એમને અન્યાય શા માટે..?

માનવ સમાજ ત્રણ સમૂહોમાં વહેંચાયેલો છે. (1) પુરૂષ વર્ગ (2) સ્ત્રી વર્ગ અને ત્રીજો એવો વર્ગ છે જે પુરૂષમાં નથી અને સ્ત્રીમાં પણ નથી. સમાજ એને હીજડા તરીકે ઓળખે છે. એ ઉપરાંત તેમને વ્યંડળ, કિન્નર, પાવૈયા વગેરે નામથી પણ ઓળખવામાં આવે છે. વ્યંડળ માટે અંગ્રેજીમાં Enuch (યુનક) શબ્દ છે. હીજડાઓ લગ્ન ટાણે (અથવા કોકને ત્યાં બાળક જન્મે ત્યારે) ઠીક ટાકણે “લાગો” લેવા હાજર થઈ જાય છે. પ્રશ્ન થાય છે કોકને ત્યાં બાળક જન્મે તેની એમને શી રીતે ખબર પડતી હશે? ભારતમાં ત્રીસ લાખથી વધુ હીજડાઓની વસતિ છે. કહેવાય છે કે પોતાનું સંગઠનબળ વધે તે માટે હીજડાઓ બાળકોને ઉપાડી જાય છે. તેમની ખસી કરાવીને તેમને હીજડા બનાવી દે છે. જો કે આ વાત સાચી જણાતી નથી. જો એમ હોત તો પોલિસને ચોપડે કે અખબારોમાં એવા હજારો કિસ્સાઓ નોંધાયેલા જોવા મળ્યા હોત. પણ એવું નથી.

અમેરિકામાં દર વર્ષે અઢી લાખ લોકોને પ્રોસ્ટેટનું કેન્સર થાય છે. તેમને બચાવવા તેમના વૃષણ કાપી નાખવામાં આવે છે. પ્રશ્ન થાય છે કે દુનિયાભરના સેંકડો વિજ્ઞાનીઓ ગ્રહો, નક્ષત્રો, ચંદ્ર કે સૂર્ય અંગે વર્ષોથી સંશોધન કરતા રહે છે. તો હીજડાઓ વિષે સંશોધન કરવાનું તેમને કેમ સૂઝતું નહીં હોય? ફરિસ મલિક નામના એક ક્રિશ્ચન સંશોધકે લખ્યું છે કે એક દિવસ મેં અમારા ધર્મગ્રંથમાં વાંચ્યું કે ઈસુ ખ્રિસ્ત હિજડાઓને માતાના પેટમાં જ પેદા કરે છે. પણ મારું માનવું છે કે માણસના અમુક અંગછેદન પછી તે હીજડો બની જાય છે. જો કે ઘણાં પુરૂષોનું લિંગ છેદન થયું નથી હોતું તોય તેમને સ્ત્રીઓ પ્રત્યે સેક્સ્યુઅલ આકર્ષણ થવાને બદલે પુરુષો પ્રત્યે જ થાય છે. એથી મારું માનવું છે કે જે પુરૂષમાં સ્ત્રી પ્રત્યે વિજાતીય આકર્ષણનો સંપુર્ણ અભાવ હોય તો (તેનું લિંગ સલામત હોય તો) પણ તે હીજડો જ ગણાય. કેમકે કિન્નરત્વ લિંગમાં નહીં મનમાં પેદા થતું હોય છે.

