં તેવાં છે. તેમાંનું એક પરિવર્તન ભારત-ચીન વચ્ચે થયેલા કરાર છે. ભારત અને ચીન લગભગ ૬૪ વર્ષથી દુશ્મનાવટનો ઇતિહાસ ધરાવે છે. વર્ષ ૧૯૬૨માં ભારત અને ચીન વચ્ચે મોટું યુદ્ધ થયું હતું; જેમાં ભારતે અક્સાઈ ચીન જેવો મોટો પ્રદેશ ગુમાવ્યો હતો. ત્યાર પછી ભારત-ચીન વચ્ચે કોઈ મોટું યુદ્ધ નથી થયું, પણ સરહદી છમકલાં થતાં જ રહ્યાં છે.
હવે છ દાયકાની દુશ્મનાવટ ભૂલીને ભારત-ચીન મિત્ર બનવા તૈયાર થઈ ગયા છે, તેનું મૂળ કારણ વિશ્વના રાજકારણમાં અમેરિકાની વિરુદ્ધ રચાઈ રહેલી ધરી છે. આ ધરીમાં ભારત અને ચીન ઉપરાંત રશિયા તથા ઇરાન પણ સામેલ છે. ખનિજ તેલનું ઉત્પાદન કરતાં સાઉદી અરેબિયા જેવા મુસ્લિમ દેશો પાંચ દાયકા સુધી અમેરિકા સાથે ભાગીદારી કર્યા પછી બ્રિક્સમાં સામેલ થઈ ગયા છે, તે પણ વિશ્વના રાજકારણમાં અમેરિકાના ખતમ થઈ રહેલા પ્રભાવનું પરિણામ છે.
થોડા દિવસો પહેલાં ૨૧ ઓક્ટોબરે ભારત અને ચીન વચ્ચે સૈનિકો હટાવવા અને પેટ્રોલિંગ શરૂ કરવા અંગે સમજૂતી થઈ હતી. ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી રશિયાના કઝાનમાં બ્રિક્સ સંમેલનમાં ભાગ લેવા રવાના થાય તે પહેલાં ભારતના વિદેશ સચિવ વિક્રમ મિસરીએ આ કરારની જાહેરાત કરી હતી. બ્રિક્સ સંમેલનમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે પણ આ ઐતિહાસિક સમજૂતીને સમર્થન આપવા માટે બેઠક યોજી હતી. પાંચ વર્ષ પછી બંને નેતાઓ સામસામે બેસીને વાત કરી હતી.
આ બેઠક અંગે દિલ્હીમાં હાજર રહેલા રશિયાના રાજદૂત ડેનિસ અલીપોવે કહ્યું કે આ કરારથી બે મોટી શક્તિઓ વચ્ચે સહયોગ વધ્યો છે. ભારતના વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે કહ્યું કે આ કરારથી બંને દેશો વચ્ચેની સરહદ પર વર્ષ ૨૦૨૦ પહેલાંની સ્થિતિ પુનઃસ્થાપિત થઈ જશે. વર્ષ ૨૦૨૦માં પૂર્વી લદ્દાખના ગલવાનમાં બંને દેશોના સૈનિકો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. આ અથડામણમાં ૨૦ ભારતીય સૈનિકો સાથે અનેક ચીની સૈનિકો માર્યા ગયા હતા. ત્યારથી બંને દેશો વચ્ચે તણાવ ચરમસીમાએ પહોંચી ગયો હતો.
ભારત અને ચીન વચ્ચે ૩,૪૮૮ કિલોમીટર લાંબી સરહદ છે. આ સરહદ લદ્દાખ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, સિક્કિમ અને અરુણાચલ પ્રદેશમાંથી પસાર થાય છે. આ સરહદ ત્રણ ક્ષેત્રોમાં વહેંચાયેલી છે. પશ્ચિમી ક્ષેત્ર એટલે કે લદ્દાખ, મધ્ય ક્ષેત્ર એટલે કે હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ અને પૂર્વીય ક્ષેત્ર એટલે કે સિક્કિમ અને અરુણાચલ પ્રદેશ. બંને દેશો વચ્ચે હજુ સુધી કોઈ સંપૂર્ણ સીમાંકન નથી થયું, કારણ કે ઘણાં ક્ષેત્રોને લઈને બંને વચ્ચે મતભેદો છે. ભારત પશ્ચિમી ક્ષેત્રમાં અક્સાઈ ચીન પર દાવો કરે છે, પરંતુ આ વિસ્તાર હાલમાં ચીનના નિયંત્રણમાં છે. ભારત સાથે ૧૯૬૨ના યુદ્ધ દરમિયાન ચીને આ સમગ્ર વિસ્તાર પર કબજો કરી લીધો હતો.
