જે દેશનો અન્નદાતા દુ:ખી હોય તે દેશ કદી સુખી થઈ શકતો નથી. દેશના મુઠ્ઠીભર ઉદ્યોગપતિ કોઈ પણ જાતનો શ્રમ કર્યા વિના રોજના કરોડો રૂપિયા કમાય છે, જ્યારે કલાકો સુધી કાળી મજૂરી કરનારા કિસાનને તેની મહેનતનું પૂરું વળતર મળતું નથી. કિસાનો કાળી મજૂરી કરીને જે સંપત્તિનું સર્જન કરે છે, તેનાં ફળ કેટલાક ધનકુબેરો હડપ કરી જાય તેવી વ્યવસ્થા ભારતમાં ગોઠવાયેલી છે, જેની સામે કિસાનો સંઘર્ષ કરી રહ્યા છે. ઉત્તર પ્રદેશ, હરિયાણા, પંજાબ સહિત અનેક રાજ્યોના ખેડૂતો દિલ્હી તરફ કૂચ કરી રહ્યા છે. ૧૩ ફેબ્રુઆરીથી શરૂ થઈ ગયેલા ખેડૂતોના દિલ્હી ચલો આંદોલનમાં ૧૫૦થી વધુ સંગઠનો સામેલ છે. જ્યારે ૨૦૨૦-૨૧માં ખેડૂતોનું આંદોલન હતું ત્યારે ખેડૂતોને દિલ્હીમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી હતી, પરંતુ આ વખતે કલમ ૧૪૪ લાગુ કરી દેવામાં આવી છે. દિલ્હીની તમામ સરહદો સીલ કરી દેવામાં આવી છે.
૨૦૨૦-૨૧માં કિસાનોની મુખ્ય માગણી ત્રણ કૃષિ કાનૂન પાછા ખેંચવાને લઈને હતી, જેને કારણે ૧૨ મહિનાથી વધુ સમય સુધી કિસાનો દ્વારા ભારતની રાજધાનીને ઘેરો નાખવામાં આવ્યો હતો, જેના પરિણામે સરકારે ઝૂકવું પડ્યું હતું. આ વખતે ખેડૂતોની સૌથી મહત્ત્વની માંગણી MSP એટલે કે લઘુતમ ટેકાના ભાવ સાથે જોડાયેલી છે. ખેડૂતોની માંગણી છે કે લઘુતમ ટેકાના ભાવની ખાતરી આપવામાં આવે અને તમામ પાકને MSPના દાયરામાં લાવવામાં આવે. આ ઉપરાંત લઘુતમ ટેકાના ભાવ કરતાં ઓછા ભાવે પાકની ખરીદીને ગુનો જાહેર કરવો જોઈએ, તેવું પણ કિસાનો માગી રહ્યા છે.
MSP એટલે લઘુતમ સમર્થન કિંમત અથવા ન્યૂનતમ સમર્થન કિંમત. એમએસપી એ દર છે, જેના પર સરકાર ખેડૂતો પાસેથી પાક ખરીદે છે, જે ખેડૂતોના ઉત્પાદન ખર્ચ કરતાં ઓછામાં ઓછો દોઢ ગણા જેટલો વધુ હોય છે. કેન્દ્ર સરકાર વિવિધ પાક માટે લઘુતમ ભાવ નક્કી કરે છે. ખેડૂતને MSP હેઠળ તેના પાકની નિયત કિંમત મળે છે, પછી ભલે ને બજારમાં કિંમત ગમે તે હોય. આ માટે સંસદમાં કડક કાયદો ઘડવાની માગણી કિસાન સંગઠનો કરી રહ્યા છે.
વધુ સરળ શબ્દોમાં કહીએ તો ધારો કે એક પાકની MSP કિલોના ૨૦ રૂપિયા નક્કી કરવામાં આવી છે અને તે પાક બજારમાં ૧૫ રૂપિયામાં વેચાઈ રહ્યો છે, તો પણ સરકાર તે પાક ખેડૂતો પાસેથી ૨૦ રૂપિયામાં જ ખરીદશે. સરકાર કિસાનોનો બધો પાક ખરીદે તે જરૂરી નથી; પણ સરકાર ટેકાના ભાવે પાક ખરીદતી હોવાથી કિસાનો પોતાનો પાક બજારમાં MSP ઉપર કે તેથી ઉપરના ભાવે વેચી શકશે. તેને કારણે કિસાનોને તેમની મહેનતનું યોગ્ય વળતર મળશે.
કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ ૧૯૬૬-૬૭માં પ્રથમ વખત MSP ની શરૂઆત કરવામાં આવી હતી. ભારતને આઝાદીના સમય પછી અનાજ ઉત્પાદનમાં ભારે નુકસાન સહન કરવું પડ્યું હતું. ત્યારથી MSPની સિસ્ટમ સતત ચાલી રહી છે. ૧૯૬૦ ના દાયકામાં સરકારે પ્રથમ ઘઉં પર એમએસપી રજૂ કરી જેથી તે ખેડૂતો પાસેથી ઘઉં ખરીદી શકે અને જાહેર વિતરણ યોજના અથવા રાશન યોજના હેઠળ ગરીબી રેખા નીચે જીવતાં લોકોમાં તેનું વિતરણ કરી શકે. કેન્દ્ર સરકાર દરેક પાક પર MSP આપતી નથી. હાલમાં કુલ ૨૩ પાક પર લઘુતમ ટેકાના ભાવ આપવામાં આવે છે.
આ પાકને મેન્ડેટેડ ક્રોપ્સની શ્રેણીમાં રાખવામાં આવ્યા છે. તેમાં ૧૪ ખરીફ પાક, ૬ રવિ પાક અને અન્ય બે વ્યાપારી પાકનો સમાવેશ થાય છે. આ પાક ઉપરાંત શેરડી માટે વાજબી વળતરની પણ ભલામણ કરવામાં આવે છે. કૃષિ મંત્રાલય હેઠળના કમીશન ફોર એગ્રીકલ્ચરલ કોસ્ટ એન્ડ પ્રાઈસ અને અન્ય સંસ્થાઓ એમએસપી સંબંધિત સૂચનો આપે છે. MSP લાગુ કરવાની જવાબદારી કેન્દ્ર સરકારની છે. લઘુતમ ટેકાના ભાવો નક્કી કરતા સમયે કૃષિ ખર્ચ અને વિવિધ પરિબળોને પણ ધ્યાનમાં લેવામાં આવે છે.
કેન્દ્ર સરકાર એમએસપી નક્કી કરતી હોવા છતાં દેશના તમામ ખેડૂતોને તેનો લાભ મળી શકતો નથી. ૨૦૧૪માં બનેલી શાંતા કુમાર કમિટિ અનુસાર દેશના માત્ર ૬ ટકા ખેડૂતોને MSPનો લાભ મળ્યો છે. આ સિવાય બિહાર જેવાં ઘણાં રાજ્યોમાં MSP સિસ્ટમ લાગુ કરવામાં આવી નથી. બિહારમાં PACS (પ્રાથમિક કૃષિ સહકારી મંડળીઓ) દ્વારા અનાજની ખરીદી કરવામાં આવે છે. હવે જો MSP ગેરંટી કાયદો લાવવામાં આવશે, તો સરકારની નજર વધારાના ખર્ચ પર પણ રહેશે, જે વાર્ષિક ઓછામાં ઓછા ૧૦ લાખ કરોડ રૂપિયા હશે.
સરકાર તેટલો ખર્ચ તો માળખાકીય સુવિધા પાછળ કરે છે. જો લઘુતમ સમર્થન કિંમત દેવી હોય તો કેન્દ્ર સરકારે નવું બજેટ બનાવવું પડશે. ૨૦૨૦-૨૧માં ખેડૂતોના આંદોલનનું નેતૃત્વ રાકેશ ટિકૈત અને ગુરનામ સિંહ ચધુની જેવા બે અગ્રણી નેતાઓએ કર્યું હતું. આ વખતે ટિકૈત અને ચધુની બંને આંદોલનમાંથી ગાયબ છે. પંજાબના ખેડૂત નેતાઓ જગજીત સિંહ દલ્લેવાલ અને સર્વન સિંહ પંઢેર આ આંદોલનનું નેતૃત્વ કરી રહ્યા છે. દલ્લેવાલ કિસાન મઝદૂર મોરચાના નેતા છે.