હીજડાઓ વિશે ખૂબ ઓછુ સાહિત્ય પ્રગટ થયું છે. (રાજેશ તલવાર નામના એક લેખકે આંધ્ર અને તામિલનાડુના હીજડાઓ વિશે – “ધી થર્ડ સેક્સ એન્ડ હ્યુમન રાઈટ્સ” નામનું એક પુસ્તક લખ્યું છે. તેમાં તેમણે લખ્યુ છે કે, હીજડા ઉપેક્ષિત માનવજાતિ છે. દેશી રજવાડા હતા ત્યારે મોગલ બાદશાહો હીજડાઓને આસાનીથી નોકરી આપતા. એથી સંતાનોને આસાનીથી નોકરી મળી જાય એવી લાલચે ગરીબ માબાપો ખુદ તેમના સંતાનોના લિંગ છેદન કરીને તેમને હીજડા બનાવી દેતા. અકબરના શાસનમાં એ ક્રૂર પ્રથા બંધ કરવામાં આવી. ‘સબનમ મૌસી’ નામનો હીજડો મધ્યપ્રદેશની ધારાસભામાં ચૂંટાયો હતો. કમલા જાન નામનો હીજડો પણ મેયર તરીકે ચૂંટાયો હતો. ટીવી પર રજૂ થયેલા ‘બીગ બૉસ’ના રિયાલિટી શોમાં પણ લક્ષ્મી નામના હીજડાને લેવામાં આવ્યો હતો. આ રીતે હીજડાઓ કલાકાર, ધારાસભ્ય કે મેયર બનવા જેવી નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરે તોય તેમના નામ સાથે સદીઓથી  જોડાયેલું “હીજડા” નામનું કલંક દૂર થતું નથી.

હીજડાઓ વિશે આપણી પાસે પૂરી જાણકારી ન હોવાથી કર્ણોપકર્ણ વહેતી થયેલી વાતો આપણે સાચી માની લઈએ છીએ, પણ હજી ઘણાં પ્રશ્નો અનુત્તર રહે છે. જેમકે હજી એ વાતની ગડ બેસતી નથી કે હીજડાઓ બીજા કોઈને નહીં ને બહુચર માતાની જ કેમ પૂજા કરે છે? અને ખાસ તો એ પ્રશ્ન થાય છે કે કુદરતે હીજડાઓને પ્રથમથી જ વિચિત્ર સ્થિતિમાં મૂક્યા હોવા છતાં તેઓ તાબોટા પાડવા જેવી વિચિત્ર હરકતો કરીને વધુને વધુ અશોભનીય દેખાવાનો પ્રયત્ન કેમ કરે છે? એકવીસમી સદીમાં જાતીય જ્ઞાન વિષેનો છોછ ઓછો થતો જાય છે. લોકો હવે અખબારો કે ટીવી દ્વારા દેહ રચના વિશે ઘણી માહિતીઓ ધરાવતા થયા છે. પણ હીજડા વિશે વિદ્વાનોને દસ સવાલો પૂછવામાં આવે તો તેઓ પણ બધાના સાચા જવાબો નથી આપી શકતા એવું કેમ??

થોડા વધુ ઊંડા ઉતરીએ તો જાણવા મળે છે કે સરકારના એજન્ડા પર પણ હીજડાઓ માટે કોઈ વિશેષ પ્રાવધાન નથી. મૂડી કે શિક્ષણના અભાવે તેમને કોઈ નોકરી આપતું નથી. છતાં આજપર્યંત કોઈ હીજડાની બિનવારસી લાશ મળી હોય તેવું જાણમાં નથી. સમાજમાં તેમના અલગ દવાખાના કે અલગ હૉસ્પિટલો હોતી નથી. કોણ તેમને પોતાના સ્મશાનમાં અગ્નિસંસ્કાર કરવા દેતું હશે? આવા અનેક પ્રશ્નો અનુત્તર રહે છે. એક અહેવાલ મુજબ આપણે ત્યાં તેત્રીસ લાખ હીજડાઓ અપમાનિત હાલતમાં જીવે છે. તે માટે તેમના માબાપ તો જવાબદાર ખરા જ પણ સરકારની લાપરવાહી કે નિષ્ઠુરતા પણ જવાબદાર ખરી.
ધૂપછાંવ
 આપણે આંધળા, બહેરા, લૂલા, લંગડા કે ઘરડાઓ માટે આશ્રમો કે ઘરડાઘરો સ્થાપીએ છીએ. 75 થી વધુ ઉંમરના વૃદ્ધના સન્માનો પણ કરીએ છીએ. તો કિન્નર તરીકે જન્મેલા બાળકનો કેમ ત્યાગ કરીએ છીએ? શું તેઓ માનવ નથી?? ચાલો વિચારીએ.

Most Popular

To Top