નવી દિલ્હીઃ ઉદ્યોગપતિ ગૌતમ અદાણી પર યુએસમાં રોકાણકારોને છેતરવાનો આરોપ લાગતા ખળભળાટ મચી ગયો છે. અદાણી પર ભારતમાં સોલાર પ્રોજેક્ટ્સ માટે કોન્ટ્રાક્ટ મેળવવા અને ફંડ મેળવવા માટે મોટા પાયે લાંચ આપવાનો આરોપ છે. હવે આ મામલે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ અદાણી પર આકરા પ્રહારો કર્યા છે અને અદાણીની ધરપકડની માંગ કરી છે.
રાહુલ ગાંધીએ કહ્યું, મને આશ્ચર્ય થાય છે કે અદાણી આ દેશમાં ખુલ્લેઆમ ફરે છે. આ દેશમાં મુખ્યમંત્રીઓની ધરપકડ કરવામાં આવી છે, પરંતુ અદાણીજી ડર્યા વગર ફરે છે. દેખીતી રીતે જ અદાણીએ રૂ. 2000 કરોડનું કૌભાંડ કર્યું છે અને સંભવતઃ અન્ય પણ ઘણા કૌભાંડો કર્યા છે, પરંતુ તેઓ ડર્યા વગર ફરતા રહે છે… અમે વારંવાર આ વાતનું પુનરાવર્તન કરી રહ્યા છીએ… આ વાતના પુરાવા છે. વડાપ્રધાન અદાણીને બચાવે છે અને વડાપ્રધાન અદાણી સાથે ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા છે…’
પીએમ મોદી અદાણીને બચાવી રહ્યા છે
આજે પ્રેસ કોન્ફરન્સ સંબોધતી વખતે રાહુલ ગાંધીએ કહ્યું કે, નરેન્દ્ર મોદીજીએ સૂત્ર આપ્યું હતું કે જો એક છીએ તો સેફ છીએ. જો ભારતમાં અદાણીજી અને મોદીજી એક હોય તો તે સુરક્ષિત છે. ભારતમાં કોઈ અદાણીજીને કંઈ કરી શકે તેમ નથી. એક મુખ્યમંત્રી 10-15 કરોડ રૂપિયાના આરોપમાં જેલમાં જાય છે પરંતુ અદાણીજી 2 હજાર રૂપિયાનું કૌભાંડ કરી પણ મુક્ત છે. કારણ એ છે કે પીએમ તેમની સુરક્ષા કરે છે. પીએમ મોદી અદાણીને બચાવી રહ્યા છે અને તેઓ પોતે ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા છે.
અદાણીની તાત્કાલિક ધરપકડ થવી જોઈએ – રાહુલ
રાહુલ ગાંધીએ કહ્યું, અદાણીએ અમેરિકામાં ગુના કર્યા છે. 2 હજાર કરોડનું કૌભાંડ આચર્યું છે. પરંતુ ભારતમાં અદાણીજીને કોઈ કંઈ કરી શકે તેમ નથી. અદાણીની ધરપકડ થવી જોઈએ. માધુરી બુચને હટાવી તેની તપાસ થવી જોઈએ. વડાપ્રધાન આ વ્યક્તિને 100 ટકા બચાવી રહ્યા છે. આ લોકો ભાજપને સંપૂર્ણ સમર્થન આપે છે. અમારી પાસે જેપીસીની માંગ છે. અમે કહેવા માંગીએ છીએ કે અદાણીજીની ધરપકડ થવી જોઈએ.
રાહુલે ગાંધીએ વધુમાં કહ્યું કે અમે જાણીએ છીએ કે અદાણીને કંઈ થવાનું નથી. તેમણે કહ્યું, જો તેઓ કાયદેસર રીતે કામ કરી રહ્યા છે તો અમને કોઈ સમસ્યા નથી. જો સરકારને લાગે છે કે કંઈક ખોટું છે તો તેણે તપાસ કરવી જોઈએ. શરૂઆતનો મુદ્દો અદાણીજીને પકડીને અંદર લાવવાનો અને પછી તેમની પૂછપરછ કરવાનો હશે. તેઓને માધુરી બુચ દ્વારા સુરક્ષિત કરવામાં આવે છે જેઓ તેમના શેરના ભાવને નિયંત્રિત કરે છે. તેમને પણ તેમના પદ પરથી હટાવવા જોઈએ. ,