૨૦મી એપ્રિલની રવિવારીય પૂર્તિમાં ‘નો નોનસેન્સ’માં લેખકશ્રી રમેશ ઓઝાએ ખૂબ સરસ પ્રશ્ન કર્યો કે, ‘જે સ્થાન ચીને મેળવ્યું એ ભારત કેમ ન મેળવી શક્યું?’લેખક શ્રીએ જે કારણો ગણાવ્યા છે, તે ઠીક છે, પણ મારી દૃષ્ટિએ શા માટે આપણાં કરતાં ચીન વિશ્વ વ્યાપારમાં આગળ છે, તેના કારણો આ પ્રમાણે છે. (૧) ચીનમાં કોઈ વિપક્ષ, ઝોલાંછાપ એનજીઑ કે બુધ્ધિજીવીઓ નથી કે જે દેશની વિકાસ યોજનાઓની રાહમાં વિઘ્નો ઊભા કરે. (૨) ચીનમાં ચૂંટણીઓ થતી જ નથી. (૩) ચીનમાં સામાન્ય નાગરિકોને, સરકાર ગમે તે નિર્ણય લે પણ સરકારનો વિરોધ કરવાનો કોઈ અધિકાર નથી. (૪) ચીનમાં સરકાર જે કઈ નિયમો બનાવે તેને લોકોએ માનવા ફરજિયાત છે. (૫) ચીની યુનિવર્સિટીઓમા વિદ્યાર્થીઓ ‘ચીન તેરે ટુકડે હોંગે હજાર’ જેવા નારાઓ નહીં લગાવી શકે. (૬) ચીનમાં સુપ્રીમ કોર્ટ કરતાં વધુ શક્તિશાળી ત્યાની સત્તાધારી કોમ્યુનિસ્ટ પાર્ટીની પોલિટ બ્યૂરો છે. (૭) ચીનમાં ભ્રષ્ટાચાર, ડ્રગ્સ સ્મગ્લિંગ, હત્યા, આતંકવાદ જેવા કેસોમાં તરત જ મૃત્યુદંડ આપવામાં આવે છે.
(૮) ચીનમાં આતંકવાદીઓના કોઈ અધિકાર હોતા નથી. ચીનમાં આતંકવાદીઓ માટે રાત્રે કોર્ટ ખૂલતી નથી અને આતંકવાદીઓને કોઈ વકીલ મળતા નથી. (૯) ચીનમાં કોઈ માનવાધિકાર આયોગ નથી. (૧૦) ચીનમાં કોઈ ખાનગી કે વિદેશી મીડિયા હાઉસ નથી. ફક્ત ત્યાં સરકારી મીડિયા જ છે. (૧૧) ચીનમાં ફેસબુક, વોટ્સએપ વગેરે જેવુ સોશિયલ મીડિયા છે જ નહીં, ચીની લોકો માટે ચીને પોતે પોતાનું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વિકસિત કર્યું છે. જેમાં તમે સરકાર વિરુધ્ધ કે સરકારી નીતિઓ વિરુધ્ધ કંઇ જ નહીં લખી શકો. (૧૨) ચીનમાં કોઈ સબસિડી, કોઈ સરકારી નોકરીમાં અનામત નથી. બધાએ મહેનત કરીને જ ખાવાનું. આ બધા કારણોથી ચીન આપણાં કરતાં ઘણું આગળ છે.
બારડોલી – કેદાર રાજપૂત– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