ચીન પૂર્વ સેક્ટરમાં અરુણાચલ પ્રદેશ પર દાવો કરે છે. ચીન તિબેટ અને અરુણાચલ પ્રદેશ વચ્ચેની મેકમોહન રેખાને પણ માન્યતા આપતું નથી. ચીનનું કહેવું છે કે ૧૯૧૪માં જ્યારે બ્રિટિશ ઈન્ડિયા અને તિબેટના પ્રતિનિધિઓએ આ કરાર કર્યો ત્યારે તે ત્યાં હાજર નહોતું. વાસ્તવમાં ૧૯૧૪માં તિબેટ એક સ્વતંત્ર પરંતુ નબળો દેશ હતો, પરંતુ ચીને ક્યારેય તિબેટને સ્વતંત્ર દેશ માન્યો ન હતો. ૧૯૫૦માં ચીને તિબેટ પર સંપૂર્ણ નિયંત્રણ મેળવી લીધું હતું. ચીન અરુણાચલ પ્રદેશમાં મેકમોહન રેખાને સ્વીકારતું નથી અને તે અક્સાઈ ચીન પરના ભારતના દાવાને પણ નકારી કાઢે છે.
ભારત અને ચીન વચ્ચે થયેલી સમજૂતીમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને મહત્ત્વની ભૂમિકા ભજવી હોવાનું માનવામાં આવે છે. બ્રિક્સમાં મુખ્યત્વે ત્રણ મોટા દેશ છે : ભારત, ચીન અને રશિયા. રશિયાના રાષ્ટ્રપતિ પુતિન જાણે છે કે જો ભારત અને ચીન વચ્ચે મિત્રતા નહીં હોય તો બ્રિક્સનું કોઈ અસ્તિત્વ જ નહીં રહે. બંને દેશોની મિત્રતા મેળવીને તેઓ એવો વિકલ્પ લાવવા માંગે છે જે અમેરિકાને પડકારી શકે. જ્યારે ભારત, ચીન અને રશિયા એકસાથે આવે છે, ત્યારે એક વિશ્વ વ્યવસ્થા રચાય છે, જે અમેરિકાને મુશ્કેલીમાં મૂકી શકે છે. યુક્રેન યુદ્ધને કારણે રશિયાની સંપત્તિ મોટા પાયે સ્થગિત થઈ ગઈ છે અને તે ડૉલરને બદલે બ્રિક્સનું ચલણ ઈચ્છે છે. એક અલગ ચલણ હોવું જોઈએ અને વેપાર એ જ રીતે થવો જોઈએ.
ચીન પણ જાણે છે કે તે દરેક જગ્યાએ પોતાનો મોરચો ખોલી શકે નહીં. ચીન માટે તાઈવાન અને ભારત સાથે એકસાથે મોરચો જાળવવો મુશ્કેલ છે. જો તેના ભારત સાથે સારા સરહદી સંબંધો હશે તો તે અમેરિકા સાથે સારી સ્પર્ધા કરી શકશે. સવાલ એ છે કે શું લદ્દાખમાં થયેલી સમજૂતીથી અરુણાચલ પ્રદેશ અને સિક્કિમને પણ અસર થશે? ચીન અરુણાચલને પોતાનું હોવાનો દાવો કરે છે. ચીન તેને દક્ષિણ તિબેટ કહે છે, પરંતુ ચીની લશ્કર ત્યાં આગળ વધ્યું નથી. આ કરાર માત્ર લદ્દાખ માટે જ થયો છે, પરંતુ તેની અસર ભવિષ્યમાં અરુણાચલ પ્રદેશ સહિતના પૂર્વ ભારતમાં પણ દેખાઈ શકે છે.
