આજે જમવામાં ખીચડી બનાવજો એટલું કહેતા તરત જ ઘરમાં રસોઈ બનાવતી મા કે પત્ની કહેશે કે આજે મંગળવાર હોય ખીચડી ના બની શકે તેવું કહી ખીચડી બનાવવાની સાફ ના પાડી દે છે. અમારે ત્યાં મંગળવાર, ગુરૂવાર, અમાસ, પૂનમ કે અગિયારસ હોય ત્યારે ખીચડી બનાવતા નથી . તેનું ખાસ કોઈ કારણ જાણવામાં આવેલ નથી અને કોઈ સમજાવી શક્યું નથી! આપણે યાત્રાએ જઈએ છીએ તો ઘણા મંદિરોમાં કોઈપણ તિથિ કે કોઈપણ વાર કે તહેવાર હોય મંદિરોના પ્રસાદમાં ઘણી વખત ખીચડી હોય છે જો તીર્થ સ્થાનોમાં ભગવાનને માટે ખીચડી બનતી હોય તો આપના ઘરોમાં કેમ ના બની શકે? આ બાબતે કોઈ જાણકાર વ્યક્તિ પ્રકાશ પાડી શકશે?
સુરત – વિજય તુઈવાલા .– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
સ્માર્ટ સિટી વરસાદમાં ઘોવાઈ ગયું
સ્માર્ટ સિટી સુરત, કુદરત આગળ ડમ્બ સિટી બન્યુ! પ્રજાને પાછલા દિવસોમાં ભયંકર હાલાકી વેઠવી પડી. ફરી એકવાર કુદરત પાસે તંત્ર અને માનવી બંને લાચાર છે એ સિદ્ધ થઈ ગયું. કેમ આવું બન્યુ? એ તો વિચારવું જ રહ્યુ. પ્રિ-મોન્સૂન કામગીરી યોગ્ય રીતે ન થઈ હશે? પાણીનાં યોગ્ય નિકાલ માટે રસ્તા નહીં હશે? એક જ વરસાદમાં કોઝવે ઓવરફ્લો! વેપારીઓને અનહદ નુકસાન, વાહન વહેવાર ઠપ્પ. બધુ જ સ્માર્ટ સિટીમાં અસ્ત-વ્યસ્ત થઈ ગયું! મેટ્રો તો હજુ કેટલાય વર્ષ લેશે? સિલ્ક સિટી, ડાયમંડ સિટી કુદરત આગળ સ્માર્ટનેસ ગુમાવી બેઠું. હશે ચાલ્યા કરે. સુરત સહનશીલતાની મુરત છે જ. 2006માં રેલ પછી ત્વરિત ઊભું થઈ જ ગયું હતું ને? આ તો કુદરતનું નાનું ટ્રેલર છે.
રાંદેર રોડ, સુરત – નેહા શાહ.– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.