આજના આધુનિક યુગમાં આખું વર્ષ વિશેષ ડેઓથી ભરેલું જોવા મળે છે જેમ કે મધર ડે, ફાધર ડે, ફ્રેન્ડશીપ ડે, વુમન ડે વિગેરે વિગેરે. વિવિધ દિવસોની હારમાળા વચ્ચે એક વાત ખૂબ જ બારીકાઈથી નોટીસ કરવા જેવી છે કે દરેક ડે એ એ વ્યક્તિવિશેષની પ્રશંસામાં આખું સોશ્યલ મિડિયા લાગી જાય છે અને વિવિધ કાર્ડો બનાવવામાં આવે છે. પ્રશ્ન એ છે કે તમારા જીવનમાં દરેક પક્ષની વિશેષ ભૂમિકા અને યાદો જળવાયેલી હોય છે. તેને માત્ર એક ડે ના સ્વરૂપમાં જાહેરમાં પ્રશંસા કરીને મર્યાદિત કરવી જોઈએ નહીં પરંતુ તમારા દિલમાં આ વ્યક્તિવિશેષોનો ખજાનો કાયમી યાદ સ્વરૂપે તેમને જાળવી રાખવો જોઈએ. એ જ તેમનું સાચા સ્વરૂપમાં સાચું મૂલ્યાંકન છે. એના માટે કોઈ પણ વિશેષ ડેની જરૂર નથી.
મોટા મંદિર, સુરત – રાજુ રાવલ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
મતતાલિકાનું શુદ્ધિકરણ કરો
અત્યારના એકેય કાઉન્સિલર ના જોઈએ, તેઓ પ્રજાના નહીં, પક્ષના સેવક છે એવી લોકચર્ચા ચાલતી હોય એવા કાળમાં મતદારયાદીની ચકાસણી- સુધારણા થવી જ જોઈએ. ગેરકાનૂની વસાહતોની શોધ કરી વિદેશીઓ- ઘૂસણખોરોને મતદારસૂચિમાંથી હટાવવાનો ઉદ્દેશ હોવો જોઈએ. મતતાલિકા અધ્યતન (અપ-ટુ-ડેટ) કરાય તો મતદાર મૂળ ભારતીય નાગરિક છે કે નહીં એની જાણ જાહેર થાય. બુથ લેવલ ઑફિસર ઘરે ઘરે ત્રણ વખત પહોંચીને મતદારની ઓળખ કરે છે અને નવા લાયક મતદારોને મતદારયાદીમાં જોડે છે.
વ્યક્તિના નામની જોડણી/સ્પેલિંગમાં મતિપૂર્વક લખીને યા ભૂલ કરીને અગર એપિક નંબર બદલીને નવા મતદારો ઉમેરી દેવાય છે એવા પ્રતિપક્ષીઓ હાકલાપડકારા મચાવતા હોય છે. કરોડોની સંપત્તિ ધરાવતા રાજનેતાઓ વોટચોરી મુદ્દે હાઈડ્રોજન બૉમ્બ ફોડીને પર્દાફાશ કરવાની રાડારાડ કરતા હોય ત્યારે નિર્વાચન આયોગની મતદારયાદી શુદ્ધિકરણની કાર્યવાહી યથોચિત જ છે. રાજનીતિને નિયમો સાથે કોઈ લેવાદેવા નથી એવા રૂઢ ખ્યાલને સમયસર અને અસરદાર પગલાં મારફત ખોટો ઠરાવી શકાય એમ છે.
મણિનગર, અમદાવાદ – જિતેન્દ્ર બ્રહ્મભટ્ટ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.