લદ્દાખની સાથે સાથે ચીન સિક્કિમ અને અરુણાચલ પ્રદેશના ઘણા વિસ્તારો પર દાવો કરે છે, પરંતુ હવે જે સમજૂતી થઈ છે તે માત્ર લદ્દાખ માટે છે. ૨૦૨૦માં ગલવાન ખીણમાં હિંસક અથડામણ પછી તણાવ ઘણો વધી ગયો હતો, પરંતુ વર્ષ ૨૦૨૨માં ભારત અને ચીને ગલવાન અને પેંગોંગ લેકનો મુદ્દો ઉકેલી લીધો હતો. ડેપસાંગ અને ડેમચોક ભારત માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. ડેપસાંગ ૯૦૦ ચોરસ કિલોમીટરનો મેદાની વિસ્તાર છે. ત્યાં ટેન્કોનો ઉપયોગ કરી શકાય છે. તેની પાસે ભારતની દોલત બેગ ઓલ્ડી એર સ્ટ્રીપ છે.
મે ૨૦૨૨ પહેલાં, ભારતીય સૈનિકો પોઈન્ટ્સ ૧૦, ૧૧, ૧૧A, ૧૨, ૧૩ અને Y જંકશન સુધી સરળતાથી જઈને પેટ્રોલિંગ કરી શકતા હતા, પરંતુ બાદમાં ચીને તેનો કબજો લઈ લીધો અને ત્યાં એક અસ્થાયી માળખું બનાવવામાં આવ્યું હતું. હવે ભારત અને ચીન બંનેના સૈનિકો ડેપસાંગ અને ડેમચોક જઈ શકે છે, પરંતુ સૈનિકોની સંખ્યા મર્યાદિત છે. આ સંખ્યા ૧૫ થી ૨૦ ની વચ્ચે છે. આ ઉપરાંત એકબીજાને જાણ કર્યા બાદ પેટ્રોલિંગ કરવામાં આવશે, જેથી વિવાદની સ્થિતિ ઊભી ન થાય. ચીને તેણે બનાવેલા કામચલાઉ સ્ટ્રક્ચર્સને હટાવી દીધા છે, પરંતુ બફર ઝોન કેટલો મોટો હશે તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટતા નથી.
સૈનિકોને પાછા હટાવવા એ પહેલું પગલું છે. આ પછી સરહદ પરથી સૈનિકોને હટાવવાની પ્રક્રિયા, એટલે કે ડિમિલિટરાઇઝેશન અને ડીસ્કેલેશન હજુ થવાનું બાકી છે. જો આવું થશે તો ભારત તેના સૈનિકોને આરામ આપી શકશે અને તેમની તાલીમ યોગ્ય રીતે થશે, કારણ કે સૈનિકોને હંમેશા એલર્ટ મોડમાં રાખી શકાતા નહીં. પહેલી વાર ચીન પોતાનાં પગલાં પાછાં લઈ રહ્યું છે. આટલું હોવા છતાં ચીન પર ભરોસો ન કરી શકાય. ચીન સલામી સ્લાઈસિંગ ટેકનિકનો ઉપયોગ કરે છે. તે બે ડગલાં આગળ વધે છે અને એક ડગલું પાછળ જાય છે અને આમ કરતી વખતે તે આગળ વધતું રહે છે. આ ચીનની વિસ્તરણવાદી નીતિ છે, જે માઓ ઝેડોંગના સમયથી ચાલી રહી છે.
]સમગ્ર બ્રિક્સ શિખર પરિષદ દરમિયાન રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન, ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની એક તસવીર ચર્ચામાં રહી હતી. તસવીરમાં વ્લાદિમીર પુતિન વચ્ચે છે અને તેમની બાજુમાં નરેન્દ્ર મોદી અને શી જિનપિંગ છે. આ દરમિયાન પુતિન કેમેરા તરફ સ્મિત કરી રહ્યા છે અને થમ્બ્સ અપના ઈશારા કરી રહ્યા છે. પાંચ વર્ષ બાદ મોદી-જિનપિંગ બ્રિક્સ શિખર પરિષદમાં મળ્યા હતા. બંને નેતાઓ છેલ્લે ૨૦૧૯માં મળ્યા હતા જ્યારે શી જિનપિંગ ભારતની મુલાકાતે આવ્યા હતા. બે સૌથી વધુ વસ્તી ધરાવતા દેશોના નેતાઓ બ્રિક્સ જેવા પ્લેટફોર્મ પર મળ્યા હતા અને રશિયાએ તેને વિશ્વને તેની વ્યૂહાત્મક સફળતા તરીકે બતાવવાનો પ્રયાસ કર્યો હતો. આ તસવીર અમેરિકાના અંતનો આરંભ સૂચવે છે.