MSP એ આધાર પર નક્કી કરવામાં આવે છે કે ખેડૂતોને તેમની પડતર કિંમત પર ૫૦ ટકા વળતર મળે, પરંતુ વાસ્તવમાં એવું થતું નથી. ઘણી જગ્યાએ ખેડૂતોને તેમના પાક MSP કરતાં ઓછા ભાવે વેચવાની ફરજ પડે છે. જ્યારે આ અંગે કોઈ કાયદો જ નથી તો તેઓ કોઈ કોર્ટમાં પોતાનો હક માંગવા જઈ શકતા નથી. જો સરકાર ઇચ્છે તો ગમે ત્યારે MSP બંધ કરી શકે છે, કારણ કે આ માત્ર એક નીતિ છે પણ કાયદો નથી. આ વાતનો ખેડૂતોને વાંધો છે. જો સરકાર લઘુતમ ટેકાના ભાવે ખરીદી ન કરે તો વેપારી વર્ગ તેમનો માલ સસ્તામાં પડાવી લે છે. દેવામાં ડૂબેલા કિસાનને પણ મજબૂરીવશ પોતાનો પાક સસ્તામાં વેચવાની ફરજ પડતી હોય છે. આંદોલનકારી ખેડૂતો માંગણી કરી રહ્યા છે કે સરકાર એમએસપી એટલે કે લઘુતમ ટેકાના ભાવ કરતાં નીચા ભાવની ખરીદીને ગુનો જાહેર કરે અને સરકારી ખરીદી એમએસપી પર ચાલુ રહે.
જો આ ૨૩ પાકોના આંકડા પર નજર કરીએ તો વર્ષ ૨૦૧૯-૨૦માં તમામ ૨૩ પાકનું ઉત્પાદન મળીને ૧૦.૭૮ લાખ કરોડ રૂપિયા જેટલું હતું. આ તમામ પાક બજારમાં વેચવા માટેનું પ્રમાણ પણ અલગ અલગ હોય છે. ઉદાહરણ તરીકે, જો ૫૦ ટકા રાગી બજારમાં વેચાવા માટે હશે તો ૯૦ ટકા કઠોળ હશે તેમ જ ઘઉં ૭૫ ટકા રહેશે. તેથી જો આપણે સરેરાશ ૭૫ ટકા ધારીએ તો પણ ઉત્પાદન ૮ લાખ કરોડ રૂપિયાથી થોડું વધારે હશે. તો સવાલ એ છે કે જો સરકારે ખેડૂતોને MSPની ગેરંટી આપવી હોય તો શું સરકારે આટલો ખર્ચ કરવો પડશે? જવાબ છે, ના. આ ૨૩માંથી શેરડીને બાકાત રાખવી પડે, કારણ કે સરકારને તેના પૈસા ચૂકવવાના હોતા નથી.
તે ખાંડ મિલો દ્વારા આપવામાં આવે છે. સરકાર હાલમાં તેની એજન્સીઓ દ્વારા કેટલાક પાકની ખરીદી કરે છે, જેની કુલ કિંમત ૨.૭ લાખ કરોડ રૂપિયા છે. સરકારી એજન્સીઓએ બધો પાક બજારમાંથી ખરીદવાની જરૂર નથી, કારણ કે જો સરકાર કુલ ઉત્પાદનના એક તૃતીયાંશ કે ચોથા ભાગની ખરીદી કરે તો પણ બજારમાં તેના ભાવો આપોઆપ વધી જાય છે. ખેડૂતો તેમના પાકને તે ભાવે બહાર વેચી શકે છે. આ બધું જોતાં જો લઘુતમ સમર્થન મૂલ્યનો કાયદો કરવામાં આવે તો પણ સરકારને દર વર્ષે માત્ર ૧.૫ લાખ કરોડ રૂપિયા સુધીની વધારાની ખરીદી કરવી પડે તેમ છે.
ઘણી સમિતિઓએ સરકારને ભલામણ કરી છે કે સરકારે ઘઉં અને ડાંગરની ખરીદીમાં ઘટાડો કરવો જોઈએ. આ ડર ખેડૂતોને પણ સતાવી રહ્યો છે. જો સરકાર ભવિષ્યમાં ઓછી ખરીદી કરશે તો દેખીતી રીતે ખેડૂતો ખાનગી કંપનીઓને પાક વેચવાની ફરજ પડશે. ખાનગી કંપનીઓ એમએસપી કરતાં ઓછા ભાવે ખરીદી કરવા માંગે છે જેથી તેમનો નફો વધી શકે. સરકાર ખાનગી કંપનીઓ માટે જ કામ કરી રહી છે. માટે તે કિસાનોની માગણી સ્વીકારવા તૈયાર થતી નથી.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.